મહારાષ્ટ્રની રાજનીતિના મહારથી શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફરીથી વખાણ કરીને રાજકીય ક્ષેત્રે ફરી ચર્ચા છેડી દીધી છે. વડા પ્રધાનના વિદેશ પ્રવાસથી લઈને તેમણે ત્યાંથી આપેલી ચેતવણીની વાતો આંતરરાષ્ટ્રીય માધ્યમો ઉપર છે. પરદેશી પત્રકાર પણ સતત સોશિયલ મીડિયા ઉપર ચમક્યા છે. કારણ કે તેમને સંતોષકારક જવાબ મળ્યો નથી. રાહુલ ગાંધીએ વળી સાવ જુદી રીતે વડા પ્રધાન ઉપર તીર છોડયાં. પરંતુ વરિષ્ઠ રાજકારણી શરદ પવારે જે વાત કરી છે તે ફક્ત નરેન્દ્રભાઈના સંદર્ભે નહીં, લોકશાહી અને રાજકીય ક્ષેત્રની પરિપક્વતા માટે અગત્યની છે. જે ઊંચાઈ શરદ પવારે બતાવી છે તેવી અપેક્ષા દેશના તમામ નેતાઓ, વિશેષત: આવા ઉચ્ચ સ્તરીય નેતાઓ પાસે રહે.
મહારાષ્ટ્રના
પૂર્વ મુખ્ય પ્રધાન, એનસીપીના સ્થાપક શરદ પવારે મંગળવારે પુણેમાં લક્ષ્મણરાવ ગુટ્ટે
રૂરલ ડેવલવમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે,
અમારી રાજકીય વિચારધારા ભલે નરેન્દ્ર મોદીથી અલગ હોય, પરંતુ પ્રધાન મંત્રીના રૂપમાં
તેઓ ભારતની વૈશ્વિક છબિને મજબૂત બનાવવામાં સાતત્યપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે
કહ્યંy કે, જ્યારે દેશના સન્માનની વાત હોય ત્યારે આપણે આપણા રાજકીય મતભેદ વચ્ચે લાવવા
જોઈએ નહીં, પવારે આ વાત બરાબર ત્યારે જ કરી છે જ્યારે રાહુલ ગાંધી વડા પ્રધાનના વિદેશ
પ્રવાસ વિશે વિવિધ પ્રકારનાં નિવેદનો કરી રહ્યા છે. પવારની આ વાત અત્યંત અગત્યની છે.
છેલ્લા ઘણા સમયથી નેતાઓ વિવેક ચૂકી જાય છે. કોઈને સાપ કહેવા તો કોઈને આતંકવાદી કહેવાના
બનાવ વારંવાર ગાજે છે.
રાજકીય કે સાર્વજનિક
ક્ષેત્રે ભિન્નમત, વિચારભેદ તો રહેવાના અને તે વ્યક્ત પણ થવા જોઈએ, પરંતુ વ્યક્તિગત
સન્માન અલગ છે. બંધારણીય પદનું સન્માન વળી સાવ અલગ બાબત છે. કોઈપણ નેતાએ તે મૂલ્યો
જાળવવા જ જોઈએ. વિચારભેદ શત્રુતા નથી અને રાષ્ટ્રીય સન્માન રાજકીય અલગતા કરતાં ઉપર
છે. આ બન્ને બાબતે પવાર સાથે સંમત થવું જોઈએ, દરેક પક્ષના નેતાએ પવારની આ વાતનું અનુસરણ
કરવું જોઈએ.