મુંબઈ, તા. 19 : ચેમ્બુરમાં 19 વર્ષીય કૉલેજ વિદ્યાર્થિની સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મના કેસમાં બે જણની ધરપકડ કરાઇ છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ઘટના ચેમ્બુરના બીએઆરસી ક્વાર્ટરના ફ્લૅટમાં બની હતી. આરોપી અને પીડિતા એકબીજાને જાણતાં હતાં અને એક જ ઇમારતમાં રહેતાં હતાં. ઘટનાની રાતે આરોપીનો પરિવાર ઘરની બહાર ગયો હતો અને આરોપીએ પોતાના મિત્રને તેના ઘરે બોલાવ્યો હતો. પીડિતા વાનગી બનાવવા સામગ્રી લેવા આરોપીને ત્યાં ગઇ હતી ત્યારે આરોપીએ તેને કોઇ નશીલું પીણું પીવડાવતા તે બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ બંને આરોપીઓએ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. હોશમાં આવ્યાં બાદ પીડિતાએ ઘરે આવીને તમામ હકીકત પોતાના વાલીને કરી હતી.
વાલી અને પીડિતાએ ત્યારબાદ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાના નિવેદન બાદ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376, 376 ડી, 328 અને 34 હેઠળ ગુનો નોંધાયો હતો. કોર્ટે બંને આરોપીઓને 20મી નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારી છે.