સંસદના શિયાળુ સત્રનો આરંભ સોમવારે થઈ રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી સંસદની કાર્યવાહી દરમિયાન ભારે ધાંધલ ધમાલ કરવાનું વિપક્ષનું વલણ વધી રહ્યં છે. કોઈપણ મુદ્દામાં રજનું ગજ કરીને કાર્યવાહીને ખોરવવાના વિપક્ષી વલણને હવે સામાન્ય નાગરિકો પણ વખોડતા થયા છે. ત્યારે સંસદના સત્ર અગાઉ રાજ્યસભાએ એક બુલેટિન બહાર પાડીને કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકે તે માટે સભ્યોને માર્ગદર્શક સૂચનાઓ આપી છે. હવે આ સૂચનાઓ સામે સવાલ ખડા થઈ રહ્યા છે.
રાજ્યસભાએ સત્રના
આરંભ અગાઉ જાહેર કરેલા આ ખાસ બુલેટિનમાં સભ્યોની જવાબદારી અને કાર્યવાહીને લગતા મુદ્દાઓનો
ઉલ્લેખ કરાયો છે. આમાં ગૃહના અધ્યક્ષ દ્વારા અપાયેલા કોઈપણ નિર્ણયની સંસદની અંદર કે
બહાર સીધી કે આડકતરી રીતે ટીકા થવી જોઈએ નહિ તે મુદ્દો મુખ્ય છે. બુલેટિનમાં એમ કહેવાયું
છે કે ગૃહના અધ્યક્ષ અગાઉના પ્રસંગોમાં અપાયેલા નિર્ણયને અનુરૂપ નિર્ણય આપતા હોય છે.
જો કોઈ અગાઉનું ઉદાહરણ ઉપલબ્ધ ન હોય તો સંસદીય પરંપરાને અનુસરવામાં આવે છે. આ સૂચનાઓ
રાજ્યસભાની કાર્યવાહી સમીસૂતરી રીતે ચાલે તે માટે છે. અલબત્ત, કોઈપણ કાર્યવાહીમાં ટીકા
માટે પણ સ્થાન હોવાની અનિવાર્યતા જણાઈ રહી છે.
સંસદીય લોકશાહીમાં
ટીકા અને વિવાદ સ્વાભાવિક છે પણ મર્યાદાનું પાલન જરૂરી બની રહે છે. લોકશાહીમાં પોતાના
મતને વ્યક્ત કરવાનો સાંસદોથી માંડીને સામાન્ય નાગરિક સુધીના સૌને અધિકાર છે. પણ આવો
મત કે ટીકા કોઈની બદનક્ષી કરે, પૂર્વગ્રહ યુક્ત ન હોય તેનો ખ્યાલ રખાવો જોઈએ એ સૌ હંમેશાં
વિસરી જતા હોય છે.
સંસદમાં વિપક્ષ
સરકારની નીતિરીતિની ટીકા કરે એ લોકશાહી માટે આદર્શ ગણી શકાય પણ આ ટીકા જ્યારે ગૃહની
કાર્યવાહીમાં અવરોધ બને ત્યારે અતિની ગતિ જેવો તાલ થાય છે. પૂર્વ અધ્યક્ષ જગદીપ ધનખડના
રાજીનામા પછી આ વખતે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન માટે રાજ્યસભાના સભાપતિ તરીકેનું
પ્રથમ સત્ર બની રહેશે. આ સત્રમાં વિપક્ષ પાસે મતદાર યાદી સુધારવાની ખાસ કવાયતનો મુદ્દો
હાથવગો છે. આ મુદ્દે ગૃહમાં ધાંધલ થાય એવી પૂરી શક્યતા છે. આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં
ચાલી રહ્યો છે પણ સંસદનાં બન્ને ગૃહોમાં વિપક્ષી એકતા બતાવવા માટે ધાંધલ ધમાલ થશે જ.
મમતા દીદીના તૃણમૂલ પક્ષ સાથે કૉંગ્રેસ પણ જોડાશે. બિહારમાં મળેલા પરાજયને બાજુએ રાખીને
ચૂંટણી પંચ અને સરકાર ઉપર આક્ષેપો થશે. આમ શિયાળુ સત્ર પણ પડકારભર્યું બની રહેશે એવાં
અંઁધાણ મળી રહ્યાં છે. જે સભ્યો સભાપતિની વિનંતીઓને ગણકારતા ન હોય તેમની પાસે રાજ્યસભાના
બુલેટિનના માર્ગદર્શક મુદ્દા અનુસરવાની અપેક્ષા રાખી શકાય ખરી?