• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

લિટલ ચૅમ્પ જેત્સન દોહના લામાના સપોર્ટરોએ મેરેથૉનમાં ભાગ લીધો; શંકર મહાદેવને સ્પર્ધકોને સ્કૉલરશિપ આપી

ઝી ટીવી પરથી પ્રસારિત થતા ગાયકીના રિયાલિટી શૉ સે રે ગા મા પા લિટલ ચૅમ્પ્સની નવમી સિઝન હાલ ચાલી રહી છે. દરેક બાળ સ્પર્ધક ઉત્તમ પરફોર્મન્સ આપીને જજ શંકર મહાદેવન, અનુમલિક અને નીતિ મોહનને ચકિત કરી દે છે. આ સપ્તાહના અંતે રજૂ થનારા કાર્યક્રમમાં ટોચના છ સ્પર્ધકો શ્રેષ્ઠ પરફોર્મ્સ આપતા જોવા મળશે. જેકી શ્રોફ અને રકુલ પ્રીતસિંહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. દરમિયાન પાકયોંગ સિક્કીમની સ્પર્ધક નવ વર્ષની જેત્સન દોહના લામાની પ્રશંસા થઈ રહી છે. તેના પરફોર્મન્સથી સૌ પ્રભાવિત થઈને તેને મિનિ સુનિધી ચૌહાણ નામ આપે છે. જેત્સન વિજેતા બને તે માટે દાર્જીર્લિંગ, સિક્કીમ અને કાલિંમપોંગથી એક જૂથ ખાસ મુંબઈ આવ્યું અને મેરેથોનમાં ભાગ લીધો હતો. આ જૂથમાંના એક સુદર્ન તમાગે કહ્યું કે, અમે દાર્જીર્લિંગ, સિક્કીમ અને કાલિમપોંગથી મુંબઈ મેરેથાનમાં ભાગ લઈને જેત્સનને સપોર્ટ કરવા આવ્યા છીએ. તે અંતર્મુખી છે, પરંતુ પરફોર્મ કરે છે ત્યારે તેજસ્વી બની જાય છે. અમારા માટે તો તે અત્યારથી જ વિજેતા છે. અમે આશા રાખીએ છીએ કે તે વિજેતા બને અને અમને ગૌરવ અપાવે. 

આ ઉપરાંત આ સેમી ફાઈનલ એપિસોડમાં જજ શંકર મહાદેવન ટોચના છ સ્પર્ધકોને એક લાખ રૂપિયાની સ્કોલરશિપ અને એક ડિજિટલ ટેબલેટ આપશે. તેમની આ ભેટ સ્પર્ધકોને ગાયકીમાં કારકિર્દી બનાવવા સાથે અભ્યાસમાં પણ મદદરૂપ થશે. શંકરે કહ્યું હતું કે, શરૂઆતથી જ તમામ સ્પર્ધકો અત્યંત પ્રતિભાશાળી રહ્યા છે અને આવી અદ્ભૂત પ્રતિભા જોઈને અમે ખુશ છીએ. મેં મારી એકેડમી તરફથી તેમને નાનકડી ભેટ આપવાનું નક્કી કર્યું છે.