• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

પાકિસ્તાન અને તાલિબાન : ઊકળતો ચરુ

તાલિબાન અને અફઘાનિસ્તાનને પોતાના તાબાના  માનતા પાકિસ્તાનને છેલ્લા થોડા દિવસથી લોહિયાળ વાસ્તવિક્તાનો અનુભવ થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન સાથેની સરહદોએ પાકિસ્તાનને ગંભીર સંઘર્ષની  સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બંને દેશ વચ્ચે સરહદ પર સંખ્યાબંધ સ્થળોએ સશત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. તાલિબાને 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારથી અને તે પહેલાંથી પાકિસ્તાને તેને સમર્થન આપ્યું હતું, પણ આ સમર્થનના બદલામાં પાકિસ્તાની લશ્કર અને સરકારના માલિકપણાની લાગણી વધતાં તાલિબાને વલણમાં ફેરફાર કરવો શરૂ કર્યો હતો. 

હાલત એવી છે કે, હવે પાકિસ્તાનની અંદર થઈ રહેલા આતંકી હુમલામાં તહેરિકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની જવાબદારી છતી થઈ રહી છે. ટીટીપીને અફઘાનિસ્તાનમાં આશ્રય મળતો હોવાના આરોપ સાથે પાકિસ્તાને આક્રમક વલણ લેવું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન અમિર ખાન મુતકીના ભારત પ્રવાસ દરમિયાન આ તંગદિલી વધી હોવાની બાબત ઊડીને આંખે વળગી રહી છે. 

આમ તો તાલિબાન સાથે આરંભના સારા સમયને બાદ કરતાં પાકિસ્તાનના અફઘાનિસ્તાન સાથેના સંબંધો હંમેશાં તંગ રહ્યા છે.  પાકિસ્તાનની રચના સાથે જ બંને દેશ વચ્ચે સરહદો પર અથડામણો ચાલુ થઈ ગઈ હતી. બંને દેશ વચ્ચે વિવાદનું એક મુખ્ય કારણ બ્રિટિશ શાસનકાળમાં ખેંચાયેલી દુરાંદ રેખા રહી છે. પાકિસ્તાન આ રેખાને સરહદ તરીકે માન્ય ગણે છે, જ્યારે અફઘાનિસ્તાન તેને સ્વીકારતું નથી. હવે અફઘાનિસ્તાન પોતાની સરહદોમાં ઘૂસણખોરી કરતું હોવાનો પાકિસ્તાનનો આરોપ છે. હવે આ આરોપ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદથી ટીટીપીએ તેની આતંકી પ્રવૃત્તિ વધારી હોવાનો આરોપ પાકિસ્તાન મૂકી રહ્યંy છે. સામા પક્ષે અફઘાન સત્તાવાળાઓ પાકિસ્તાનના આરોપોને નકારવાની સાથોસાથ સરહદ પારથી વિનાકારણ હુમલા થઈ રહ્યા હોવાનો વળતો આરોપ મૂકી રહ્યા છે. 

આમ તો હાલની સ્થિતિ સંપૂર્ણ જંગથી હજી દૂર છે, પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં શાંતિની સફળતા પ્રસંગે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે તંગદિલ દૂર કરવાનો પોતાનો ઈરાદો છતો કર્યો. દરમિયાન, બંને દેશ વચ્ચે 48 કલાકનો હંગામી યુદ્ધવિરામ લાગુ થયો છે. બંને પક્ષોએ એકબીજાને મોટું નુકસાન પહોંચાડÎાના દાવા કર્યા છે. તાલિબાન કહે છે કે, પાકિસ્તાને યુદ્ધવિરામની અપીલ કરી હતી. તેના કેટલાય સૈનિકોને બંદીવાન બનાવી લેવાયા છે. શક્ય છે કે, અમેરિકા અને આરબ દેશોની દરમિયાનગીરીથી સંઘર્ષની સ્ફોટક સ્થિતિનો ઉકેલ આવી જશે, પણ હવે બંને દેશ વચ્ચે અગાઉ જેવા સંબંધો ફરી પ્રસ્થાપિત થાય એવી કોઈ શક્યતા જણાતી નથી. તેમની પ્રકૃતિને જોતાં હવે સંબંધોમાં ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે એવી સતત ભીતિ અનુભવાતી રહેશે. વળી, અફઘાનિસ્તાન જે રીતે ભારત તરફ વળી રહ્યંy છે, તે પાકિસ્તાનને કોઈપણ રીતે ગળે ઊતરશે નહીં. આમ આવનારો સમય પાકિસ્તાનના ધૈર્યની કસોટી સમાન બની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક