• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

`આરઆરઆર'ના `નાટુ નાટુ' ગીતને ગોલ્ડન ગ્લૉબ એવૉર્ડ

એસએસ રાજા મૌલીની ફિલ્મ આરઆરઆરની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. આ ફિલ્મના ગીત નાટુ નાટુને  ગોલ્ડન ગ્લૉબ એવૉર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવૉર્ડ મળ્યો છે. આ ગીત અૉસ્કાર માટે પણ નૉમિનેટ થયું છે. અમેરિકાના બીવર્લી હિલ્સ ખાતે યોજાયેલા ગોલ્ડન ગ્લૉબ એવૉર્ડ સમારંભમાં ફિલ્મના કલાકારો જુનિયર એનટીઆર અને રામચરણ સાથે દિગ્દર્શક રાજામૌલી પણ હાજર હતા. નાટુ નાટુ એટલે નાચો નાચો. આ ગીત માટે બેસ્ટ ઓરિજિનલ ગીતનો પુરસ્કાર સંગીતકાર એમએમ કિરવાનીને મળ્યો હતો. એવૉર્ડ મળવાની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી અને તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. એવૉર્ડ લેતાં સમયે તેમણે કહ્યું હતું કે, આ ક્ષણે હું ઘણો ખુશ છું. એવૉર્ડને મારી પત્ની સાથે શૅર કરવા ઉત્સુક છું. તે સામે જ બેઠી છે. આ એવૉર્ડની ક્રેડિટ સૌથી પહેલા મારા ભાઈ અને ફિલ્મના દિગ્દર્શક એસએસ રાજામૌલીને તથા તેમના વિઝનને આપું છું. મારા કામ પર વિશ્વાસ કરવા બદલ હું તેમનો આભાર માનું છું. આ ઉપરાંત ગીત સાથે જોડાયેલા તમામ લોકોનો આભારી છું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે, આ ઐતિહાસિક ક્ષણ છે. ફિલ્મના કમ્પોઝર એમએમ કિરવાની, એસએસ રાજામૌલી અને આરઆરઆરની ટીમને શુભેચ્છા. ભારત માટે આ ગર્વની વાત છે. 

અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અજય દેવગણ સહિતના સેલિબ્રિટીએ અભિનંદન આપ્યા છે. ગોલ્ડન ગ્લૉબમાં આરઆરઆરને બેસ્ટ ફિલ્મ- નૉન અંગ્રેજી અને બેસ્ટ અૉરિજિનલ સોંગ મોશન પિક્ચર એમ બે શ્રેણીમાં નૉમિનેશન મળ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ 1988માં ફૉરેન લેંગ્વેજ શ્રેણીમાં સલામ બૉમ્બે અને 2001માં મૉન્સૂન વેડિંગને નૉમિનેટ કરવામાં આવી હતી. આ બંને ફિલ્મોનાં દિગ્દર્શિકા મીરા નાયર હતાં. આરઆરઆર રાષ્ટ્રવાદ અને ભાઈચારા પર આધારિત છે અને તેમાં રામચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે.