• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ફ્રીવેથી ગ્રાંટ રોડ સુધી એલિવેટેડ માર્ગની પાલિકાની યોજના  

મુંબઈ, તા. 24 : દક્ષિણ મુંબઈના ઉતરીય વિસ્તાર અને ઈસ્ટર્ન ફ્રીવે વચ્ચેના પ્રવાસનો સમય ઘટાડે એવી એક યોજના હેઠળ પાલિકા ફ્રીવેથી ગ્રાંટ રોડ સુધી એલિવેટેડ (ઉર્ધ્વગામી) માર્ગ બનાવવા માગે છે. આ માર્ગ બની ગયા બાદ 30થી 50 મિનિટના પ્રવાસનો સમય ઘટીને પાંચથી સાત મિનિટનો થઈ જશે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પણ શિવરી ખાતે ફ્રીવે સાથે જોડાઈ જશે તેને કારણે ગ્રાંટ રોડ, મલબાર હીલ અને તારદેવ જેવા વિસ્તારોમાંથી આ લિંક રોડ પર જલ્દીથી પહોંચી જવાશે અને પરિણામે નવી મુંબઈ ઍરપોર્ટ પણ હાથવગુ થઈ જશે. 

ફ્રીવે અને મરીન ડ્રાઈવને જોડતી ટનલ બાંધવાના એમએમઆરડીએના નિર્ણય બાદ બીએમસીએ આ યોજના ઘડી કાઢી છે. 

બીએમસીના અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુએ જણાવ્યું હતું કે, આ નવો બ્રિજ ગ્રાંટ રોડ, મલબાર હીલ અને તારદેવ ઝડપથી પહોંચવા દક્ષિણ મુંબઈના ઉત્તરીય વિસ્તારો સાથે જોડાય તે મહત્ત્વનું છે.

`એમએમઆરડીએ ફ્રીવેથી ટનલની યોજના ઘડી રહી છે ત્યારે અમારો આ ઉર્ધ્વગામી રોડ દક્ષિણ મુંબઈના રહેવાસીઓ માટે ઉપયોગી સાબિત થશે. મેં આ યોજનાને નાણાકીય અને ટૅક્નિકલ દૃષ્ટિકોણથી મંજૂર કરી દીધી છે અને આખરી મંજૂરી માટે તેને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે,' એમ વેલારાસુએ જણાવ્યું હતું.