જંતરમંતર, દિલ્હીમાં જે થયું હતું તેવું જ ઝારખંડમાં પણ થયું. પરીક્ષા ગેરરીતિ સામે 25મી જુલાઈથી ઉપવાસ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી ગઈ, સોમવારે તેઓ વિધાનસભા પરિસર સુધી જઈ ચડયા. પોલીસ સાથે ઘર્ષણ થયું. વિદ્યાર્થીઓનું આંદોલન હજી ચાલી જ રહ્યું છે. સરકાર, રાજકીય પક્ષ કે સંગઠનના માપદંડથી જ વિદ્યાર્થીઓની લડત કે લાગણીને તોળવાનું ક્યાંક આપણને સમાજ તરીકે પણ મોંઘું ન પડે તે જોવું પડશે. અરાજકતા ન ચલાવી લેવાય કે ન અવિવેકને શરણે થવું જોઈએ તે સાચું પરંતુ દેશની નવી પેઢીના ભવિષ્યને અવગણવાની ભૂલ પણ થવી જોઈએ નહીં. વિદ્યાર્થીઓના આંદોલનોની અસર દેશમાં કેવી થઈ છે તેના સાક્ષી આપણે સૌ છીએ.
જેપીએસસી-ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓની ક્ષતિ, પેપરલીક મામલે ચાલી રહેલા આંદોલનમાં નવો વળાંક આવ્યો છે અને તે ચિંતાજનક છે. હજારો વિદ્યાર્થીઓ સોમવારે વિધાનસભા પરિસર સુધી પહોંચી ગયા, તેમણે બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે અશ્રુવાયુ છોડયો. વિદ્યાર્થીઓ સાથે આમ તો સરકારે આ મુદ્દે સંવાદ સાધ્યો હતો. તેમણે પરીક્ષા ગેરરીતિ અંગે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને સીબીઆઇ આખા પ્રકરણની તપાસ કરે તેવી માગણી પણ કરી હતી. તે દરમિયાન ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ ચૅરમૅન એલ. ખિયાંગ્તેની ઝારખંડ સીઆઇડીએ ધરપકડ કરી છે. સરકારે ઈડી દ્વારા તપાસ, ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાની ખાતરી પણ આપી છે.
જોકે, વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ જ છે અને વધારે ગંભીર રૂપ લઈ રહ્યું છે. હેમંત સોરેનની સરકાર સામે આ મોટો પડકાર ઊભો થયો છે. વિદ્યાર્થી આંદોલનની ટીકા તો જંતરમંતર વખતે પણ થઈ હતી, અહીં પણ થશે. જોકે, આ વિદ્યાર્થી, તેમના વાલી બન્નેના પરિશ્રમ, બન્નેનાં સપનાઓ, ભાવિ યોજનાઓનો સવાલ છે. વિદ્યાર્થીઓ આમ જ શિક્ષણ પદ્ધતિ, પરીક્ષાઓના વમળમાં છે. મહેનત કરીને અપાતી પરીક્ષા વખતે પણ આવું થાય તો તેઓ નારાજ થાય જ. જે દેવાની છે તે પરીક્ષા તો તેમણે દેવાની જ પરંતુ તે સિવાય કેટલી પરીક્ષા તેવો પ્રશ્ન સહજ છે. જ્યાં જે વિરોધ થાય તેને ફક્ત રાજકીય વિચારધારા સાથે જોડી દેવાનું પણ મુનાસિબ નથી. જો આંદોલનની પાછળ અન્ય પરિબળ કે તત્ત્વ હોય તો તેને ખુલ્લાં પાડવાં જોઈએ, પરંતુ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને તો ન્યાય મળવો જ જોઈએ.
દિલ્હીમાં જે આંદોલન થયું તે પછી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત બન્નેએ કહ્યું કે આંદોલન નાગરિકનો અધિકાર છે અને નવી પેઢી ખરાબ નથી. આંદોલન વખતે વિવેકભાન, પદનું સન્માન ચોક્કસ જળવાવું જોઈએ, પરંતુ પરીક્ષાલક્ષી સમસ્યાઓનો તો ઉકેલ આવવો જ જોઈએ.