• શનિવાર, 14 માર્ચ, 2026

ક્રીમી લૅયર અને પગારધોરણ

અન્ય પછાત વર્ગની (અધર બૅકવર્ડ ક્લાસ-ઓબીસી) વ્યક્તિને અનામતના લાભ આપવા માટે સંપત્તિ કે આવકની ગણતરી કરી તેને ક્રીમી લૅયરમાં મૂકવી કે નહીં એ બાબતમાં દાયકાઓથી પ્રવર્તતી મૂંઝવણનો અંત આણતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે પીએસયુ અથવા ખાનગી ક્ષેત્રના કર્મચારી હોય એવાં માતા-પિતાના પગારને કારણે તેમને આ લાભથી વંચિત રાખી શકાય નહીં. જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને આર. મહાદેવનની ખંડપીઠે ભારપૂર્વક કહ્યું હતું કે ક્રીમી લૅયર તરીકે કોઈને પણ વર્ગીકૃત કરવાના માપદંડ તરીકે માત્ર પગાર નહીં, પણ તેમની સામાજિક સ્થિતિને પ્રાથમિકતા આપવી જોઈએ. ક્રીમી લૅયર તરીકે વર્ગીકરણ કરવાની સરકારની પ્રણાલીમાં અનેક ગંભીર ખામીઓ હોવાનું જણાવતાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે સામાન્ય સરકારી કર્મચારીઓ માટે ક્રીમી લૅયરમાં ક્લાસ વન અને ટુ અૉફિસર્સને મૂકવામાં આવ્યા છે, પણ આના માટે તેમનો પગાર એકમાત્ર આધાર ક્યારેય નહોતો. આ બાબતમાં સરકારની દલીલ એવી હતી કે અમે હજી એ નક્કી નથી કર્યું કે કઈ પીએસયુ નોકરીઓ ઉચ્ચ-રૅન્કનાં સરકારી પદોની બરાબરીમાં છે, આથી માત્ર પગારના માપદંડનો ઉપયોગ કરવામાં આવતો. અદાલતે આને ગંભીર ભેદભાવ ગણાવ્યો હતો. વાર્ષિક આઠ લાખ કે એથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓનાં સંતાનોને ક્રીમી લૅયરમાં વર્ગીકૃત કરવાના સરકારના નિર્ણયને અનેક સિવિલ સર્વિસ ઉમેદવારોએ અદાલતમાં પડકાર્યો હતો, જેની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. 

છેલ્લા અનેક દાયકાઓથી આ મુદ્દા પર ખેંચતાણ ચાલી રહી છે. 1993માં અનામતમાં ઓબીસી ક્વૉટા દાખલ કરાયો ત્યારથી જ ઓબીસી પરિવારોમાંથી જેઓ વર્ષોથી ચોક્કસ સામાજિક તથા આર્થિક રીતે સદ્ધર છે, તેમને અનામતના લાભમાંથી બાકાત રાખવા માટે માર્ગદર્શિકા ઘડવામાં આવી હતી. માત્ર નૉન-ક્રીમી લૅયરને જ આ લાભ મળે એવો એનો આશય હતો. જોકે, એ વખતે એ પણ સ્પષ્ટ કરાયું હતું કે આવક ચકાસણીમાંથી પગારને બાકાત રાખવામાં આવે છે. 2004માં ડિપાર્ટમેન્ટ અૉફ પર્સોનેલ અને ટ્રાનિંગે સ્પષ્ટીકરણ કરતો એક પત્ર બહાર પાડ્યો અને એ પછી આવકની ગણતરીમાં પીએસયુ પગારનો પણ સમાવેશ કરવાની શરૂઆત થઈ. સર્વોચ્ચ અદાલતે પોતાના નિરીક્ષણમાં નોંધ્યું છે કે ક્રીમી લૅયરના વિચાર પાછળ ખરા અર્થમાં સામાજિક રીતે પ્રગતિ હોય એવા લોકોને બાકાત રાખવાનો હતો, એક જ સામાજિક વર્ગમાંથી આવતા અને સમાન સ્તરે હોય એવા સભ્યો વચ્ચે કૃત્રિમ ભેદભાવ સર્જવા માટે નહીં. આ સાથે જ અદાલતમાં ધા નાખનારા અસરગ્રસ્ત ઉમેદવારોના દાવાઓ પર અમલ કરવા માટે સરકારને છ મહિનાનો સમય આપ્યો છે. 

ક્રીમી લૅયરની વિભાવનાનો સૌથી પહેલો ઉલ્લેખ 1969માં તત્કાલીન મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિએ નીમેલા સત્તાનાથન કમિશનના અહેવાલમાં આવ્યો હતો. એ વખતે પછાત વર્ગમાંના સદ્ધર વર્ગને અનામતના લાભથી વંચિત રાખવાની ભલામણ આ અહેવાલમાં કરાઈ હતી. જોકે, એના પર અમલ કરાયો નહોતો. આ પહેલાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે એસસી અનામતમાંથી પણ ક્રીમી લૅયરને બાકાત રાખવાનું સૂચન કર્યું હતું ત્યારે તીવ્ર પ્રત્યાઘાતો આવ્યા હતા. 1993માં ઓબીસીમાં ક્રીમી લૅયર અમલમાં આવ્યા પછી પહેલી વાર આ બાબતમાં અદાલતે મોટી સ્પષ્ટતા કરી છે અને તેની અસર દૂરવ્યાપી રહેશે, એમાં કોઈ શંકા નથી.