ક્રૂડતેલના દરો અને શૅરબજારો સેન્ટિમેન્ટ પર ચાલે છે, એ વધુ એકવાર પુરવાર થઈ ગયું, કેમ કે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થઈ શકે છે, એવા ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનથી ક્રૂડના બૅરલ દીઠ 120 ડૉલર સુધી પહોંચી ગયેલા ભાવ 90 પર આવી ગયા અને શૅરબજારોમાં અફરાતફરી અટકી છે. યુદ્ધના અગિયાર દિવસોમાં જ ગૅસની અછતને કારણે ભારત ગૅસ પર આવી ગયું છે. કેન્દ્ર સરકારે એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ ઍક્ટ (એસ્મા) લાગુ કર્યો છે, જેથી સંગ્રહખોરી અને કાળાબજાર ન થાય. યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ગૅસની ખેંચ થશે એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સરકારે સ્પષ્ટતા કરી છે કે ઘરગથ્થુ ઉપયોગ માટેના એલપીજી ગૅસની અછત નથી. કમર્શિયલ વપરાશ માટેનાં ગૅસ સિલિન્ડરો પર કાપ મુકાવાને કારણે ગભરાટ ફેલાયો છે. આવામાં, સરકાર સામે આ ગભરાટને વધુ ફેલાતો રોકવાનો પડકાર મોટો છે. સરકારે ઘર વપરાશ માટેના પીએનજી અને વાહનોમાં ઈંધણ તરીકે વપરાતા સીએનજીને પ્રાથમિકતા આપવા સાથે એલએનજી અને એલપીજીના ઔદ્યોગિક અને કમર્શિયલ ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવ્યાં છે. ભારતની કુદરતી ગૅસની કુલ જરૂરિયાતોમાંથી 60 ટકા અને એલપીજી માગમાંથી અડધોઅડધની આયાત થાય છે, જેના માટે કતાર તથા પશ્ચિમ એશિયાના અન્ય દેશો પર આપણે નિર્ભર છીએ. અત્યારે આ દેશોમાંથી ટેન્કર્સ આવી શકે એમ નથી. વળી, ક્રૂડતેલના સંગ્રહ કરતાં આ ગૅસના સંગ્રહમાં વધુ ખર્ચ થતો હોય છે. વળી, આપણી પાસે ઝાઝાં અઠવાડિયાં ચાલે એટલો સ્ટૉક નથી. સરકાર સતત ભરોસો બંધાવી રહી છે કે પેટ્રોલ અને ડીઝલ જેવાં ઈંધણોના ભાવ નહીં વધવા દેવાય, જે ધરપતની વાત છે.
ગુજરાતના સિરામિક ઉદ્યોગથી લઈને મહાનગરોમાં
હૉટેલ અને રેસ્ટોરાં જેવાં ક્ષેત્રો પર અસર થવાનું શરૂ થઈ ગયું છે. ઉપલબ્ધ હશે તો ઉદ્યોગોને
ગૅસ મળશે એવી જાહેરાતથી પણ ગભરાટ ફેલાવા માંડ્યો છે. જોકે, આવશ્યક અને બિન-આવશ્યક સેવા
કઈ એ વિશે સરકારે સંતુલિત અભિગમ લેવો પડશે. ઘરગથ્થુ ઉપયોગ ગૅસ વિતરણ બાબતે પ્રાથમિકતા
હોય એ સર્વથા યોગ્ય જ છે, પણ મુંબઈ તથા અન્ય મહાનગરોમાં કર્મચારીઓને ફરજિયાતપણે બહાર
જમવું પડે છે, આથી અહીં ઈટિંગ આઉટ લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે. અનેક વ્યવસાયો એવા
છે, જેના માટે લોકોએ વહેલી સવારે ઘરેથી નીકળવું પડે છે અને તેમના માટે કૅન્ટીન જ ભોજનનો
એકમાત્ર વિકલ્પ અને સહારો હોય છે. તો, ટ્રક-ટૅક્સી-રિક્ષાચાલકો માટે પણ બહાર જમવું
અનિવાર્ય હોય છે. આથી આ લોકોનો વિચાર પણ કરવો રહ્યો. પરિસ્થિતિ ચિંતાજનક છે, પણ ચિંતા
કરતાં ચિંતન કરી માર્ગ શોધવાની જરૂર છે. ગભરાટ ન ફેલાય અને બિનજરૂરી સંગ્રહખોરી ન થાય
એ જોવાની ફરજ સરકારની સાથે નાગરિકોની પણ છે. અર્થતંત્ર પર યુદ્ધની ત્રેવડી અસર થઈ રહી
છે ત્યારે આ પડકારભર્યા સમયમાંથી સમજદારીપૂર્વક માર્ગ કાઢવાથી અનેક ગંભીર પરિણામોથી
બચી શકાય એમ છે.