શૂન્ય આવક અને અઢી લાખની મૂડી ધરાવતી કંપનીને રૂા. 1800 કરોડનું મૂલ્ય ધરાવતી જમીન માત્ર રૂા. 300 કરોડમાં મળી જાય અને સ્ટૅમ્પ ડ્યૂટી પેટે ભરવાના રૂા. 21 કરોડને બદલે માત્ર શકનના 500 રૂપિયા ભરવાના આવે તો આ કંપનીને નસીબદાર જ કહેવી પડે, પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનનો દીકરો આ કંપનીમાં ભાગીદાર હોય તો આને સાઠગાંઠ, કૌભાંડ કે ગોલમાલ સિવાય બીજું કશું જ કહી શકાય નહીં. રાજ્યના ડેપ્યુટી સીએમ પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર જેમાં પાર્ટનર છે એવી અમેડિયા હોલ્ડિંગ્સને પુણેના કોરેગાંવ પાર્ક પરિસરમાં મોકાની જમીન બજારભાવ કરતાં સાવ ઓછા ભાવે ફાળવાઈ હોવા સાથે સ્ટૅમ્પ ડ્યૂટીમાં પણ રાહત આપવાનો મામલો સામે આવ્યા બાદ રાજરમત શરૂ થઈ છે. પિતા અજિત પવારે હાથ ઊંચા કરતાં કહ્યું છે કે આવું કંઈક ચાલી રહ્યું છે એવી વાત ત્રણ-ચાર મહિના પહેલાં મારા કાને આવી હતી, ત્યારે મેં કહી દીધું હતું કે આવું બધું મને નહીં ચાલે. પણ છોકરા મોટા થઈ જાય એ પછી બિઝનેસના નિર્ણયો જાતે લેતા હોય છે. તો, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ આખા મામલાની તપાસનો આદેશ આપવા સાથે અજિત પવારનો આડકતરો બચાવ કરવાનું ચૂક્યા નથી - નિયમ-કાયદા સાથે ચેડાં થયાં હોવાથી મહાયુતિ સરકાર દ્વારા તપાસ તો કરવામાં આવશે જ, પણ આ જમીન વહેવારનો સંબંધ દીકરા સાથે હોવા છતાં અજિતદાદા આવા ખોટા વહેવારને ટેકો આપે એવા નથી. તો, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)નાં કાર્યાધ્યક્ષ અને અજિત પવારનાં પિતરાઈ સુપ્રિયા સુળેએ પણ ભાઈ અને ભત્રીજાની ટીકા કર્યા વિના સરકારે આ જમીન ખરીદ-વેચાણની તપાસ કરવી જોઈએ એવી માગણી કરી છે.
પુણેના કોરેગાંવ
પાર્ક વિસ્તારમાં 40 એકર જમીન પાર્થ પવારની ભાગીદારીવાળી કંપની અમેડિયા હોલ્ડિંગ્સ
એલએલપીને વેચવામાં આવી છે. આ મહાર વતન જમીન હોવાથી તેનું વેચાણ થઈ શકતું નથી. આમ છતાં,
1800 કરોડ રૂપિયા બજારમૂલ્ય ધરાવતી આ જમીન માત્ર રૂા. 300 કરોડમાં વેચી નખાઈ. એટલું
જ નહીં, આ વ્યવહાર પર સ્ટૅમ્પ ડ્યૂટી નિયમ મુજબ રૂા. 21 કરોડ થાય, પણ માત્ર 500 રૂપિયા
વસૂલાયા અને આ બધું માત્ર એક જ મહિનામાં આટોપાઈ ગયું છે. અજિત પવારનું નામ આ પહેલાં
સિંચાઈ કૌભાંડમાં આવ્યું હતું અને કાકા શરદ પવારથી અલગ થઈ તેઓ ભાજપ સાથે સરકારમાં જોડાયા
એના ટૂંક સમય બાદ જ તેમને ક્લીન ચિટ મળી ગઈ હતી. જોકે, આ વખતે આરોપો ગંભીર છે, પુરાવા
સ્પષ્ટ છે અને અજિત પવારે જે રીતે પુત્ર સંબંધિત આ મામલામાંથી પોતાના હાથ ખંખેરવા સાથે
કહ્યું છે કે આવી કંઈક વાત મારા કાને આવી હતી એ જોતાં માત્ર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ
કરવાથી કામ નહીં ચાલે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ માથા પર છે ત્યારે
સામે આવેલા આ મામલાનો રાજકીય લાભ વિપક્ષો ઉપાડશે એમાં શંકા નથી. નિરીક્ષકોનું કહેવું
છે કે આનો સૌથી વધુ ફાયદો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને થઈ શકે છે અને આની
આંચ ભાજપને ભારે પડી શકે છે. ફડણવીસે તપાસનો આદેશ આપ્યો છે અને પવારને બચાવવા કરતાં
પક્ષની શાખને બચાવવાનો પડકાર તેમની સામે છે.