બિહારમાં વિધાનસભાની ચૂંટણીની દિવાળી ઊજવાઈ રહી છે! મતદારોને રિઝવવા માટે વચનોની લહાણી થઈ રહી છે અને આ સ્પર્ધામાં તેજસ્વી યાદવ આગળ છે. વચનોની યાદી ઇન્ડિયા મોરચાના ઘોષણાપત્રમાં આપવામાં આવી છે અને ઘોષણાપત્ર - ઢંઢેરાને નામ આપવામાં આવ્યું છે - ‘તેજસ્વી પ્રણ’. આ ઘોષણાપત્ર દ્વારા તેજસ્વી યાદવની મુખ્ય પ્રધાનપદની દાવેદારીને સમર્થન આપવામાં આવ્યું છે. ઘોષણાપત્રમાં રાજ્યમાં દરેક પરિવારની એક વ્યક્તિને નોકરી આપવાનું વચન છે. કૉંગ્રેસી મહાગઠબંધનને વિધાનસભામાં બહુમતી મળે અને સરકાર રચાય તે પછી વીસ મહિનાની અંદર નોકરી આપવાનાં વચનનો અમલ શરૂ થશે. સરકાર પાંચ વર્ષ ટકે તો કુલ સવા કરોડ યુવાનોની બેકારી દૂર થશે એમ જણાવાયું છે.
બિહારમાં
બેકારીની સમસ્યા ઘણી મોટી છે તેથી દેશભરમાં - ખૂણે ખૂણે બિહારીઓને નોકરી કે
ધંધા-રોજગાર મળી રહે છે. મુખ્ય પ્રધાન નીતિશકુમારે પણ નોકરીને પ્રાધાન્ય આપવાની
ખાતરી આપી છે. તેજસ્વી યાદવ એક-બે કદમ આગળ વધીને કહે છે - બિહારના યુવાનોને નોકરી
માટે પ્રથમ પસંદ કરવામાં આવે તેવી વ્યવસ્થા થશે અને કૉન્ટ્રાક્ટ ઉપર લેવાયેલા
લોકોને ‘રેગ્યુલર’ બનાવાશે.
તેજસ્વી યાદવ
કહે છે અમારે ચૂંટણી જીતીને બેસી નથી રહેવું પણ બિહારનું નવસર્જન કરવાનું છે.
બિહારમાં
નશાબંધી છે પણ તે નિષ્ફળ ગઈ છે તેથી અમને સત્તા મળે તો બિહારમાંની નશાબંધી ઉઠાવી
લેવાશે. તાડીની છૂટ અપાશે. કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનું વચન અપાયું
છે અને મહિલાઓને 200 યુનિટ સુધી મફત વીજળી અપાશે તથા ‘માઈ બહિન માન યોજના’ હેઠળ માસિક
અઢી હજારની મદદ અપાશે. ગરીબીની રેખા નીચે હોય તેવા લોકો માટે રૂપિયા પચીસ લાખ
સુધીના સ્વાસ્થ્ય વીમાની વ્યવસ્થા કરવાની ખાતરી અપાઈ છે.
રાજકીય નેતાઓ
ચૂંટણી વચનોની લહાણી કરવામાં કોઈ કચાશ રાખતા નથી પણ તેનો અમલ કેવી રીતે થાય છે તે
મહત્ત્વનું છે. ભૂતકાળમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરવામાં આવ્યા હતા. લોકોની
જમીન સામે નોકરી આપવાની ઠગાઈ કરી હોવાનો વિવાદ હવે તાજો થયો છે. નોકરીના નામે લાલુ
પરિવારે ભારે ભ્રષ્ટાચાર કર્યો હતો તેની યાદ અપાવાઈ રહી છે.
ચૂંટણીમાં
વચનોની લહાણીની રેવડી બજાર ધમધોકાર ચાલે છે. કર્ણાટકમાં વડા પ્રધાને રેવડી
વહેંચવાના વિપક્ષના વ્યૂહની ટીકા કરી હતી પણ ચૂંટણી જીતવા માટે ‘રેવડી’ અનિવાર્ય છે એ વાસ્તવિકતા તમામ પક્ષો સ્વીકારે છે.