એકાદ ફિલ્મ કે વેબ સિરીઝની બરાબરી કરે એવી ઘટના મુંબઈના પવઈ વિસ્તારમાં એક્ટિંગ સ્કૂલ રા સ્ટુડિયોમાં બની. ડૉક્યુમેન્ટરી ફિલ્મના અૉડિશનના બહાને 17 બાળકોને બોલાવી તેમને બંધક બનાવી સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો આશય ધરાવતા 49 વર્ષના રોહિત આર્યાને પોલીસે ઠાર કર્યો અને બાળકોને મુક્ત કરાવ્યાં. બાળકોને બંધક બનાવનાર શખસ આતંકવાદી કે ગુનાહિત ભૂતકાળ કે આશય ધરાવતો નહોતો. આર્યાનો દાવો હતો કે, તેણે બનાવેલી સ્વચ્છતા મૉનિટર યોજનાનો અમલ બે વર્ષ પહેલાં રાજ્ય સરકારના તત્કાલીન શિક્ષણપ્રધાન દીપક કેસરકરના કહેવાથી નાણાં ઊભાં કરી શાળાઓમાં કર્યો હતો. જોકે, એ પછી વળતર પેટે મળવી જોઈએ એ રકમ મળી નહોતી. વારંવાર આંદોલન-દેખાવો અને અનશન પછી પણ સંબંધિત ખાતા તરફથી સંતોષકારક જવાબ ન મળતાં સરકારનું ધ્યાન ખેંચવા માટે જ આ પગલું લીધું હોવાનું આર્યાએ સોશિયલ મીડિયા પર વહેતા કરેલા વીડિયોમાં જણાવ્યું હતું. શાળાકીય શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, અમે આ વર્ષ માટે રોહિત આર્યાની સ્વચ્છતા મૉનિટર યોજનાને મંજૂરી આપી નથી. તો, દીપક કેસરકરનું કહેવું છે કે, આર્યાએ એક શૈક્ષણિક પ્રોજેક્ટ માટે નાણાં લગાડયાં હતાં, પણ મેં એને ચેક દ્વારા વ્યક્તિગત ક્ષમતામાં નાણાં આપ્યાં હતાં. સરકારી ભંડોળમાંથી કોઈ યોજના માટે નાણાં ફાળવવાની પ્રક્રિયા હોય છે અને એ પૂરી થાય પછી જ ફાળવણી થઈ શકે છે, આથી સરકાર પાસેથી મારે બે કરોડ લેવાના નીકળે છે, એવો આર્યાનો દાવો યોગ્ય નહોતો. બાળકોને બાનમાં લેવાનું પગલું સદંતરપણે અયોગ્ય કહેવાય. જોકે, બંધક બાળકોના જીવ સામે જોખમને પગલે પોલીસે આર્યાને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો તથા અમે સ્વબચાવમાં આ પગલું લીધું એ બાબતની તપાસ થવી ઘટે. સાથે જ રોહિત આર્યાએ કરેલા બાકી નીકળતાં નાણાં બાબત પણ તપાસના વર્તુળમાં આવરી લેવાય એ જરૂરી છે.
મુંબઈમાં આ પહેલાં
વર્ષ 2003માં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર બાવીસ વર્ષના સીઆઈએફએસ કૉન્સ્ટેબલે
રજા મંજૂર ન કરનાર ઉપરીને ગોળીએ દીધા બાદ પોતાના છ સહકર્મચારીઓને બાનમાં લીધા હતા.
સાત કલાક ચાલેલા હૉસ્ટેજ ડ્રામા બાદ બંધકોને ઉગારી લેવાયા હતા અને આરોપીની ધરપકડ કરાઈ
હતી. તો, 2008માં રાજ ઠાકરેની ઉત્તર ભારતીય વિરોધી ઝુંબેશને કારણે ગુસ્સે ભરાયેલા પટણાના
23 વર્ષના યુવાન રાહુલ રાજે કુર્લામાં બેસ્ટની ડબલડેકર બસમાં 13 જણને બંધક બનાવ્યા
હતા. રિવૉલ્વર ધરાવતા રાહુલે ગોળી ચલાવી એક પ્રવાસીને ઈજાગ્રસ્ત પણ કર્યો હતો, પોલીસની
ચકમકમાં તે ઠાર થયો હતો. જોકે, 2014માં સર્વોચ્ચ અદાલતે આપેલા એક શકવર્તી ચુકાદાને
પગલે કાયદામાં ફેરફાર કરાયો અને પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રતિકારાત્મક ગોળીબારનો
દાવો પ્રસ્થાપિત કરવા મેજિસ્ટ્રેટ સ્તરની તપાસ આવશ્યક કરાઈ છે. રોહિત આર્યાના કિસ્સામાં
આ તપાસ ઉપરાંત તેણે કરેલા દાવાની તપાસ પણ સઘન તપાસ થવી જોઈએ. સામાજિક તથા શૈક્ષણિક
કાર્યોમાં સક્રિય આર્યા 2017થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રભાવિત
થઈ, શાળામાં ભણતાં બાળકોને સ્વચ્છતાના આગ્રહીઓ કેવી રીતે બનાવવા એ દિશામાં કાર્ય કરી
રહ્યા હતા. બાળકોને બંધક બનાવ્યાં બાદ સોશિયલ મીડિયા પર મૂકેલા એક વીડિયોમાં તેમણે
કહ્યું હતું કે, મારે સરકારમાંના કેટલાક ચોક્કસ લોકો સાથે વાત કરવી હતી, પણ મને એ તક
અપાતી નહોતી, મારે સરકાર પાસેથી મારી લેણી નીકળતી રકમ જોઈએ છીએ, એ સિવાય મારી કોઈ માગણી
નથી. હતાશ થઈ આત્મહત્યા કરવા કરતાં મેં કેટલાંક બાળકોને બંધક બનાવવાની યોજના ઘડી. મારી
માગણીઓ બહુ સરળ છે, મારી માગણીઓ નૈતિક છે. મારા કેટલાક પ્રશ્નો છે, મારે કેટલાક લોકો
સાથે વાત કરવી છે, તેમને પ્રશ્ન કરવા છે અને કેટલાક પ્રતિપ્રશ્નો પૂછવા છે. હું ન તો
આંતકવાદી છું કે ન તો નાણાં સંબંધી કોઈ અવાજબી માગણી છે, કેમ કે હું અનૈતિક વ્યક્તિ
નથી. જોકે, એ પછી આ વીડિયોમાં તેના અવાજમાં ધમકીનો સૂર ભળ્યો હતો. પોલીસ અનુસાર, પોતાની
માગણીઓ સંતોષાય નહીં તો આર્યાએ આત્મદહન કરવાની યોજના પણ બનાવી હતી અને આ માટે તેણે
આખા હૉલમાં જ્વલનશીલ રસાયણ છાંટયું હતું તથા તેની પાસે ઍરગન પણ હતી. જોકે, પોલીસે આર્યા
સાથે બે કલાક વાતચીત કરી બંધકોને છોડાવવા માટે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
શિક્ષણ ખાતાની
સ્પષ્ટતા અનુસાર, આર્યાની કંપની અપ્સરા મીડિયા ઍન્ટરટેઈનમેન્ટ નેટવર્કને મુખ્ય પ્રધાન
માઝી શાળા સુંદર શાળા અભિયાન હેઠળ સ્વચ્છતા મૉનિટર યોજના માટે મંજૂરી મળી હતી અને રૂપિયા
બે કરોડ મંજૂર કરાયા હતા. જોકે, આ યોજનાના બજેટ પ્રસ્તાવમાં ખર્ચને યોગ્ય ઠેરવવા બાબતે
સ્પષ્ટતાનો અભાવ હોવાથી તેના પર અમલ કરાયો નહોતો. આ મુદ્દે છેલ્લાં બે વર્ષથી આર્યા
આંદોલન-અનશન કરી રહ્યો હતો. આ ઉપરાંત, માઝી શાળા સુંદર શાળા અભિયાનમાં વિજેતા ઠરેલી
શાળાઓનો અભ્યાસ આર્યાએ કર્યો હતો અને તેમનો દાવો હતો કે, સ્વચ્છતા બાબત ઓછા ગુણાંક
મેળવનારી શાળાઓને વિજેતા જાહેર કરાઈ હતી, કેમ કે આ શાળાઓ કેટલાક નેતાઓની હતી. આ અભિયાનના
ઈનામ વિતરણ સમારંભમાં પણ આર્યાએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ મામલામાં રોહિત આર્યાએ
જે અંતિમ પગલું લીધું એ સદંતરપણે અયોગ્ય જ ગણાય. પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા સીમા
ઓળંગવાનું ફળ તો આર્યાએ ભોગવ્યું, પણ તેમણે કરેલા આક્ષેપોની તપાસ હવે થવી જોઈએ, જેથી
ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય. શિક્ષણ ક્ષેત્રે નાવીન્ય અને સુધારણાના
નામે સરકારી અનુદાન મેળવવા માટે ચાલતી સંસ્થાઓ સામે પણ સરકારે કાર્યવાહી કરવી જોઈએ.
વિરોધી પક્ષો હવે આ મુદ્દે પણ રાજકારણ રમશે, પણ સરકારે પૂરતી તપાસ કરી દાખલો બેસાડવો
જોઈએ.