• રવિવાર, 02 નવેમ્બર, 2025

વિકાસ અને વૃક્ષોનું નિકંદન

વિકાસ કાર્યો માટે વૃક્ષો કાપ્યાં બાદ તેની પુનર્વાવણીમાં ઊણા ઉતરનાર મહારાષ્ટ્ર સરકારનો કાન આમળવા સાથે સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી છે કે, સરકાર આ મુદ્દાને ગંભીરતાથી નહીં લે તો મુંબઈ મેટ્રો રેલ તથા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડના (જીએમએલઆર) કામ માટે વૃક્ષકાપણીની આપેલી પરવાનગી અમે પાછી ખેંચી લઈશું. જીએમએલઆર પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવા માટેની મુંબઈ મહાનગરપાલિકાની નવી અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. મેટ્રો પ્રોજેક્ટ માટે કાપવામાં આવેલાં વૃક્ષો ફરી વાવવાની શરત સાથે સર્વોચ્ચ અદાલતે વૃક્ષકાપણીની મંજૂરી આપી હતી, પણ આ વનીકરણ માટે વાવવામાં આવેલાં 20,460 વૃક્ષોમાંથી માત્ર પચાસ ટકા જ ટક્યાં હોવાનું નિરીક્ષણ અદાલતે કર્યું છે. નિષ્ણાતો અનુસાર, એક જગ્યાએથી ઉખાડેલાં વૃક્ષોને અવ્યવસ્થિત, બિનવૈજ્ઞાનિક અને કઢંગા ટ્રાન્સપ્લાન્ટ કરવાને કારણે ઝાડ ટકતાં નથી. 

2016થી 2023 આ છ વર્ષ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ મેટ્રો, કૉસ્ટલ રોડ અને જીએમએલઆર તથા અન્ય યોજનાઓ માટે 21,028 વૃક્ષો પાડÎાં હતાં. પાલિકાએ એક આરટીઆઈ અરજીના જવાબમાં આપેલી માહિતી મુજબ, આ સમયગાળા દરમિયાન તેમણે 21,916 જેટલાં પુખ્ત વૃક્ષોને મૂળસોતાં ઉખેડી અન્યત્ર તેનું પ્રતિરોપણ કર્યું હતું, પણ તેમાંનાં માંડ 21 ટકા વૃક્ષો જ ટકી શક્યાં હતાં. પાલિકાનો દાવો છે કે, મુંબઈની ભૌગોલિક સ્થિતિ, દરિયાથી નિકટતા, ભેજવાળું વાતાવરણ અને પ્રદૂષણ જેવાં પરિબળોથી વૃક્ષોનાં પ્રત્યારોપણ બાદ ટકી રહેવાની શક્યતા ઓછી થઈ જાય છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે, જે કઢંગી અને બિનવૈજ્ઞાનિક રીતે વૃક્ષોનું પ્રતિરોપણ કરવામાં આવે છે, તેના કારણે તેમનું ટકી જવું મુશ્કેલ બને છે.

ભૂતકાળમાં જોવા મળ્યું છે કે, વૃક્ષોની કાપણીનો વિરોધ કરનારા પર્યાવરણપ્રેમીઓને કારણે અનેક પ્રકલ્પો વિલંબમાં મુકાયા હતા. જોકે, સર્વોચ્ચ અદાલતે આવા વિરોધોને એવું કહી કોરાણે મૂક્યા હતા કે, આ પ્રોજેક્ટથી થનારા લાભને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. સરકારે પણ તોડેલાં વૃક્ષો જેટલાં નવાં વૃક્ષો વાવવાની બાંયધરી આપી હતી. પણ હવે, આ વૃક્ષોના સર્વાઈવલનું પ્રમાણ તથા પુનઃરોપણમાં કોઈ કચાશ ન રહે એની તકેદારી સરકાર-પાલિકાએ રાખવાની છે. આશા રાખીએ કે, સર્વોચ્ચ અદાલતે આપેલી ચેતવણી પર અમલ કરવાની તેને જરૂર ન પડે.