• શનિવાર, 14 માર્ચ, 2026

મુંબઈ વૉર્મિંગ

મુંબઈ વિશેની એક રમૂજ છે કે, આ શહેરમાં ત્રણ ઋતુ છે- ગરમી, વધુ ગરમી અને વધારે પડતી ગરમી. આ રમૂજ ચાલુ વર્ષના માર્ચ મહિનાની શરૂઆતમાં બે વાર વાસ્તવિકતા બની ગઈ છે. માર્ચના પહેલા દસેક દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે, જે શહેરના સામાન્ય સરેરાશ તાપમાન કરતાં છથી સાડા સાત ડિગ્રી વધુ છે. માર્ચમાં આવી ગરમી છે, તો મે મહિનામાં હાલત કેવી થશે? વાતચીતમાં વારંવાર પુછાતો કે બોલાતો આ સવાલ આ વખતે ખરેખર ગંભીર બન્યો છે. હવામાન ખાતાએ આ ઉચ્ચ તાપમાન માટે ગુજરાત અને આસપાસના ક્ષેત્રની ઉપર ઍન્ટિસાયક્લોનિક-પ્રતિવંટોળ પરિભ્રમણને કારણે પૂર્વ દિશામાંથી સૂકી હવા મુંબઈની ઉપર ફરી વળી છે. આના કારણે સમુદ્ર પરથી આવતા પવનો ખોરવાઈ જાય છે, આ પવનો મુંબઈ જેવા દરિયાકાંઠાના શહેરના તાપમાનને મધ્યમ રાખે છે. આથી, હાલ મુંબઈના તાપમાનમાં આ વધારો જોવા મળી રહ્યો છે.  ઉનાળાની સત્તાવાર શરૂઆત પહેલાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી જવો એ ચિંતાની બાબત છે, ગયા વર્ષે પણ આવું જ થયું હતું.   

સરકાર અને હવામાન ખાતાએ તો અૉરેન્જ ઍલર્ટ જાહેર કરવા સાથે નાગરિકોને ઘર-અૉફિસની બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરી છે. અત્યારની હીટ વૅવની સ્થિતિ માટે કુદરતી પરિબળો જવાબદાર છે. જોકે, શહેરોમાં લીલોતરીના અભાવે દિવસના સમયે તડકો કૉક્રિટ તથા આસ્ફાલ્ટમાં શોષાય છે અને સૂર્યાસ્ત પછી આ ગરમી છૂટી થાય છે, પરિણામે રાતના સમયે તાપમાનમાં રાહત થવી જોઈએ એ થતી નથી. આ અર્બન હીટ આઈલૅન્ડની સમસ્યા મોટી છે. દક્ષિણ મુંબઈ અને દૂરનાં પરાંના તાપમાન તફાવત પર નજર કરીએ તો આ વાત દીવા જેવી સ્પષ્ટ થાય છે. મુંબઈમાં જે રીતે વિકાસ કાર્યો થઈ રહ્યાં છે તેના કારણે શિયાળામાં હવાની ગુણવત્તા પર અસર પડે છે, ઉનાળામાં ગરમીનો વ્યાપ વધે છે અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઘેરી બને છે. ગ્લૉબલ વૉર્મિંગ અને ક્લાયમેટ ચૅન્જની અસરો વિશે ચર્ચાઓ થાય છે, પણ વાસ્તવિકતામાં આ દિશામાં ખાસ કંઈ થતું નથી. સરકાર આ બાબતમાં સાવધાન બની છે અને વિવિધ પગલાં પણ લેવાયાં છે, પણ અદાલત કાન આમળે એ પછી જાગવાને બદલે સકારાત્મકતાથી આ દિશામાં નક્કર કામગીરી થાય એ અપેક્ષિત છે. મુંબઈ શાંઘાઈ બનશે એવી વાતો વર્ષોથી થઈ રહી છે, પણ આમ જ ચાલ્યું તો મુંબઈ દુબઈ જરૂર બની જશે, જ્યાં બપોરના સમયે બહાર નીકળવાનો વિચાર પણ થઈ શકે નહીં.