નવા અધ્યક્ષ તરીકે તેમના સામે ચાલુ વર્ષે ત્રણ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપના અશ્વમેધને આગળ વધારવાનો પડકાર છે
નીતિન નબીન કોણ? ગયા મહિને ભારતીય જનતા પાર્ટીએ કાર્યકારી
અધ્યક્ષ તરીકે બિહારના પાંચ વારના વિધાનસભ્યનું નામ જાહેર કર્યું ત્યારે આ સવાલ પુછાતો
હતો, પણ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નીતિન નબીન મારા બૉસ છે, એ પછી
સવાલ પુછાઈ રહ્યો છે કે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન
નબીન કરશે શું? ભાજપ પાસે શીર્ષ નેતૃત્વ છે, સતત ચૂંટણી મૉડમાં રહેતું તંત્ર અને રાષ્ટ્રવ્યાપી
સંગઠન છે અને નાણાંની પણ રેલમછેલ છે. ભાજપના હાઈ-કમાન્ડના નિર્ણયો પાછળ પ્રતીકાત્મકતા
અને આશ્ચર્યો સર્જવાની પરંપરા અહીં જળવાઈ રહી છે અને એક સામાન્ય કાર્યકર્તા સર્વોચ્ચ
પદ પર પહોંચી શકે છે, સાથે જ નીતિન નબીન ભાજપના પહેલા મિલેનિયલ (1981થી 1996ની વચ્ચે
જન્મેલા) અધ્યક્ષ છે. જોકે, નવા અધ્યક્ષ તરીકે તેમના સામે ચાલુ વર્ષે ત્રણ રાજ્યોની
ચૂંટણીઓમાં ભાજપના અશ્વમેધને આગળ વધારવાનો પડકાર છે. જોકે, વિરોધી પક્ષો નીતિન નબીનને
ભાજપે ચૂંટણી વિના જ આ પદ પર બેસાડÎા એ મુદ્દે મેદાનમાં ઊતરી આવ્યા છે. વધુ એકવાર આ
પક્ષો અને ખાસ કરીને કૉંગ્રેસ એ જ ભૂલ કરી રહ્યું છે જે તેઓ મોદી-ભાજપના કોઈપણ નિર્ણયને
વખોડી નાખવાની ઉતાવળ કરતી વખતે કરે છે. ખરેખર તો જે પક્ષો એક ચોક્કસ પરિવારની સત્તામાંથી
બહાર આવી શકતા નથી, તેઓ આવો સવાલ કરે એ જ વક્રોક્તિ છે. બીજું, ભાજપે નીતિન નબીનને
ક્યાંથી શોધી કાઢ્યા? એના કરતાં ભાજપને આવા પ્રયોગો કરવાનું કેવી રીતે પાલવે છે? એ
સવાલ પર મનોમંથન કરવાથી વધુ લાભ થશે.
આસામ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ નીતિન
નબીનની પહેલી મહત્ત્વની જવાબદારીઓ હશે. આમાં એક આસામને બાદ કરતાં બાકીનાં બે રાજ્યોમાં
ભાજપનું કદ-પહોંચ-શક્યતા મર્યાદિત રહ્યાં છે. જોકે, આમાંનાં બે રાજ્યો એવાં છે, જ્યાંના
મુખ્ય પ્રધાનો પોતાના પક્ષના વડા પણ છે અને પક્ષ તથા સત્તા એક પરિવારની આસપાસ જ ફરે
છે. ભાજપના વાર્ષિક અહેવાલ મુજબ, પક્ષના ચૂંટણી ખર્ચમાં છેલ્લાં પાંચેક વર્ષમાં અધધધ
વધારો થયો છે. 2019-20માં આ આંકડો રૂા. 1352.92 કરોડ હતો, તે 2024-25માં રૂા.
3335.36 કરોડ પર પહોંચી ગયો છે. જોકે, પક્ષનાં સાધનોનો વહીવટ સંભાળવા ઉપરાંત નીતિન
નબીનને વિધાનસભા ચૂંટણીઓ અને 2029ની લોકસભા ચૂંટણીથી આગળ વધી દેશના સત્તાસ્થાને રહેલા
પક્ષના વડા તરીકે મહત્ત્વના મુદ્દાઓને આધાર આપવાનો પડકાર પણ રહેશે. આ પહેલાં ભાજપના
રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે વાજપેયીજી, અડવાણીજી પછી નીતિન ગડકરી, રાજનાથ સિંહ અને અમિત
શાહ જેવા દિગ્ગજ નેતાઓ પછી જે. પી. નડ્ડા અને હવે નીતિન નબીન જેવા નવા ચહેરાની પસંદગી
કરાઈ છે.
રાજ્યોમાં ભાજપનાં પદચિહ્નો વધી રહ્યાં છે અને કેન્દ્રમાં
સત્તાનું સતત 13મું વર્ષ છે, આવામાં પક્ષ જાડી ચામડીનો અને ટીકાઓ પ્રત્યે બેફિકર થઈ
શકે છે. નવા અધ્યક્ષ સામે પક્ષની પ્રગતિ ચાલુ રાખવા સાથે સૌને સાથે રાખી ચાલવાનો પડકાર
પણ રહેશે.