• શુક્રવાર, 08 મે, 2026

કૉંગ્રેસે ડીએમકેના મૈત્રી સંબંધ કેમ તોડયા?

પાંચ વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ ગયાં પછી મુખ્ય પ્રધાનપદ માટે ખેંચતાણ ચાલી રહી છે. મુખ્યત્વે કેરળમાં સૌથી વધુ ‘લૉબિંગથઈ રહ્યું છે. તામિલનાડુમાં જોસેફ વિજય ચન્દ્રશેખર મુખ્ય પ્રધાન પદના એકમાત્ર દાવેદાર છે તો બહુમતી ઊભી કરવાની મથામણ ચાલી રહી છે. આ બે રાજ્યોની સરખામણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં ભાજપમાં કોઈ સમસ્યા નથી. આસામ અને પુડ્ડુચેરીમાં મુખ્ય પ્રધાનો બદલવાની જરૂર નથી અને બંગાળમાં અટકળો ઘણી મુકાઈ રહી છે પણ મમતા બેનરજીને બબ્બે વખત - એમના ‘ઘરમાં જઈને હરાવનારા જાયન્ટકિલર સુવેન્દુ અધિકારીનું નામ સૌથી વધુ શક્યતામાં છે. મુખ્ય પ્રધાનના શપથવિધિમાં વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે. આ દરમિયાન મમતાદીદી અવરોધ ઊભા કરવાના પ્રયાસ કરશે પણ નિરાશ થશે.

તામિલનાડુમાં વિજય એકમાત્ર ઉમેદવાર છે પણ રાજ્યપાલે બહુમતીની ખાતરી કરવા આંકડા માગ્યા છે. વિજય પાસે 108 સભ્યો છે અને ગૃહમાં બહુમતી પુરવાર કરવા માટે 118 સભ્યો જરૂરી છે. કૉંગ્રેસના પાંચ સભ્યોનો ટેકો તો મળ્યો છે પણ હજુ પાંચ વધુ સભ્યોનો ટેકો જોઈએ. વિજય પોતે બે બેઠક પર લડÎા અને જીત્યા છે, આથી એક ખાલી કરવાની થાય છે. આમ, ખૂટતી બેઠકોનો આંકડો ભલે નાનો હોય પણ ત્યાં સુધી પહોંચવામાં સંઘર્ષ છે, આશ્ચર્ય છે કે, આસાનીથી મળતા નથી. ચાર ડાબેરી સભ્યોના પત્ર મળ્યા છે તેથી એક માટે પણ રાહ જોવાય છે. આખરે વિજયની બહુમતી થશે અને રાજ્યપાલ શપથવિધિ કરાવીને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા મુદત આપશે.

વિધાનસભામાં બહુમતી પુરવાર થયા પછી સરકાર ચલાવવી અને રાજકીય સ્થિરતા બતાવવામાં કસોટી હશે. ખાતાઓની વહેંચણીમાં પણ નાના પક્ષોની માગણી મોટી હશે.

કૉંગ્રેસે તામિલનાડુમાં ઝડપથી ટેકો જાહેર કરી દીધો તેનાથી ઘણાને આશ્ચર્ય થયું છે પણ વ્યૂહ સચોટ છે. છેલ્લાં પચાસ વર્ષથી દ્રવિડ પક્ષ - ડીએમકે સાથે મૈત્રી સંબંધ હતા તે પલકવારમાં કેવી રીતે તૂટી ગયા? રાહુલ ગાંધીના ઇન્ડિ મોરચામાં ડીએમકે મજબૂત સ્તંભ જેવા હતા તો પણ તલાક થયા! વાસ્તવમાં કૉંગ્રેસની નજર તામિલનાડુમાં ભાવિ ચૂંટણી ઉપર છે. હવે ડીએમકેના નામના ડંકા વાગતા નથી, સિક્કા - કે વોટ પડતા નથી. એવું જોઈ લીધા પછી વધુ વિચારવાની જરૂર રહી નથી. વિજયની બોલબાલા સાંભળી હોત નહીં તો કદાચ ડીએમકેનો સાથ છોડવાની નોબત આવત નહીં. હવે લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ વધુ બેઠકો માગીને જીતવા માગે છે. કૉંગ્રેસ - રાહુલ ગાંધીને માત્ર લોકસભામાં સંખ્યા વધારવામાં રસ છે. જોકે, વિજય સાથે કેટલી બેઠકો અને કેવો જશ મળે છે તે જોવાનું છે.

વિજય મળ્યા પછી નવી સરકાર કેટલી ટકી શકશે તે જોવાનું છે. પૂર્વ મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને તો કહ્યું છે કે છ મહિના સુધી કોઈ ગરબડ નહીં થાય. આ મુદતનો અર્થ એટલો જ છે કે વિજયનો ઉન્માદ અને હવા સમય જતાં ઓસરવા લાગે તેની રાહ જોવાશે.

ચૂંટણી પહેલાં વિજયે કહ્યું હતું કે ડીએમકે સાથે અમારી રાજકીય દુશ્મની છે અને એઆઇડીએમકે સાથે વૈચારિક મતભેદ છે ત્યારે જોસેફ વિજયના મનમાં ભાજપનું હિન્દુત્વ હશે. પરિણામ આવ્યાં પછી એઆઇડીએમકે પ્રથમ પક્ષ હતો - બિનશરતી ટેકો જાહેર કર્યો પણ વિજય નક્કી કરી શકયા નહીં તેથી અૉફર પાછી ખેંચાઈ છે પણ ભવિષ્યમાં સંજોગ અને સંબંધ બદલાઈ શકે છે.

આ દરમિયાન બંને દ્રવિડ પક્ષો એકસાથે મળીને સરકાર બનાવે એવી અફવા શરૂ થઈ પણ ડીએમકેનો રદિયો આવ્યો. ડીએમકેના 59 અને એઆઇડીએમકેના 47નો સરવાળો થાય તો પણ બહુમતી થાય નહીં - અને પરચૂરણ સાથે સમજૂતી કરવી જ પડે!

આમ જબરજસ્ત મતદાન અને પરિણામ પછી પણ ત્રિશંકુ જેવી હાલત છે!

કેરળમાં મુખ્ય પ્રધાન પદ માટે ત્રણ દાવેદાર છે! કેન્દ્રીય નિરીક્ષકો ગયા છે અને જાહેરમાં વિધાનસભ્યોના મત લેવાને બદલે બંધબારણે એક પછી એકને બોલાવાશે. આ પછી પણ ઠરાવ પસાર કરીને કૉંગ્રેસ પ્રમુખ - હાઈ કમાન્ડને વિનંતી થશે કે મુખ્ય પ્રધાન તમે જ નક્કી કરો! કૉંગ્રેસની આ જૂની રસમ છે.

જોકે, ભૂતકાળમાં કૉંગ્રેસ મોવડીમંડળે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનુક્રમે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટ જેવા યુવા નેતાઓને મુખ્ય પ્રધાન પદની કમાન સોંપવાને બદલે જૂના જોગી જેવા કમલનાથ અને અશોક ગહેલોતને ધુરા સોંપી એનાં પરિણામ સૌની સામે છે. બંને રાજ્યોમાંથી કૉંગ્રેસનો ‘હાથનીકળી ગયો છે. હવે, કેરળમાં મુખ્ય પ્રધાન પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે રસાકસી છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય સચિવ કે. સી. વેણુગોપાલન, કેરળ વિધાનસભાના વિરોધ પક્ષ નેતા વી. ડી. સતીશન અને રાજ્ય એકમના ભૂતપૂર્વ વડા રમેશ ચેન્નીથલા. પહેલા બે નેતા કરતાં ચેન્નીથલા સૌથી વરિષ્ઠ છે, પણ સતીશન આ બધામાં સૌથી પ્રબળ અને સમર્થ દાવેદાર છે અને ત્રણેયમાં ઓછી વયના છે. છેલ્લાં પાંચ વર્ષમાં અને ચૂંટણી દરમિયાન પણ સતીશને પિનારાઈ વિજયનને સીધો પડકાર આપતા જોવા મળ્યા હતા. તેમની આક્રમક શૈલી યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારી સાબિત થઈ છે. તો, સિનિયર મોસ્ટ ચેન્નીથલામાં યુડીએફના સાથી પક્ષોને વિશ્વાસ છે તથા ગઠબંધન સરકારમાં સમન્વય સૌથી મહત્ત્વનું પાસું હોવાથી તેમના પક્ષમાં પલડું નમે છે. વળી, આ ચૂંટણીની પ્રચાર સમિતિના તેઓ વડા હતા અને મુખ્ય પ્રધાન બનવાનો આ તેમનો કદાચ છેલ્લો મોકો છે. જોકે, 70 વર્ષની વય તેમને આ તક અપાવવામાં અવરોધક નીવડી શકે છે. તો, કે. સી. વેણુગોપાલન રાહુલ ગાંધીના નિકટવર્તી ગણાય છે અને કેરળ વિધાનસભા ચૂંટણીમાં પક્ષના આંતરકલહને તેમણે કુનેહપૂર્વક હાથ ધરી પક્ષને એક રાખવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. હાલ, તેઓ લોકસભાના સાંસદ છે. તો, આ ત્રણેય નેતાઓએ શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધું છે. અહીં, કૉંગ્રેસ હાઈ કમાન્ડે સાચવીને આગળ વધવાનું છે, કેમ કે આંતરિક અસંતોષને કારણે બે સરકારો તેમના હાથમાંથી ગઈ છે. કેરળનો માંડ હાથ આવેલો ગઢ ગુમાવવો ન પડે એ માટે અત્યારે જ સાવચેતી રાખવી રહી.