• રવિવાર, 03 ઑગસ્ટ, 2025

ભગવો આતંકવાદ : કૉન્ગ્રેસનો દાવ 17 વર્ષે નિષ્ફળ

વિશિષ્ટ એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટ 2008ના માલેગાંવ બૉમ્બધડાકા કેસના સાત આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા એ બાબત ભગવો આતંકવાદ અને હિન્દુ આતંકવાદીનો કુપ્રચાર કરનારાઓના મોઢા પર લપડાક સમાન છે. અદાલતે ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા તથા લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીઓને મુક્ત કરતા નોંધ્યું છે કે, લોકપ્રિય અને પ્રબળ જાહેર દૃષ્ટિકોણના આધારે અદાલત આગળ ન વધી શકે. આરોપીઓ સામે મજબૂત શંકા હતી પણ તેમની વિરુદ્ધ સબળ, વિશ્વસનીય અને સ્વીકાર્ય પુરાવાઓ નથી. સત્તર વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં અદાલતે તપાસમાં નબળાઈઓ, સાક્ષીઓનું જુબાનીમાંથી ફરી જવું અને પુરાવાઓ પ્લાન્ટ કરવાના પ્રયાસો અંગે પણ ધ્યાન દોર્યું હતું. ગુરુવારે માલેગાંવ બૉમ્બધડાકા કેસનો ચુકાદો આવ્યો એના એક દિવસ પહેલાં જ સંસદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, હિન્દુઓ આતંકવાદી ન હોઈ શકે. તત્કાલીન કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે ભગવો આતંકવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો અને આ આરોપ સાબિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલકની ધરપકડ કરવાના નિર્દેશો એટીએસને એ વખતે અપાયાના ઘટસ્ફોટ એટીએસના તત્કાલીન અધિકારી મહિબૂબ મુજાવરે કર્યો હતો. જોકે, બૉમ્બધડાકા બાદ તરત જ બે કેન્દ્રીય પ્રધાનો સુશીલકુમાર શિંદે અને શરદ પવારે આ હિન્દુ આતંકવાદ છે, એવો ઉલ્લેખ કર્યો હતો. કૉન્ગ્રેસના તત્કાલીન મહામંત્રી દિગ્વિજય સિંહે પણ ભગવા આતંકવાદનો રાગ આલાપે રાખ્યો હતો.

મહારાષ્ટ્રના માલેગાંવમાં 29મી સપ્ટેમ્બર, 2008ના રોજ પાર્ક કરેલા એક મોટરસાઈકલમાં કથિતપણે થયેલા બૉમ્બધડાકામાં છ જણનાં મોત અને 95 લોકો ઘાયલ થયા હતા. આ મોટરસાઈકલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની માલિકીની હોવાની લિન્કથી એટીએસે તત્કાલીન તપાસનો દોર અભિનવ ભારત સંસ્થા સુધી પહોંચાડ્યો હતો. 2011માં એટીએસ પાસેથી તપાસ ખેંચી લઈ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને (એનઆઈએ) સોંપાઈ. જોકે, ભગવા આતંકવાદને પ્રસ્થાપિત કરવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. 2010માં તત્કાલીન કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે પોલીસ ઉચ્ચ અધિકારીઓની વાર્ષિક કૉન્ફરન્સમાં પહેલીવાર ભગવો આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આતંકવાદીઓની તરફેણ અને લઘુમતીની આળપંપાળમાં રાહુલ ગાંધીએ 2009માં ભારત ખાતેના અમેરિકન રાજદૂત ટિમોથી રોમરને એક લંચ મુલાકાતમાં કહ્યું હતું કે, લશ્કર-એ-તોયબા કરતાં પણ વધુ જોખમ કટ્ટર ઉગ્રવાદી હિન્દુ સંગઠનો તરફથી છે, કેમ કે તેઓ મુસ્લિમ સમુદાય સાથે સાંપ્રદાયિક તણાવ તથા રાજકીય સંઘર્ષ સર્જે છે.

અદાલતના ચુકાદાને વધાવતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, આતંકવાદ ભગવો નહોતો, નથી અને ક્યારેય નહીં હોય. તેમણે કહ્યું કે, કૉન્ગ્રેસે સમસ્ત હિન્દુ સમાજની માફી માગવી જોઈએ, યુપીએ સરકારના કાર્યકાળમાં કૉન્ગ્રેસે રચેલું કાવતરું નાકામ રહ્યું છે. માલેગાંવ ધડાકા કેસના ચુકાદાને પડકારવો કે નહીં એ નિર્ણય રાજ્ય સરકાર આગામી દિવસોમાં લેશે. જોકે, ફડણવીસે કહ્યું હતું કે, જે સામે આવી રહ્યું છે, એનાથી એટલું તો સ્પષ્ટ છે કે, એ વખતે જે કંઈ થયું એ કાવતરું હતું.