• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

વિપક્ષના નેતાપદે કૉંગ્રેસના વિજય વડેટ્ટીવારના નામ ઉપર મહોર  

મુંબઈ, તા. 3 : વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિપક્ષ નેતા તરીકે કૉંગ્રેસના વિજય વડેટ્ટીવારના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ સભાગૃહમાં વડેટ્ટીવારને અભિનંદન મળ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પોતે વડેટ્ટીવારને વિપક્ષ નેતા તરીકે નિમણૂક કર્યા હતા. ત્યારબાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિજય વડેટ્ટીવારને શુભેચ્છા આપી હતી. તેમને શુભેચ્છા આપતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો. 

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે વિજય વડેટ્ટીવારને મારી શુભેચ્છા. અમારા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ વિદર્ભથી છે, વિપક્ષી નેતા પણ વિદર્ભના છે. વિજય વડેટ્ટીવાર સાથે અન્યાય થયો છે. તેમને જે શરૂઆતમાં મળવું જોઇતું હતું એ તેમણે છેલ્લે મેળવ્યું છે. વિપક્ષ નેતાપદ મળ્યું છે તો તમે હવે ઘણું કામ કરશો એવી અપેક્ષા છે. વર્ક ફ્રોમ હોમ નહીં કરો એવી આશા છે. અમે વર્ષ 2024માં ફરી સત્તા ઉપર આવીશું અને તે સમયે પણ તમે જ વિપક્ષ નેતા તરીકે હશો એવી તમને મારી બાંયધરી હોવાનું શિંદેએ જણાવ્યું હતું. શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે વિજુ ભાઉ મૂળ શિવ સૈનિક છે. તેમનો સ્વભાવ આક્રમક, બેધડક  કામ કરનારો છે. વિદર્ભમાં શિવસેનાનો જે દબદબો છે તેનો શ્રેય તેમને જ જાય છે. બાળાસાહેબના 80 ટકા સમાજકારણ અને 20 ટકા રાજકારણનો હેતુ વિજયભાઉ કૉંગ્રેસમાં ગયા ત્યારબાદ પણ નિભાવી રહ્યા છે. 

પોતાના પદની જવાબદારી વડેટ્ટીવાર સારી રીતે સંભાળશે : અજિત પવાર

 સરકારના જનહિતના નિર્ણયો માટે તેનું સમર્થન પણ મળશે. વડેટ્ટીવારને વિપક્ષ નેતા તરીકે નિમણૂક કરવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અગાઉ થોડા સમય માટે આ પદની જવાબદારી તેમણે સારી રીતે સંભાળી હતી. સભાગૃહના માધ્યમથી જનતાની ભાવના સરકાર સુધી પહોંચાડવાનું કામ વિજય વડેટ્ટીવાર પૂર્ણ જવાબદારી સાથે કરશે એવો વિશ્વાસ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વ્યક્ત કર્યો હતો.

જનતા અને ખેડૂતોની સમસ્યાને દૂર કરવાના પ્રયાસ કરીશ : વડેટ્ટીવાર

કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારની વિપક્ષ નેતા તરીકે નિમણૂક થયા બાદ તેમણે જણાવ્યું હતું કે, ઘણા સંઘર્ષ બાદ હું આ પદે પહોંચ્યો છું. જનતા અને ખેડૂતોની સમસ્યાથી હું અજાણ નથી. તેમને ન્યાય અપાવવાના પૂરતા પ્રયત્નો કરીશ. આ પદ પર મારી નિમણૂક થઈ હોવાથી જવાબદારી પણ વધી છે અને હું પૂરી નિષ્ઠા સાથે તેને ન્યાય આપવાનો પ્રયાસ કરીશ.મુખ્ય પ્રધાને રજૂ કરેલા અભિનંદન પ્રસ્તાવ પર વિધાનસભ્ય બાળાસાહેબ થોરાત, જયંત પાટીલ, ભાસ્કર જાધવ, કાલિદાસ કોળંબકર, નાના પટોલે સહિત ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્યોએ વડેટ્ટીવારને અભિનંદન પાઠવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ