જનતાની અદાલતમાં પરાજય પામેલાં મમતા બેનરજી હવે શું કરશે? રાજીનામું આપવાનો સાફ ઈનકાર કરે છે અને આક્ષેપ કરે છે કે ચૂંટણી પંચે વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાથે મળીને ચૂંટણીમાં ઘાલમેલ કરી છે. હું હારી નથી, મને હરાવવામાં આવી છે! હકીકતમાં મમતાને એમ હતું કે પરિણામ આવ્યાં પછી એમના સમર્થકો રસ્તા ઉપર ઉતરી આવશે અને તોફાન મચાવશે પણ આ દરમિયાન એવા અહેવાલ આવ્યા કે મુસ્લિમ વોટ પણ ભાજપને મળ્યા છે! પરિણામ પછી મમતા લોકોને ભડકાવશે એવી ધારણા અમિત શાહને પણ હતી તેથી જ એમણે વારંવાર જાહેરાત કરી કે પરિણામ પછી બે મહિના સુધી કાયદો વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્ર સરકારના દળ-રક્ષકો બંગાળમાં જ રહેશે. સમાજ વિરોધી તત્ત્વો પણ સમજી ગયા છે કે હવે સમય બદલાઈ ગયો છે. લોકોના મિજાજ પણ બદલાઈ ગયા છે. આ સાચું પરિવર્તન છે. બંગાળી હિન્દુઓ સમયસર જાગ્યા અને બંગાળને કાશ્મીર બનતું બચાવ્યું છે!
મમતાદીદીમાં કોઈ પરિવર્તન નથી. પરાભવ પછી પણ બદલાયાં
નથી. હવે તેઓ અંધાધૂંધી - અરાજકતા ઊભી કરવાનાં દિવાસ્વપ્ન જોઈ રહ્યાં છે. પણ એમની દુનિયા
અને ભવિષ્ય બદલાઈ ગયું છે તેનું ભાન નથી. લોકતાંત્રિક પ્રણાલી મુજબ તેઓ સ્વેચ્છાએ પણ
નારાજીનામું નહીં આપે તો પણ મુખ્ય પ્રધાનની ખુરસી નહીં મળી શકે. કારણ કે જૂની વિધાનસભાના
વિસર્જન પછી તેઓ સભ્ય જ રહેતાં નથી!
ચૂંટણી પ્રચાર દરમિયાન મમતાએ ચૂંટણી પંચ સામે બેફામ
આક્ષેપ ર્ક્યા. સેન્ટ્રલ એજન્સીઓની કાર્યવાહી રોકવા તેઓ જાતે ગયાં અને દખલ કરવા લાગ્યાં.
સુપ્રીમ કોર્ટમાં જઈને પંચ સામે આક્ષેપો ર્ક્યા ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરી
કે એમની રીતભાત લોકતંત્ર માટે ખતરારૂપ છે! આ ભયસૂચક આગાહી - કે ચેતવણી સાચી પાડવા માટે
મમતા બેનરજી હવે એમના મૂળ સ્વરૂપે બહાર આવ્યાં છે. ભલે પોતાને મુખ્ય પ્રધાન માને અને
દાવો કરે. પણ હવે તેઓ કોઈ પેટાચૂંટણીમાં જીતીને આવે તો પણ મુખ્ય પ્રધાનની ખુરસી ઉપર
બેસી નહીં શકે. કારણ કે જનતા ઉપરાંત સંવિધાન પણ એમની વિરુદ્ધ છે.
વિધાનસભાની મુદત સાતમીએ પૂરી થાય છે તેથી જૂની વિધાનસભાનું
આપોઆપ વિસર્જન થાય અને ચૂંટણી પંચના અહેવાલ મુજબ નવી વિધાનસભાનું સર્જન થાય. ભાજપ અને
કેન્દ્ર સરકારે ટાઈમટેબલ બરાબર બનાવ્યું છે. નવમી મેનો દિવસ - ગુરુદેવ રવીન્દ્રનાથ
ટાગોરની જયંતીનો ઉત્સવ બંગાળીઓ માટે મહત્ત્વનો છે તે હવે મહોત્સવ બનશે.
રાજ્યપાલ પણ નવા નિર્વાચીત નેતા - ભાવિ મુખ્ય પ્રધાનનો
શપથવિધિ કરાવશે અને તે પછી વિધાનગૃહમાં પ્રો-ટર્મ સ્પીકર નિર્વાચીત સભ્યોનો શપથવિધિ
કરાવશે. ગૃહમાં તૃણમૂલના સભ્યો ધાંધલ-ધમાલ કરે તો તે ચલાવી નહીં લેવાય.
મમતાના દેકારા-પડકારા અને ધમકીઓ પાછળ કૉંગ્રેસનું પીઠબળ
છે! રાહુલ ગાંધી ઉપરાંત ઇન્ડિ મોરચાના અખિલેશ યાદવ વગેરેએ પણ વોટ ચોરીના શોર બકોરમાં
સૂર પુરાવ્યા છે. મમતાને કહે છે તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ! કૉંગ્રેસનો વ્યૂહ
ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ અને પ્રચાર કરી દુનિયામાં ભારતની લોકશાહીને બદનામ કરવાનો
છે. આ હોળીમાં મમતા નાળિયેર છે!
મમતા કહે છે રાજીનામું નહીં આપું. પણ એમનું રાજીનામું
કોણે માગ્યું છે? આવી જરૂર પણ નથી. સંવિધાનની જોગવાઈ અનુસાર રાજ્યના ચૂંટણી વડા અધિકારી
રાજ્યપાલને મળીને પરિણામનો અહેવાલ આપશે. ચૂંટાયેલા તમામ સભ્યોને સર્ટિફિકેટ મળશે અને
તે તપાસ્યા બાદ પ્રવેશ મળશે. આ સંજોગોમાં મમતા જો વિધાનસભાના ઉંબરે આવીને તમાશો કરે
તો સુરક્ષા કર્મીઓ અને કાયદો પોતાનું કામ કરશે. ધમાલ કરવાના દિવસો હવે ગયા - આ પરિવર્તન
એમણે સ્વીકારવું પડશે.