• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મહિલા મતદારો માટે યોજનાઓની લાલ જાજમ

વિધાનસભાનો રસ્તો લાડકી બહેનો, માતાઓ અને મહિલાઓ જ પ્રશસ્ત કરે છે, આ વાત લગભગ દેશનાં દરેક રાજ્યના રાજકીય પક્ષોએ સ્વીકારી લીધી છે. ભાજપે વિવિધ રાજ્યોમાં મહિલા-કેન્દ્રિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓ દ્વારા સત્તા મેળવી છે. હવે 2026માં વિધાનસભાની ચૂંટણીઓ જ્યાં યોજાવાની છે, જ્યાં ભાજપની સરકાર નથી એવાં બે રાજ્યો - તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની સરકારોએ ચૂંટણીને લક્ષમાં રાખતાં મહિલાઓને ટાર્ગેટ કરતી યોજનાઓની લાલ જાજમ પાથરી છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને ગયા અઠવાડિયે કલાઇગનાર વુમન્સ રાઇટ્સ સ્કીમ હેઠળ રાજ્યની 1.3 કરોડ મહિલાઓનાં બૅન્ક ખાતાંમાં પાંચ-પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા છે. મહિનાના એક હજાર પ્રમાણે આગામી ત્રણ મહિના માટે ત્રણ હજાર અને વધુ બે હજાર રૂપિયા ઉનાળુ વિશેષ ભેટ તરીકે અપાયા છે. એટલું જ નહીં, સ્ટાલિને જાહેર કર્યું છે કે દ્રવિડ મુનેત્ર કડગમ્ (દ્રમુક) ફરી સત્તામાં આવશે, તો માસિક એક હજાર રૂપિયાની આ રકમ બમણી કરી દેવાશે. તો, પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ સરકારે પણ ફેબ્રુઆરીમાં લક્ષ્મી ભંડાર નામની યોજના હેઠળ મહિલાઓને 2021થી અપાતી માસિક રકમ એક હજારથી વધારીને 1500 તથા એસસી-એસટી વર્ગની મહિલાઓને અપાતી 1200 રૂપિયાની ભેટને વધારીને રૂા. 1700 કરી નાખી છે. પશ્ચિમ બંગાળમાં 2.4 કરોડથી વધુ મહિલા મતદારો છે.

હાલ કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર અને દિલ્હીની સરકારો દર મહિને ચોક્કસ રકમ મહિલાઓનાં ખાતાંમાં જમા કરાવે છે. નોંધનીય છે કે આમાંનાં મોટા ભાગનાં રાજ્યોમાં જે પક્ષોએ આવી યોજનાઓ અમલમાં મૂકવાનું વચન આપ્યું છે, તેમનો વિજય થયો છે. એકમેક પર આક્ષેપો કરતા એનડીએ અને ઇન્ડિ મોરચા બન્નેના પક્ષો આ પ્રકારની યોજનાઓ ચલાવે છે. તિજોરી પર બોજ પડતો હોવા છતાં આ યોજનાઓમાં કપાત કરવાની હિંમત કોઈ સરકાર કરતી નથી. જોકે, તામિલનાડુમાં દ્રમુક સામે અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સામે કપરાં ચઢાણ છે અને આથી મહિલાઓ માટેની આ યોજનાઓમાં ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં વધારો કરવાનો વ્યૂહ અપનાવાયો છે.