દેશના અર્થતંત્રની સામે ચોતરફથી પડકારો વધી રહ્યા છે, ત્યારે જીએસટીની મજબૂત આવકે આર્થિક મોરચે આશાભરી સ્થિતિ જગાવી છે. 2026ના નાણાકીય વર્ષના પ્રથમ મહિના એપ્રિલમાં જીએસટીની આવક 2.42 લાખ કરોડ રૂપિયાને આંબી ગઈ છે. આ આવક દેશની આર્થિક મજબૂતી અને વેરા વસૂલાતની પરિપકવતા બતાવી જાય છે. ગયા વર્ષે એપ્રિલ મહિના દરમિયાન થયેલી જીએસટીની આવકની સરખામણીએ આ વખતે થયેલો 8.7 ટકાનો વધારો બતાવે છે કે, ઘરઆંગણાની સાથોસાથ વૈશ્વિક સ્તરના વ્યાપક પડકારો વચ્ચે દેશના અર્થતંત્રે પોતાના વિકાસનો વેગ જાળવી રાખ્યો છે.
આજે દુનિયામાં જીએસટી અને તેના જેવા વેરાની આવકને અર્થતંત્રની
પારાશીશી મનાય છે. ભારતમાં જીએસટી સીધી રીતે ગ્રાહકલક્ષી ખપત, ઉત્પાદન અને વેપારી વ્યવહારની
સાથે જોડાયેલો છે. સ્વાભાવિક રીતે આ કરની આવક વધે એટલે તેનો સીધો અર્થ એવો થાય કે,
બજારમાં માગ વધી છે અને વેપાર બરાબર ચાલે છે. એપ્રિલ 2026ની કર આવક બતાવે છે કે, દેશના
અર્થતંત્રમાં ખરા અર્થમાં વિકાસ થઈ રહ્યો છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં આ આવક
2.23 લાખ કરોડની હતી. ઉલ્લેખનીય છે કે, સરકારે ગયા અૉક્ટોબર મહિનામાં જીએસટીના દરમાં
ઘટાડો કર્યો હતો. આ પગલાં બાદ પણ આવી નોંધપાત્ર આવક ખરા અર્થમાં વિકાસનું પ્રતિબિંબ
છે. જીએસટીના દરમાં ઘટાડાથી બજારમાં ખરીદીનું
પ્રમાણ વધ્યું છે.
એક તરફ જીએસટીની નોંધપાત્ર આવકે અર્થતંત્રનું ગુલાબી
ચિત્ર ઉપસાવ્યું છે, પણ આ ચિત્રમાં ચિંતા જગાવે તેવા રંગો પણ જોડાઈ રહ્યા છે. ગયા સપ્તાહે
સરકારે વેપારી ઉપયોગ માટેના રાંધણગૅસનાં સિલિન્ડરોના ભાવોમાં ભારે વધારો કરીને મોંઘવારીના
મોરચે નવી ચિંતા ઊભી કરી છે. હૉટેલ અને રેસ્ટોરન્ટ માટેનો આ રાંધણગૅસ મોંઘો બનતાં નાના
વ્યાવસાયીઓથી માંડીને મોટા હૉટેલિયરો સુધી સૌની ઉપર મોટો બોજો આવશે.
સરકારે વેપારી વપરાશના રાંધણગૅસના ભાવ વધારી નાખ્યા
છે અને આવનારા સમયમાં ક્રૂડતેલના વૈશ્વિક ભાવો હળવા બને નહીં તો પેટ્રોલ-ડીઝલના ભાવોમાં
વધારો થઈ શકે છે. આમ ઈંધણના ભાવોનો આ બોજો જીએસટીની જબ્બર આવકના આનંદને કડવો બનાવી
શકે તેમ છે. આમ આવનારા સમયના પડકાર સામે સરકારની સાથોસાથ તમામ વર્ગોએ સાબદા રહેવાની
ખાસ જરૂરત રહેશે. જીએસટીની આવક જાળવવા અને મોંઘવારીના બોજાને કઈ રીતે હળવો કરવો તે
માટે કેવાં પગલાં લેવાય છે તેના પર દેશભરની નજર મંડાયેલી રહેશે. આવનારો સમય ખરા અર્થમાં
કોયડા સમાન બની રહેશે એ વાત નક્કી છે.