• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

મમતાદીદીનો બફાટ

મુખ્ય પ્રધાન અને તે પણ મહિલા! છતાં આવું નિવેદન? આશ્ચર્યની સાથે દુઃખ પણ થાય અને શરમ પણ આવે. વાત પશ્ચિમ બંગાળની છે. દુર્ગાપુરમાં મેડિકલ કૉલેજની એક વિદ્યાર્થિની ઉપર સામૂહિક બળાત્કાર થયો, મુખ્ય પ્રધાન મમતા બેનરજી બોલ્યાઃ ‘રાત્રે સાડા બાર વાગે યુવતી કૉલેજ પરિસરની બહાર કેવી રીતે આવી?’ એક રાજ્યનાં વડાં તરીકે આ કેવો બફાટ? જેની સાથે દુષ્કર્મ થયું છે તેમને રક્ષણ આપવાને બદલે તેઓ જ આરોપી હોય તેવો ભાવ તેમના મનમાં ઉત્પન્ન થાય. ત્રીની સામાજિક-શારીરિક સલામતીની ખાતરી આપવાને બદલે, દુષ્કર્મ જેવી ઘટનાઓમાં સંડોવાયેલાં તત્ત્વોને સજા કરવાની વાત કરવાને બદલે મમતાદીદીએ એવું કહ્યું કે, યુવતીઓએ રાત્રે બહાર ન નીકળાય.

મમતાદીદી બંગાળના મુખ્ય પ્રધાન ઉપરાંત ગૃહપ્રધાન પણ છે, તેમને ગુજરાતની સ્થિતિનો કદાચ ખ્યાલ નથી. અહીં નવરાત્રિ પર્વ કે જાગરણના દિવસોમાં અને તે સિવાય પણ મોડી રાત્રે યુવતી એકલી પોતાના ઘરે જાય તો પણ તે મોટા ભાગે સલામત છે, પરંતુ આ નિવેદન ચોક્કસ અચંબો પમાડે તેવું છે. મમતાબહેન એવું બોલ્યાં કે, યુવતીઓએ રાત્રે બહાર નીકળવું જોઈએ નહીં, આ એઆઈ યુગમાં, 2025માં આવું નિવેદન? શીખ કે શિક્ષા કોને હોય? બળાત્કાર કરનારને કે ભોગ બનનારને? શું રાજ્ય પ્રશાસન, પોલીસ એટલી સક્ષમ નથી કે રાત્રે પણ યુવતી-મહિલાને રક્ષણ આપી શકે! સ્વયં મુખ્ય પ્રધાન જો આવું કહે તો તો અપરાધી તત્ત્વોનો જુસ્સો બેવડાય. કદાચ કોઈ ઘટના-દુર્ઘટના રોકવામાં સરકાર સફળ ન રહી, પરંતુ જ્યારે કંઈ બની ગયું છે ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમણે પીડિતા અને તેના સ્વજનોના પક્ષે ઊભા રહેવું જોઈએ. તેને બદલે રાત્રે બહાર નીકળવું તે કોઈ મોટો અપરાધ હોય તેવું આ નિવેદન તેમણે કર્યું.

કોલકાતાના પાર્ક સ્ટ્રીટ સામૂહિક દુષ્કર્મની ઘટનાને તેમણે રાજ્ય સરકાર વિરુદ્ધનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. ગત વર્ષે આરજી કર મેડિકલ કૉલેજની વિદ્યાર્થિની ઉપર થયેલા બળાત્કારના પડઘા દેશઆખામાં પડÎા હતા, પરંતુ ઢાંકપિછોડાનો પ્રયાસ તો ત્યાં પણ થયો હતો. આખરે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચાસ્પદ જ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે શિક્ષણ સંસ્થાઓમાં બળાત્કારની ઘટના વારંવાર બને છે. આરજી કર મેડિકલ કૉલેજની ઘટના પછી લૉ કૉલેજમાં આ ઘટના બની હતી. તે પછી ‘આઈઆઈએમ’માં પણ આવી ઘટના બન્યાનું જાહેર થયું હતું. મહિલા સુરક્ષાની સ્થિતિ સામે આ ઘટનાઓ મોટા સવાલ ઊભા કરી રહી છે.

બનાવ તો અન્ય રાજ્યોમાં પણ બને છે, પરંતુ અહીં વાત એ છે કે મુખ્ય પ્રધાન સ્વયં આવા બનાવોમાં અપરાધીઓ અને અપરાધ સામે કઠોર વલણ અપનાવવાને બદલે આવાં નિવેદન કરે છે. કોઈપણ નેતા આજના સમયમાં બળાત્કાર જેવી ઘટના વખતે આવું કહે કે, ધ્યાન તો યુવતીએ રાખવું જોઈએ, તેણે ટૂંકાં વત્રો પહેરવાં જોઈએ નહીં, રાત્રે બહાર નીકળવું જોઈએ નહીં આ તેમની સંકુચિત માનસિકતાનું પ્રતિબિંબ છે. તેમાં પણ વળી મમતાદીદી સ્વયં મહિલા છે. તેમના મોઢે આવી વાત શોભતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક