• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ગરીબ પરિવારોને મફત અનાજની યોજના અમલમાં મૂકવી અશક્ય

આવક  મર્યાદા વધારવા રૅશન દુકાનદાર સંગઠનની માગ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : સરકારે ગરીબી રેખા નીચેના લોકોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી છે તેમાં પરિવારની વાર્ષિક આવકનો આંક નક્કી કર્યો છે. એ જોતાં આ યોજના કોઈ પણ રીતે અમલમાં મૂકી શકાય તેમ નથી એમ ગ્રેટર મુંબઈ રેશન દુકાનદાર સંગઠનના પ્રમુખ નવીનભાઈ મારૂએ જણાવ્યું છે.

નવીનભાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, `જે પરિવારની વાર્ષિક આવક રૂા. 59 હજાર હોય તે પરિવારને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા વિનામૂલ્યે આપવાની સરકારે જાહેરાત કરી છે, આ પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના 15 વર્ષ પહેલાંની છે. હવે તો મોંઘવારી ઘણી વધી ગઈ છે. એ હિસાબે આવક મર્યાદા વધારીને એક લાખ રૂા. કરવી જોઇએ.

નવીન મારૂએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યમાં ગરીબી રેખા નીચેના કાર્ડધારકોની સંખ્યા એક કરોડ 65 લાખ છે. એક બાજુ સરકાર કર્મચારીને ઓછામાં ઓછો 15 હજાર રૂા. અને મજૂરોને દર મહિને ઓછામાં ઓછું આઠ હજાર રૂા. વેતન આપવાની નીતિ ઘડી છે ત્યારે પ્રાધાન્ય કુટુંબ યોજનાના લાભ માટે આવક મર્યાદા પ9 હજાર રૂા. નક્કી કરી છે. તેમાં ફેરવિચારણા કરવાની જરૂર છે.