પશ્ચિમ એશિયામાં લડાઈ ક્યારે બંધ થશે તેની ચર્ચામાં પડયા વગર ભારત સરકારે આપણા અર્થતંત્ર અને લોકોને હાડમારીથી બચાવવા `કવચ'ની જાહેરાત કરી છે. વિશ્વ બજારમાં તેલના ભાવ વધતા જાય છે તેની અસર, આઘાત આમજનતા ઉપર પડે નહીં તે માટે આબકારી જકાત - પેટ્રોલ-ડીઝલ ઉપરની એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજ્યસભામાં જણાવ્યું છે કે આપણા - રોજિંદા વપરાશના પેટ્રોલ - ડીઝલ ઉપરની જકાતમાં લિટરદીઠ રૂા. દસનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં થતા વધારા સામે આ `કવચ' છે. વડા પ્રધાન મોદીએ નાણાપ્રધાનને સૂચવ્યું છે કે આમજનતા ઉપર વધારાનો બોજ નહીં પડવો જોઈએ. જકાત ઘટાડા સાથે જ ડીઝલની નિકાસ ઉપર લિટરદીઠ 21.5 રૂપિયાની જકાત નાખવામાં આવી છે જેથી દેશ બહાર ડીઝલની નિકાસ ઓછી થાય અને આંતરિક બજારમાં વધુ ડીઝલ પ્રાપ્ય બની શકે.
નાણાપ્રધાને રાજ્યસભામાં
એમ પણ કહ્યું છે કે કેટલાક વિપક્ષી નેતાઓ દેશભરમાં લોકડાઉન થવાની અફવા ફેલાવે છે -
લોકોમાં ભય ફેલાવવા માટે આવી અફવા ફેલાવાય છે તે રાષ્ટ્રહિતને નુકસાન કરે છે. પાકિસ્તાનમાં
આંશિક લોકડાઉન છે. બાંગ્લાદેશમાં તો તમામ યુનિવર્સિટીઓ બંધ જાહેર કરવામાં આવી છે અને
અૉનલાઇન શિક્ષણ અપાય છે. વીજળીની ભારે અછત હોવાથી આવા નિર્ણય લેવાયા છે જ્યારે ભારતે
સાવધાનીથી પગલાં લીધાં અને લોકોની પરેશાની શક્ય તેટલી ઓછી થાય જેની કાળજી રખાય છે.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય જનતા માટે રાહતરૂપ છે પણ વિરોધ પક્ષોને અકળાવે છે. હવે પ્રચાર
થઈ રહ્યો છે કે આગામી ચૂંટણીને નજરમાં રાખીને સરકારે રાહત આપી છે પણ ચૂંટણી પછી ભાવવધારા
જાહેર થશે!
યુદ્ધ ભલે ઘરઆંગણે
નથી પણ આપણે યુદ્ધની સ્થિતિ અને પડકારનો પ્રતિકાર કરી રહ્યા છીએ ત્યારે વિરોધ પક્ષોએ
નકારાત્મક પ્રચાર અને દેશહિત વિરોધી અફવા ફેલાવવાને બદલે એકતા બતાવીને સહકાર આપવો જોઈએ.
વડા પ્રધાન મોદીએ મુખ્ય પ્રધાનોને અનુરોધ કર્યો છે કે આપણે સૌએ `એક ટીમ'ની સ્પિરિટ
- ભાવનાથી પડકારનો પ્રતિકાર કરવાનો છે. રાજ્યોના સહકારની અત્યારે ખરી કસોટી છે પણ આપણા
વિરોધ પક્ષો પાસેથી અપેક્ષા રાખી શકાય?