• ગુરુવાર, 07 મે, 2026

રાજતંત્રમાં વિજય પછી હવે અર્થતંત્રમાં આશા

વિધાનસભાઓની ચૂંટણીમાં ભાજપે અદ્ભુત વિજય મેળવ્યા પછી હવે મુખ્ય પ્રધાનોની પસંદગીની વિધિ શરૂ થઈ રહી છે. આમાં પણ સૌનું ધ્યાન પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ ઉપર કેન્દ્રિત છેઃ નવા મુખ્ય પ્રધાનો માટે હવે કસોટીનો સમય છે. રાજકીય સ્થિરતા તો નિશ્ચિત છે પણ લોકોની અપેક્ષાઓ ઉપર પૂરતું ધ્યાન આપીને આગળ વધવું પડશે. ચૂંટણી પ્રચારમાં અપાયેલાં વચનોમાં અતિશયોક્તિ હોય તે સ્વાભાવિક છે પણ હવે રાજકારણ કરતાં અર્થતંત્રના લાભાલાભ લક્ષ્યમાં રાખવાં પડશે.

વડા પ્રધાને સામ્યવાદી વિચારધારાની નિષ્ફળતા અને વિશ્વમાં તેના અસ્વીકારની વાત કરી. વિકાસ માટે આર્થિક સુધારાનો માર્ગ હવે વિશાળ થવાનો વિશ્વાસ વ્યાપાર ઉદ્યોગના અગ્રણીઓને મળ્યો છે. હવે રાજકારણ સાથે અર્થકારણને વધુ મહત્ત્વ મળવાની આશા છે.

વડા પ્રધાન મોદીએ વિજય ઉત્સવમાં ઘણાં નિર્દેશ આપ્યા છે. ભવ્ય વિજયના ઉત્સવમાં ઉન્માદ નહીં સંયમ ઉપર ભાર મૂક્યો છે. ચૂંટણીનાં પરિણામથી પરિવર્તન આવ્યું છે - પણ બદલો લેવા માટે નહીં, બદલાવ માટે છે! પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન જે કટુતા જોવા મળી તે હવે રહેવી નહીં જોઈએ એમ કહેવા પાછળ એમનો સંદેશ સ્પષ્ટ છેઃ પક્ષાપક્ષીના ભેદભાવ અને વેરભાવના નહીં હોવી જોઈએ. ‘તમામ બંગાળવાસીલોકોનાં હિત ધ્યાનમાં રખાશે. ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુ - મુસ્લિમ વિવાદ જગાડવામાં આવ્યા હતા. ધાકધમકી અને હિંસાચાર પણ થયો હતો. હવે ભાજપ સરકાર સબકા સાથ, સબકા વિકાસની ભાવનાથી કામ કરશે.

તામિલનાડુ અને કેરળમાં અન્ય પક્ષોને સત્તા મળી છે પણ કેન્દ્ર સરકાર પૂરા સહકારથી વિકાસની દિશામાં આગળ વધશે એવી ખાતરી પણ આપી છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના ભવ્ય વિજયને સમગ્ર દેશવાસીઓએ વધાવ્યો છે અને વ્યાપાર - ઉદ્યોગના અગ્રણીઓએ પણ આવકાર્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જે ભાષણો થયાં તેમાં કડવાશ હતી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના મતભેદના આક્ષેપો હતા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને ‘બહારના લોકો લેખાવીને વૈમનસ્ય ઊભું કરવાના પ્રયાસ - પ્રચાર પણ થયા હતા. પરિણામ આવ્યાં પછી વિજય ઉત્સવમાં વડા પ્રધાન મોદીએ રાજકીય વાતાવરણ બદલવાનો સંદેશ તમામ રાજકીય પક્ષોને આપ્યો છે. ‘બદલા નહીં, બદલાવઅને ‘ભય નહીં, ભવિષ્યનો મંત્ર ઘણું કહી જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે મતભેદ કે ભેદભાવને સ્થાન નથી. અન્ય પક્ષોની સરકારો - તામિલનાડુ અને કેરળમાં હોય તો પણ વિકાસનો એકમાત્ર માર્ગ છે એમ ભારપૂર્વક કહ્યું છે.

વડા પ્રધાને સામ્યવાદી વિચારધારા અને શાસનને જાકારો મળ્યો હોવાનું સમજાવ્યું છે. બંગાળમાં તાતાની નાની કાર યોજનાની યાદ આપ્યા વિના એમણે કહ્યું છે કે વિશ્વમાં સર્વત્ર સામ્યવાદીઓ ધોવાઈ ગયા છે. ભારતમાં પણ ક્યાંય - એક પણ રાજ્યમાં એમના હાથમાં સત્તા રહી નથી. છતાં કૉંગ્રેસ હજુ તેને વળગી રહી છે. હવે સમજવું જોઈએ કે જો જૂની વિચારધારા અને નીતિરીતિને વળગી રહેશો તો લોકો તમને પણ કદી સ્વીકારશે નહીં.