• રવિવાર, 02 નવેમ્બર, 2025

સાયબર છેતરાપિંડી : બૅન્કોની ભૂમિકા મહત્ત્વની

સાયબર છેતરાપિંડીમાં છેલ્લાં થોડાં વર્ષોમાં જોરદાર ઉછાળો થયો છે, એમાંય હાલમાં જ ડિજિટલ અરેસ્ટમાં તો એક જ કિસ્સામાં રૂા. 58 કરોડની સૌથી મોટી છેતરાપિંડી થયાનું સામે આવ્યું છે. એક અહેવાલ મુજબ, કોરોના કાળથી અત્યાર સુધીમાં એકલા મુંબઈ શહેરના લોકોએ જ રૂા. બે હજાર કરોડથી વધુની રકમ અૉનલાઈન ફ્રૉડને કારણે ગુમાવી છે. દેશની આર્થિક રાજધાની અને શિક્ષિતોની સંખ્યા જ્યાં ખાસ્સી ઊંચી છે, એવા મુંબઈ શહેરમાં જો આ પરિસ્થિતિ હોય તો નાનાં શહેરો કે કસબાઓમાં તો કેવી હાલત હશે, એનો માત્ર અંદાજ જ લગાડવો રહ્યો. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા, પોલીસ તથા ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અૉનલાઈન ફ્રૉડ, સાયબર છેતરાપિંડી અને ડિજિટલ અરેસ્ટ વિશે જાગરૂકતા માટે સતત પ્રયત્નશીલ છે છતાં આ સ્થિતિ છે. નિષ્ણાતોનું માનવું છે કે, સમસ્યા ટેક્નૉલૉજી કે માનવીય વર્તણૂક ઉપરાંત નબળી બૅન્કિંગ સિસ્ટમની પણ છે. તેઓ ઉમેરે છે કે, બૅન્કો ધારે તો કેટલીક મૂળભૂત ચકાસણીઓ દ્વારા આવી છેતરાપિંડીને ઉઘાડી પાડી શકે છે, પણ આ બાબતમાં તેમનું ઉદાસીન વલણ ચિંતા વધારનારું છે.

હાલનાં વર્ષોમાં મુંબઈમાં સાયબર છેતરાપિંડીએ મુંબઈમાં માજા મૂકી છે. કોરોના કાળમાં વર્ષે દહાડે મુંબઈમાં લોકોએ રૂા. 81.7 કરોડ અૉનલાઈન છેતરાપિંડીમાં ગુમાવ્યા હતા. 2024માં આ આંકડો રૂા. 888.3 કરોડ પર પહોંચ્યો હતો અને ચાલુ વર્ષના જુલાઈ સુધીમાં આ જુમલો રૂા. 530 કરોડને વટાવી ગયો હતો. 2020થી મુંબઈગરાઓએ આ પ્રકારની છેતરાપિંડી દ્વારા રૂા. 2067 કરોડ ખોયા છે, તો મહારાષ્ટ્રનો આંકડો રૂા. 10,254 કરોડ જેટલો છે. આ સમયગાળા દરમિયાન માંડ રૂા. 82 કરોડ જેટલી રકમ જ પાછી મળી શકી છે.

વારંવારની ચેતવણી છતાં લોકોની બેદરકારી સાથે જાગરૂકતાનો અભાવ છેતરાપિંડીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સાયબર અરેસ્ટ આમાં ઉમેરાયેલી લેટેસ્ટ રીત છે, જેના દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાયાના કિસ્સા બન્યા છે. હાલમાં જ 58 વર્ષના એક બિઝનેસમૅનને ગઠિયાઓએ રૂા. 58 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે, ડિજિટલ અરેસ્ટના જાસામાં સુશિક્ષિત લોકો પણ આવી જતાં હોય છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, આવી છેતરાપિંડી બાદ નાણાં જે ઝડપે પગ કરી જતાં હોય છે, તે બૅન્કિંગ ક્ષેત્રની નબળાઈ છતી કરે છે. લોકોએ સાવચેતી રાખવી જોઈએ, પણ સાથે જ બૅન્કો માટે પણ આરબીઆઇના નિયમોનું પાલન કરવાનું કડક બને એ અત્યારના સમયની માગ છે.