ટ્રમ્પને દુખે છે પેટ અને કૂટે છે માથું. આ જકાત ભારતના સામાન પર નહીં, સ્વમાન પર લાદવામાં આવી છે. અમેરિકાએ આંકેલી લાઇનદોરી પર ચાલવાનો ભારતે સ્પષ્ટ ભાષામાં મક્ક્મતાથી ઇનકાર કર્યો તેના પગલે ટ્રમ્પની જાહેરાત આવી પડી છે. અમેરિકાની માગણી હતી (હજી છે) કે ભારત અમેરિકાની કૃષિ પેદાશો (જેનેટિકલી મોડીફાઇડ-જીએમ સોયાબીન અને મકાઈ સહિતની) અને ડેરી પ્રોડક્ટ્સ માટે પોતાના દરવાજા ખોલી નાખે, પેટન્ટના કાયદામાં પાણી નાખે, સરકારી ખરીદીમાં અમેરિકન કંપનીઓને ભાગ લેવા દે વગેરે. ભારતે પોતાની ખેતી અને ખેડૂતો, ગોપાલકો, દર્દીઓ અને નાના ઉદ્યોજકોના ભોગે અમેરિકાને પ્રસન્ન કરવાની ના પાડી. અમેરિકાની માગણીઓ દ્વિપક્ષી વેપાર પૂરતી સીમિત ન હતી. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તેની સામે તેને વાંધો છે કે અમે રશિયાને અટૂલું પાડીને યુક્રેન યુદ્ધ બંધ કરવાની ફરજ પાડવા માગીએ છીએ ત્યારે તમે તેનું તેલ ખરીદીને તેને નાણાં પૂરાં પાડો છો. રશિયા પાસેથી મોટા પાયે શસ્ત્રસરંજામ ખરીદો છો. ભારત કહે છે કે રશિયાનું તેલ સસ્તા ભાવે મળે છે તે ખરીદવામાં અમને લાભ છે અને તે અમારો અધિકાર છે. દાયકાઓથી રશિયા સંરક્ષણ સામગ્રીનું સતત અને વિશ્વાસપાત્ર સપ્લાયર રહ્યું છે, જ્યારે તમે અમારા શત્રુઓ સાથે હાથ મિલાવ્યા છે. ભારત સરકારના પ્રતિભાવો સંયત પણ મક્કમતાસભર છે. ભારતે કહ્યું છે કે અમેરિકા સાથે ન્યાયી, સંતુલિત અને પરસ્પર લાભકારક વેપાર કરાર કરવા અમે પ્રતિબદ્ધ છીએ, પરંતુ અમારા નિર્ણયો રાષ્ટ્રીય હિતને કેન્દ્રમાં રાખીને લેવાશે. આ પ્રતિભાવ જવાદારીભર્યો છે. અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારતની 18 ટકા નિકાસ (86 અબજ ડૉલર) અમેરિકા ખાતે થાય છે. ટ્રમ્પની જકાત કાયમ રહે તો ભારતની ટેક્સ્ટાઇલ્સ, ચામડાં અને પગરખાં, રત્નો અને આભૂષણો અને કૃષિ તથા ખાદ્ય પદાર્થો જેવી શ્રમપ્રધાન ચીજોની નિકાસને અસર થાય. ખાસ કરીને એટલા માટે કે વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ જેવા હરીફ દેશોને નીચી જકાત મળી છે. ઇલેક્ટ્રોનિક્સ અને દવા કંપનીઓને આશા છે કે પરસ્પર જકાતોમાંથી તેમને અપાયેલી મુક્તિ ચાલુ રહેશે. ટેક્સ્ટાઇલ ક્ષેત્રને આશા છે કે વ્યાપક વેપાર કરારમાં તેનાં હિતોની કાળજી લેવાશે. આ આશા ફળે છે કે કેમ જોવાનું રહે છે. એક અંદાજ મુજબ ભારતની નિકાસને ચારેક અબજ ડૉલરનો ફટકો પડી શકે.
અમેરિકા સાથે વ્યાપક વેપાર કરારની વાતચીત ચાલુ છે. અમેરિકાની
ટીમ 25 અૉગસ્ટે અહીં મંત્રણા માટે આવવાની છે. પરંતુ અમેરિકાએ બ્રિટન, યુરોપિયન યુનિયન,
વિયેતનામ અને ઇન્ડોનેશિયા સાથે જે કરાર કર્યા છે તે જોતાં ભારતે બહુ આશા રાખવા જેવું
નથી. ભારતનું વલણ ટૂંકા ગાળાના લાભ કરતાં લાંબા ગાળાનાં હિતોને ઊંચેરાં ગણવાનું જળવાઈ
રહેવું જોઈએ.