• રવિવાર, 03 ઑગસ્ટ, 2025

સિદ્ધિના ‘અવકાશ’માં વધુ એક ‘પગલું’ : નિસાર

વિશ્વના મોટા દેશોનાં મોટાં શહેરો કુદરતી આપદાનો ભોગ બન્યાં છે, ત્સુનામીની વ્યાપક અસર રશિયા સહિતના દેશો ઉપર પડી છે. તેના સમાચારોના પ્રવાહ વચ્ચે ભારતની એક વધુ સિદ્ધિના વાવડ આવ્યા છે. ભારતે અત્યાર સુધીનો સૌથી મોંઘો અને સક્ષમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો છે. પૃથ્વીના અત્યંત ઝીણવટભર્યા અવલોકનોથી માંડીને અનેક સંશોધનો આ ઉપગ્રહ કરશે. સમગ્ર અભિયાન પાછળ 1.5 અબજ ડૉલર એટલે કે ગંજાવર કહી શકાય તેટલા 12,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે તેવું કહી શકાય કે, ભારતના હરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી 30મી જુલાઈએ ઐતિહાસિક અવકાશી સિદ્ધિનો આરંભ થયો છે.

ચંદ્રયાન, તાજેતરમાં જ શુભાંશુ શુક્લનો અંતરિક્ષ વિહાર તે પછી આ નિસાર. ભારતીય અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે એક પછી એક સફળતા જગત જોઈ રહ્યું છે. વૈજ્ઞાનિક પરિભાષામાં જેને ‘અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ’ કહેવાય છે તે નિસાર રૉકેટ - ઉપગ્રહ 783 કિલોમીટરની ઊંચાઈએ 18 મિનિટની અવધિમાં અવકાશમાં મુકાયો. નાસા અને ઈસરોની આ સહિયારી સફળતા છે. પાંચ વર્ષ ચાલનારા આ મિશનમાં ઉપગ્રહ 97 મિનિટમાં પૃથ્વીની આસપાસનું પરિભ્રમણ પૂર્ણ કરશે. પૃથ્વીની ધરતીના દરેક હિસ્સામાં નક્શો તૈયાર કરશે. પૃથ્વીની સપાટી ઉપર થતાં સૂક્ષ્મ પરિવર્તનો પણ તે જોઈ શકશે. પૃથ્વી અને તેના પર્યાવરણને નજીકથી સમજવા માટે આ નિસાર કામ કરશે. આબોહવામાં આવતા પરિવર્તન, પૂર-વધુપડતા વરસાદ જેવી કુદરતી આપદાને સમજવામાં મદદરૂપ થનારો આ ઉપગ્રહ એટલા માટે વિશિષ્ટ છે કે અન્ય પરંપરાગત ઉપગ્રહો પૃથ્વી પર થઈ રહેલા પરિવર્તનને પ્રમાણી શકતા નથી. બે પ્રકારના રડારનો ઉપયોગ કરનાર પણ આ પ્રથમ ઉપગ્રહ હશે.

જંગલ વિસ્તારની અંદરની સપાટી તથા નાની-નાની વસ્તુઓને પણ નીરખી શકવાની ક્ષમતા તેમાં છે. ચાર સ્તરમાં વિભાજિત આ અભિયાન અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું વિરાટ ડગ છે. છેલ્લા દાયકામાં જે રીતે આ કામ થઈ રહ્યું છે, આગામી દસ વર્ષમાં ‘ભારત સ્પેસ રિસર્ચ સેન્ટર’ની રચના સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે તેવી આગાહી ગ્રહો ઉપરથી નહીં પરંતુ આ ઉપગ્રહ ઉપરથી કરી શકાય.