• ગુરુવાર, 07 મે, 2026

આતંકવાદ સામે નવું સીમાચિહ્ન

શરૂ કરેલું યુદ્ધ યોગ્ય સમયે અટકાવી તેમાંથી બહાર નીકળવાની યોજનાના અભાવે અવિરત ચાલતા સંઘર્ષના કાળમાં ભારતે ગયા વર્ષે બાવીસમી એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ અૉપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને આપ્યો એનો જોટો જડવો મુશ્કેલ છે. આજે અૉપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે બિનજરૂરી, બેજવાબદાર અને બોજારૂપ યુદ્ધો વચ્ચે ભારતના નેતૃત્વનો મક્કમ નિર્ધાર, દેશની સેનાની ચોકસાઈભરી કામગીરી અને વ્યાવસાયિક તથા વ્યવહારુ અભિગમ આતંકવાદ સામેની ઝુંબેશમાં મહત્ત્વનું સીમાચિહ્ન પુરવાર થયું છે. સહેલાણીઓને તેમનો ધર્મ પૂછી ઠાર કરનારા આતંકવાદીઓના અડ્ડા અને આકાઓને બરાબરનો પાઠ ભણાવવાનું ભારતનું પગલું એવું હતું કે, પાકિસ્તાન પોતાને થયેલા નુકસાનની ન તો રાવ કરી શક્યું કે ન વિક્ટિમ કાર્ડ ઉતરવાની તક મળી. હા, ભારતીય વિમાન તોડી પાડÎાનો દુપ્રચાર કર્યો છતાં પ્રસ્થાપિત લશ્કરી સંવાદ દ્વારા પાકિસ્તાને મૂકેલી શસ્ત્રવિરામની વિનંતી ભારતે માન્ય રાખી. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે એમ કહે કે, મેં ભારત-પાક વચ્ચે યુદ્ધ અટકાવ્યું, પણ વાસ્તવિકતાથી દુનિયા વાકેફ છે-આ નવું ભારત છે.

અૉપરેશન સિંદૂરની સફળતામાં અનેક બાબતો ધ્યાનાકર્ષક રહી છે. સૌથી પહેલા તો માત્ર ચાર જ દિવસમાં પાકિસ્તાનમાંના લક્ષ્યાંકો પર હુમલો કરવાનું ધ્યેય ભારતે પાર પાડÎું. પાકિસ્તાન તથા પીઓકેમાં ઊંડે સુધી જઈ આતંકવાદીઓના નવ મહત્ત્વના અડ્ડા ધ્વસ્ત કરી નાખ્યા અને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મહોમ્મદ તથા હિઝબુલ મુજાહિદ્દીન જેવાં સંગઠનો પર કુઠારાઘાત કરાયો. નૂર ખાન અને સરગોધા જેવા મહત્ત્વના અને દૂરનાં સ્થળો પર હુમલા કરી ભારતે પોતોની પહોંચનો પરચો પણ આપી દીધો. ભારતીય બનાવટની અક્ષતીર સિસ્ટમે પાકિસ્તાની ડ્રૉન અને મિસાઈલ હુમલાને ખાળ્યા તો ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાની ઍર ડિફેન્સ સિસ્ટમને મંતરી નાખતા 23 મિનિટમાં રાફેલ વિમાન, સ્કાલ્પ મિસાઈલ અને હૅમર બૉમ્બનો ઉપયોગ કરી પોતાનું કામ આટોપી લીધું. સેનાની આ સંયુક્ત કાર્યવાહીએ આત્મનિર્ભરતા તથા મેઈક ઈન ઇન્ડિયાની સફળતા પરત્વે પણ ધ્યાન ખેંચ્યું છે. 2008ના મુંબઈ હુમલા પછી સ્પષ્ટ થયું કે પાકિસ્તાન સામે માત્ર રાજદ્વારી કે રાજકીય માર્ગોથી અથવા પુરાવાઓ રજૂ કરવાને બદલે પ્રત્યક્ષ જવાબ આપવાથી જ કામ થશે. અૉપરેશન સિંદૂરે એક નવું સીમાચિહ્ન અને માપદંડ સ્થાપ્યું છે, એમાં કોઈ શંકા નથી.