• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

મુંબઈ ચાંદીમાં રૂ. 1800નો કડાકો : સોનું નરમ 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 23 : ડોલર ઇન્ડેક્સમાં તેજી અને અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ સુધરવાને લીધે સોના-ચાંદીમાં ભારે વેચવાલીથી કડાકો સર્જાયો હતો. મંગળવારની મંદીમાં ચાંદી વધારે ઘવાતા 23.12 ડોલર થઇ ગઇ હતી જ્યારે સોનાનો ભાવ 1958 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. ઉંચા વ્યાજદરનો ફફડાટ અને અમેરિકા દેવા કટોકટીના મુદ્દે ડિફોલ્ટ નહીં થાય એવા સંકેત મળી રહ્યા હોવાથી ભારે વેચવાલી હતી. 

રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ. 450ના ઘટાડામાં રૂ. 62000 અને મુંબઇમાં રૂ. 487 તૂટીને રૂ. 60342 હતો. બીજી તરફ ચાંદીનો ભાવ રાજકોટમાં એક કિલોએ રૂ. 1500 ઘટી જતા રૂ. 71000 અને મુંબઇમાં રૂ. 1803 ઘટીને રૂ. 70718 હતો. 

ડોલર ઇન્ડેક્સમાં સુધારો સામાન્ય હતો પણ બોન્ડના યીલ્ડ 10 સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. ફેડ દ્વારા વ્યાજરમાં વધુ એક વધારો કરવામાં આવશે એવી શક્યતા બળવતર છે અને બજાર તે કારણ લક્ષ્યમાં લઇ રહી છે. બીજી તરફ દેવા કટોકટીની મર્યાદા વધીને ઉકેલાઇ જશે તેમ માનનારો વર્ગ વધારે છે એમ કોમોડિટી વિષ્લેષક ઓલ હેનસેને કહ્યું હતુ. 

રોકાણકારો આવતીકાલે જાહેર થનારી ફેડની પાછલી બેઠકની રાહમાં છે. એમાં વ્યાજદર અને અમેરિકન અર્થતંત્ર અંગે કોઇને કોઇ સંકેત મળશે એમ જણાય રહ્યું છે. મીનાપોલીસ ફેડના નિવેદન પ્રમાણે અમેરિકાના વ્યાજદર વધીને 6 ટકા સુધી જવાની શક્યતા વધારે છે અને હજુ પણ અર્ધા ટકાનો વધારો ચાલુ વર્ષમાં કરવામાં આવશે એવું જણાતું હોવાથી બજાર પાછી પડી રહી છે.  

સોનું 1950 ડોલરની ટેકારૂપ સપાટીની ઉપર છે પરંતુ વધ્યા મથાળેથી 100 ડોલર કરતા વધુ ઘટાડો થઇ ગયો છે. 1950 તોડે તો 1930 અને 1900 સુધીના ભાવ જોવા મળી શકે છે. તેજી માટે 1990 વટાવાય તે જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ