વડા પ્રધાન નરેન્દ્ર મોદી નોર્ડિક દેશોની મુલાકાતના અંતિમ ચરણમાં ઇટાલી પહોંચતા તેમનો ઉમળકાભર્યો સત્કાર થયો છે. ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારે સોશિયલ મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. ભારત અને ઇટાલીના સંબંધો નિર્ણાયક દોરમાં પહોંચ્યા છે. બન્ને દેશ વચ્ચે 15 યોજના-સમજૂતી કરાર થયા છે. ઇટાલીના પૂર્વ વડા પ્રધાને નોર્વે, સ્વિડન અને નેધરલૅન્ડની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય બેઠકોમાં જે કરાર કર્યા અને જે કહ્યું એ ભારત માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.
નેધરલૅન્ડ સાથેની
સમજૂતીમાં બદલાતી વૈશ્વિક અર્થ-રાજનીતિ વચ્ચે ભારતની લાંબા ગાળા માટેની રણનૈતિક પુન:સ્થાપનાનો
સંકેત છે. દુનિયાના એક ભાગમાં ભલે યુદ્ધની હિંસાનો અને અવિશ્વાસનો માહોલ હોય, પણ સમજદાર
અને પ્રગતિશીલ રાષ્ટ્રો પરસ્પર સહયોગનાં માધ્યમથી આગળ વધવા પ્રતિબદ્ધ છે. નોર્ડિક દેશો
અને ભારત વચ્ચેની નિકટતાનું એક લક્ષ્ય ચીની માલસામાન પરનું અવલંબન ઘટાડવાનુંય છે. નેધરલૅન્ડ
યુરોપનું મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ-લૉજિસ્ટિક કેન્દ્ર છે, તો ભારત એક ઊભરતી ઉત્પાદન વ્યવસ્થા
છે. ટેક્નિકલ સહયોગ, સાધન-સરંજામની આપૂર્તિ અને ટેક્નૉલૉજી હસ્તાંતરણ સુનિયોજિત રીતે
ગોઠવાશે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભૂમિકા ભજવવા સક્ષમ છે. આવા
પ્રયાસોથી મૂડીરોકાણ, ઉત્પાદન અને રોજગારી ક્ષેત્રે હકારાત્મક પરિણામ જોવા મળશે.
ભારત અને નેધરલૅન્ડે
ગ્રીન હાઇડ્રોજન અને હરિત ઊર્જા ક્ષેત્રે મહત્ત્વના કરાર કર્યા છે. આ બે ક્ષેત્ર એવાં
છે જેમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ઊંચા લક્ષ્યાંક રાખ્યા છે. એક તરફ ગ્લૉબલ
વૉર્મિંગની ચિંતા, બીજી તરફ ખાડી યુદ્ધ-હોર્મુઝ કટોકટીએ દુનિયાભરમાં સર્જેલી ઈંધણની
અછત-ભાવમાં રૉકેટ ગતિના વધારાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ઊર્જાના બિનપરંપરાગત સ્રોત
વિકસાવ્યા વિના ચાલે તેમ નથી. યુરોપમાં ઊર્જાની ખપત ઘણી છે. મોદી સરકાર ભવિષ્યના દૃષ્ટિકોણ
સાથે જુદાં જુદાં રાષ્ટ્રો સાથે સમજૂતી કરીને ટેક્નૉલૉજી અને જાણકારીની સરળ ઉપલબ્ધતા
સુનિશ્ચિત કરી રહી છે.
ઇટાલીમાં બન્ને
વડા પ્રધાન વચ્ચેની મુલાકાત પછી દ્વિપક્ષીય રણનૈતિક સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે.
મોદી અને મેલોની ભારત અને યુરોપીય સંઘ વચ્ચેની મુક્ત વેપાર સમજૂતી જલદી લાગુ થાય એ
દિશામાં સક્રિય છે. એ સાથે બન્ને દેશે પાંચ વર્ષ માટે તૈયાર કરેલા રોડમેપ હેઠળ વેપાર,
ટેક્નૉલૉજી અને સુરક્ષા જેવાં ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે.
હવેનો યુગ ઝડપી ટેક્નૉલૉજી પરિવર્તનનો છે. અદ્યતન ટેક્નૉલૉજી થકી પ્રગતિનો ગ્રાફ બદલાઈ
જાય છે. ભારત-ઇટાલી ઇનોવેશન સેન્ટર આ દિશામાં ચાવીરૂપ પહેલ પુરવાર થશે.
વિશ્વ વ્યવસ્થા
આજે પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહી છે. દુનિયામાં ભૌગોલિક કે પારસ્પરિક હિતોને લઈને
રચાયેલાં જુદાં જુદાં સંગઠનોની મજબૂતાઈ નબળી પડી છે અથવા તો યુદ્ધખોર કે સ્વાર્થી વિચારસરણીએ
ઐક્ય સામે પડકાર ઊભો કર્યો છે, એવામાં ભારત અને ઇટાલીની ભાગીદારી ઉચ્ચ રાજનૈતિક અને
સંસ્થાગત સ્તર પર નિરંતર સંવાદ સાથે આગળ વધી રહી છે.
બન્ને દેશ હજારો
વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવે છે અને વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માનનારાં રાષ્ટ્રો છે.
વડા પ્રધાન મોદીની મુલાકાત અને ઇટાલિયન પીએમ મેલોનીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ
સાથેની ચર્ચા-નિર્ણયો દ્વિપક્ષીય સંબંધો સુદૃઢ બનાવશે.