• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

બાંગ્લાદેશમાં તાહિરનું રાજ, ભારત સામે પડકારો છે ખાસ

બાંગ્લાદેશની ચૂંટણી પછી સર્જાયેલાં સમીકરણોને પગલે ભારત સામે પડકારોનો ખડકલો થયો છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના તારિક રહમાન વડા પ્રધાન બનશે અને પાકિસ્તાન તરફી જમાત-એ-ઇસ્લામીને અત્યાર સુધીની સર્વોચ્ચ બેઠકો મળી હોવા છતાં તે સત્તામાં આવી નથી, એ ભારત માટે રાહતરૂપ છે. જોકે, કેટલાક પડકારો હજી પણ યથાવત્ છે. 

સૌથી પહેલી શિરોવેદના શેખ હસીનાને ભારતમાં અપાયેલા આશ્રયની છે. બાંગ્લાદેશે છેલ્લા 18-19 મહિનામાં અનેક વાર હસીનાના પ્રત્યાર્પણની માગ કરી છે, જે ભારતે કાને ધરી નથી. હવે હસીનાને સ્વદેશ પાછા લાવવાનું દબાણ તારિકની સરકાર પર હશે. આથી, ભારત સાથેના સારા સંબંધોના બદલામાં તેઓ હસીનાની માગ કરશે, જે ભારત પૂરી કરી શકે એમ નથી. વળી, બીએનપી સરકાર આ દિશામાં કોઈ હિલચાલ નહીં કરે તો જમાત તેનો મુદ્દો બનાવશે. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. છેલ્લા થોડા સમયમાં રાજદ્વારી સંબંધોમાં આવેલા તણાવની અસર બન્ને દેશો વચ્ચેના વેપાર પર થઈ છે. ટેક્સ્ટાઇલ ક્ષેત્રમાં લાભ મેળવવા બાંગ્લાદેશે અમેરિકા સાથેના વેપાર કરારમાં આપેલી છૂટછાટોની અસર ભારતના ઉદ્યોગ પર પડી છે. આ ઉપરાંત, પાકિસ્તાન સાથે વેપાર માટે દરિયાઈ માર્ગ ખુલ્લો કરી ઢાકાએ નવી દિલ્હીની સુરક્ષા ચિંતાઓ વધારી મૂકી છે. આ બધામાં મધ્યમ માર્ગ લેવાય અને વેપાર ફરી ફૂલેફાલે એ બન્ને દેશો માટે સારું રહેશે.

 બીએનપીના આ પૂર્વેના કાર્યકાળમાં ભારતનું સાર્વભૌમત્વ અને સલામતી જોખમાય એવાં કામ થયાં હતાં. આથી, ભારતે બીએનપી સાથે સંબંધો સુધારવા સાથે જમાતના નેતાઓ સાથે પણ પાછલા બારણે વાતચીત શરૂ કરી હતી. અમેરિકાએ પણ જમાતના નેતાઓને સાધવાનો પ્રયાસ કર્યો હતો. ભારત માટે આમ છતાં સુરક્ષા સંબંધી પડકારો સદંતર દૂર થયા નથી.

ચીનને બાંગ્લાદેશમાં મોટા ભાઈની ભૂમિકા લેતું અટકાવવા ભારતે બાંગ્લાદેશમાં કેટલાક માળખાકીય પ્રોજેક્ટ્સ તથા કનેક્ટિવિટી અને નેટવર્ક પ્રકલ્પો હાથ ધર્યા હતા. આસામ, મેઘાલય અને ત્રિપુરાને સીલહટ અને ઢાકા સાથે જોડવા માટેના પ્રોજેક્ટ્સ અત્યારે અટકી પડયા છે. જોકે, આ શરૂ કરવાનો નિર્ણય સો ગાળણે ગાળીને લેવાનો રહેશે, કેમ કે હજી પણ બાંગ્લાદેશની ગલીઓમાં ભારતવિરોધી લાગણી છે અને જ્યાં સુધી એ થાળે પડતી નથી ત્યાં સુધી આ દિશામાં આગળ વધતાં પહેલાં સાવચેતી રાખવાનું ભારત પસંદ કરશે. 

બાંગ્લાદેશીઓ પ્રત્યે ભારતમાં ગેરકાયદે ઘૂસી આવનારાઓ તરીકેનો અભિગમ છે. જોકે, અનેક બાંગ્લાદેશી નાગરિકો સત્તાવાર રીતે પર્યટન અને તબીબી સારવાર તથા વેપાર-ધંધા માટે ભારત આવે છે. મુંબઈના નવા મેયર રીતુ તાવડેએ શહેરમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓને વીણવાની કવાયતને પ્રાથમિકતા ગણાવી હતી, તો આસામના મુખ્ય પ્રધાન હેમંતા બિસ્વા શર્માએ બાંગ્લાદેશી અને રાહિંગ્યાઓ સામે શરૂ કરેલી ઝુંબેશ જેવી લાગણી દેશનાં અન્ય રાજ્યોમાં પણ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના આદેશને કારણે આઇપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બાંગ્લાદેશી બૉલર મુસ્તફિઝુર રહમાનની હકાલપટ્ટી વિવાદનું કારણ બની હતી. ભારતે આવી બાબતોમાં ધ્યાન રાખવાનું છે, ખાસ તો ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે બાંગ્લાદેશ વિરોધી લાગણીઓ ભડકે નહીં એની તકેદારી રાખવાની રહેશે.