• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

સંકટ યુરોપનું, ચિંતા આખા વિશ્વની

પ્રગતિશીલ અને શિક્ષિત ગણાતા યુરોપના વિવિધ દેશમાં વિભિન્ન કારણે સરકારો વિરુદ્ધ શરૂ થયેલાં ધરણા-પ્રદર્શનો હવે અરાજકતા અને ઘર્ષણમાં પરિવર્તિત થવા લાગ્યાં છે. સમસ્ત યુરોપ સંકટમાં છે, યુરોપમાં સંકટ છે. શરૂમાં તો ફ્રાન્સ સળગ્યું હતું, પરંતુ તે આ અલ્બાનિયા, પોર્ટુગલ અને બેલ્જિયમ સહિત ફેલાઈ ગઈ. રસ્તા ઉપર ઊતરીને સરકારો વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓની સંખ્યા વધી રહી છે. શાસકની સામે વિરોધ કે અસંતોષ કોઈ નવી વાત નથી, પરંતુ યુરોપમાં અસંતોષનું આ પ્રદર્શન હિંસા, લૂંટ અને આગજની જેવા બનાવમાં ફેરવાયું છે. ફ્રાન્સની સ્થિતિ સૌથી ગંભીર છે અને તે ભવિષ્યના ઘેરા સંકટના સંકેત આપી રહી છે.

ભારતમાં જેન-ઝીનાં આંદોલનોનાં દૃશ્ય જોઈને ચિંતા કરનારા લોકો યુરોપની વિગતો જાણી કહી રહ્યા છે કે સુખી-સંપન્ન ગણાતા, જ્યાં ખુશીનો આંક ભારત કરતાં અનેકગણો વધારે છે તેવા દેશોમાં લોકો-યુવાનો રસ્તા ઉપર ઊતરી આવ્યા છે. આના કરતાં તો ભારતની સ્થિતિ સારી છે કે લોકોએ આટલી હિંસક લડાઈ કરી નથી. સરકાર આંદોલનને આટલી હદે તીવ્ર બનતું રોકવામાં સફળ રહી છે. સામે આપણા આંદોલનકર્તા સંગઠનો, યુવાનોએ પણ સૂત્રો બહુ પોકાર્યાં, પરંતુ આટલી હિંસા કરી નથી, સરકારી મિલકતોને નુકસાન પહોંચાડયું નથી. યુરોપના આ દેશોની હાલત તો એટલી ખરાબ છે કે પોલીસ કર્મચારીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. 

ફ્રાન્સમાં ધરણા-પ્રદર્શનની શરૂઆત શાળાની સુવિધાની ઊણપ અને શિક્ષકોના સંદર્ભે શરૂ થઈ હતી. પછી મોંઘવારી, સામાજિક યોજનાઓમાં મુકાતો કાપ જેવા મુદ્દા તેમાં ભળ્યા. અન્ય દેશોમાં પણ સરકાર ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા છે. યુરોપમાં અત્યારે  અપ્રવાસીઓ-ઈમિગ્રન્ટ ઉપર લેવાઈ રહેલાં પગલાંથી રોષ છે. બહારથી ત્યાં જઈને અનધિકૃત રીતે વસેલા લોકોનો વિરોધ થઈ રહ્યો છે તેનો ભોગ અધિકૃત રીતે ત્યાં વસતા લોકો પણ બની રહ્યા છે. જોકે, આ રોષ તો અમેરિકા અને અૉસ્ટ્રેલિયામાં વસતા ઈમિગ્રન્ટ વિરુદ્ધ પણ દેખાય છે.

યુરોપની સ્થિતિ નિયંત્રણમાં નથી આવી રહી તેમાં સરકારોની થોડી શિથિલતા છે સામે આવી હાલત અને લોકોની નારાજગીનો ગેરલાભ લઈને હિંસા આચરનારા લોકો પણ છે. આનાં મૂળ ક્યાંક આતંકવાદી માનસિકતા ધરાવતાં સંગઠનો કે લોકો સુધી પણ લંબાતા હોય તો આશ્ચર્ય થાય તેમ નથી. એક રીતે જોઈએ તો યુરોપની આ લડાઈ તેના એકલાની નથી. વિશ્વના અન્ય દેશોમાં પણ ભવિષ્યમાં આવું નહીં થાય તેમ કહી ન શકાય.