• ગુરુવાર, 06 ઑગસ્ટ, 2026

એક બંગલા સજે ન્યારા

ભાયખલા ગાર્ડન અને પ્રાણીઘર પરિસરમાં મુંબઈનાં મેયર હજાર સ્કવેર ફૂટના મોકળાશભર્યા હેરિટેજ બંગલામાં રહે છે અને આસપાસ લીલોતરી તથા શાંત વાતાવરણ, બધું મુંબઈમાં દુર્લભ ગણાય. પણ, હવે મેયર અથવા તો પાલિકા ઇચ્છે છે કે, ચારેક મહિના પહેલાં બંગલાના રિનોવેશન પાછળ રૂા. 2.4 કરોડનો ખર્ચ થયા પછી રૂા. 2.9 કરોડના ખર્ચે તેમાં કેટલીક સુવિધાઓ ઉમેરવામાં આવે અને ફેરફાર કરાય. પાલિકાના ઝૂ ડિપાર્ટમેન્ટે બહાર પાડેલા -ટેન્ડરમાં હેરિટેજ બંગલાના પરિસરમાં સુધારા માટે ત્રણ મહિનાની અંદર કામ આટોપવાની માહિતી આપવામાં આવી છે. કન્ટેનરમાંથી બનેલો ફર્નિચર અને ઈન્ટિરિયર સાથેનો કૉન્ફરન્સ રૂમ, નવી ગટર લાઈન, પાણીની ટાંકીઓ, ઘરકામ કરનારાઓ તથા સિક્યોરિટી કર્મચારીઓ માટેના રૂમ્સનું રિનોવેશન તથા મેકેનિકલ અને ઈલેક્ટ્રિક કામ સાથે બાયો-ઍબ્ઝોર્બન્ટ નૉઈસ બૅરિયરનો નવાં કામમાં સમાવેશ થાય છે. હજી ગત એપ્રિલ મહિનામાં બંગલાના ભોંયતળિયે ઈટાલિયન માર્બલનું ફ્લારિંગ, ઈન્ટિરિયરનું સંપૂર્ણ રિનોવેશન, અદ્યતન રસોડું, અૉડિટોરિયમનું બેઠક ખંડમાં પરિવર્તન તથા ઝુમ્મર તથા વિશેષ પ્રકારની લાઈટિંગ પર ખર્ચ કરાયો હતો. જોકે, બધામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત છે નોઈસ બેરિયર એટલે કે બહારના ઘોંઘાટને રોકવા માટેની આડશો. મુંબઈ શહેરની હાલત એવી છે કે, ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય છે, અસમતળ ફૂટપાથ, ઊભરાતી ગટરો, ભારે વરસાદમાં તૂટી પડતાં વૃક્ષો અને ખુલ્લી ગટરમાં પડી જવાથી થતાં મોત ઉપરાંત સુવિધાઓના અભાવની કથની લાંબી-લચક છે. આવામાં, માત્ર ત્રણ મહિનામાં ફરી મેયરના બંગલાનું સમારકામ હાથ ધરાવાનું છે.

બે દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે, મેયરના બંગલાની બહાર વાહનો પાર્ક થાય માટે બૅરિકેડ્સ મુકાયા હતા, વાતને લઈને હોબાળો શાંત થાય પહેલાં લગભગ ત્રણ કરોડના ખર્ચે બંગલાના રિનોવેશનના સમાચાર આવ્યા છે. પહેલા મેયરનું સત્તાવાર નિવાસ સ્થાન દાદરના શિવાજી પાર્ક પાસેના એક હેરિટેજ બંગલામાં હતું. પણ બંગલો બાળાસાહેબ ઠાકરેના સ્મારક માટે ફાળવવામાં આવ્યા બાદ ભાયખલા ખાતે જીજામાતા ઉદ્યાન પરિસરમાંના હેરિટેજ બંગલાને મેયરનું સત્તાવાર નિવાસસ્થાન બનાવાયું. હવે, મેયર રિતુ તાવડેએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં એના માંડ સાત મહિનામાં બીજીવાર મેયર બંગલાના રિનોવેશનનું ટેન્ડર બહાર પડતાં વિરોધ શરૂ થયો કે, તો લોકોનાં નાણાંનો વેડફાટ છે. પાલિકાએ ટેન્ડર પાછું ખેંચી લેવાની જાહેરાત કરી છે. રિતુ તાવડેએ પણ નિવેદન આપ્યું છે કે, મેં બંગલામાં રિનોવેશનની કોઈ માગ કરી નથી. જોકે, અત્યારે તો વિવાદ સમેટાઈ ગયો છે. પણ અધિકારીઓના રહેઠાણના સમારકામ પાછળ નિયમિત થતાં ખર્ચ વિશે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ