સંસદનું ચોમાસું સત્ર કોઈ જ નક્કર ચર્ચા વગર ગુરુવારે સંપન્ન થઈ ગયું. જોકે, ભારતમાં સંસદની કાર્યવાહી પૂર્ણ સમય ન ચાલવી તે નવી વાત નથી અગાઉનાં અનેક સત્રની જેમ આ વખતે પણ જન ગણના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ તેટલી થઈ શકી નહીં. દેશના મતદારો આશા અરમાનો સાથે મત આપીને સાંસદોને ચૂંટે ત્યારે એમ હોય કે આપણો `અવાજ' દિલ્હીમાં પહોંચશે, પરંતુ સંસદના `શોર'માં પ્રજાનો અવાજ દબાઈ જાય છે. 20મી જુલાઈએ શરૂ થયેલી ભારતની સંસદનું ચોમાસું સત્ર 13મી અૉગસ્ટે પૂર્ણ થયું ત્યારે તેના નિરાશાજનક તારણ આવ્યા છે. સરકાર કે વિપક્ષની ભૂમિકા ચર્ચવા કરતાં અગત્યની વાત પ્રજાના પૈસા અને સમયની છે.
જેને પારંપરિક સમાપન ભાષણ કહેવાય છે તેવું વક્તવ્ય પણ સ્પીકર ઓમ બિરલાએ આપ્યું નથી. સંસદમાં સાંપ્રત મુદ્દા ઉઠાવવાનો, સરકારની અયોગ્ય લાગતી બાબતનો વિરોધ કરવાનો વિપક્ષનો બંધારણીય અધિકાર છે, પરંતુ સંસદની કાર્યવાહી જ આગળ ન ચાલે તેટલી હદે થતો વિરોધ લોકશાહી પ્રક્રિયામાં જ અવરોધક બની જાય. આ સત્રમાં નીટની પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ગાજતો રહ્યો, રામ મંદિર ચડાવાનો પ્રશ્ન પણ વિપક્ષે બરાબર પકડયો. આ બંને મુદ્દા અગત્યના હતા અને જનતા તેનો જવાબ માગે તે સ્વભાવિક છે, પરંતુ સદનમાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોત્તરી થઈ નહીં અને વારંવાર સંસદ સ્થગિત કરવી પડી.
પ્રતિ દિવસ 6 કલાક સંસદની કાર્યવાહી ચાલવી જરૂરી છે તે અનુસાર 114 કલાક ગૃહો ચાલવાં જોઈએ, પરંતુ લોકસભામાં 37 કલાક એટલે કે 19 ટકા અને રાજ્યસભામાં 41 કલાક એટલે કે 39 ટકા કામ થઈ શકતું હતું. દેશના કોઈ જાગૃત નાગરિકને એવું સૂઝતું નથી કે, સંસદની કાર્યવાહી જેટલા કલાક ચાલે તેટલા કલાક જ સાંસદોને ભથ્થું ચૂકવવું, નહીં તો શું થાય? લોકતંત્ર માટે આ સદનની કાર્યવાહી ન ચાલવી સારું લક્ષણ નથી. જોકે, આ સત્રમાં લોકસભામાં 10 અને રાજ્યસભામાં 2 બિલ પસાર થઈ શક્યાં છે તેમાં પેપર લીક અને કેરળના નામ પરિવર્તન અંગે વિશેષ ચર્ચા થઈ. એફસીઆરએ પણ છેવટ સુધી ચર્ચામાં રહ્યું. વિપક્ષે ગૃહપ્રધાન અમિત શાહની ગેરહાજરીને પણ ગજાવી, ગૃહપ્રધાને કહ્યું પણ ખરું તેઓ ચર્ચા માટે તૈયાર છે.
ખરડા પસાર થવાની દૃષ્ટિએ કાર્યવાહી યોગ્ય થઈ છે, પરંતુ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ઓછી ચર્ચા થઈ છે. તમામ પક્ષોની એ જવાબદારી છે કે, સંસદની ગરિમા જળવાય.