• સોમવાર, 01 જૂન, 2026

મંદિરોમાં વીઆઇપી દર્શન અને પ્રદર્શન

ઈશ્વર સામે સૌ એકસમાન છે, એવી ટિપ્પણી મદ્રાસ હાઈ કોર્ટે તામિલનાડુમાંનાં મંદિરોમાં વીઆઇપી દર્શન તથા સ્પેશિયલ દર્શન બંધ કરવા માટેની અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. લગભગ દરેક રાજ્યોનાં મોટાં અને મહિમા ધરાવતાં મંદિરોમાં વીઆઇપી અને સ્પેશિયલ દર્શનની બદી એકસરખા પ્રમાણમા પેસી ગઈ છે. એમાંય કોઈ વીઆઇપી કે વીવીઆઇપી દર્શન માટે આવવાના હોય ત્યારે તો દર્શનાર્થીઓએ રીતસરની હાલાકી સહન કરવાની આવે છે. મંદિરમાં ઈશ્વર જ વીઆઇપી ગણાય અને તેમના દર્શનાર્થે આવનારને નાણાં કે પોતાના પદના જોરે વીઆઇપીનો દરજ્જો મળતો હોય એ કેટલું યોગ્ય ગણાય? 

મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી કરનાર પી. ચોખાલિંગમ્ વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર તામિલનાડુ એકમના વર્તમાન વડા છે અને તેમણે રજૂઆત કરી છે કે - બ્રૅક દર્શન, સ્પેશિયલ દર્શન અને વીઆઇપી દર્શનની પદ્ધતિને કારણે પવિત્ર સ્થળોએ ઊડીને આંખે વળગે એવા આર્થિક ભેદભાવ સર્જાય છે. સામાન્ય માણસને દર્શન માટે કલાકો રાહ જોવી પડે છે અને જેમની પાસે નાણાં કે રાજકીય પહોંચ છે તેમને તરત દર્શન થઈ જાય છે. અરજીકર્તાએ દલીલ કરી છે કે, સનાતન ધર્મના પાયામાં જાતિ કે ભૌતિક સંપત્તિના આધારે ભેદભાવ નથી અને ન તો કોઈ ધર્મગ્રંથમાં નાણાં ચૂકવી દર્શન કરવાની સુવિધાનો ઉલ્લેખ છે, સરકારી ખાતાં દ્વારા કરાયેલી આ નવી પહેલ છે, જેનો આશય ભક્તોની ધાર્મિક વૃત્તિનું શોષણ કરવાનો માત્ર છે. આ દલીલના જવાબમાં તામિલનાડુના વધારાના ઍડવોકેટ જનરલ પીવી સુબ્રમણ્યમે જવાબ નોંધાવ્યો છે કે, દર્શન માટે નાણાં ચૂકવવા ફરજિયાત નથી અને વસૂલવામાં આવતી ફી લોકોની ગરદીના નિયમન માટે છે. તેમણે વધારાની એફિડેવિટ નોંધાવવા માટે વધુ સમયની માગ કરી છે, જે માન્ય રાખતા અદાલતે સુનાવણી છ અઠવાડિયાં માટે મોકૂફ રાખી છે.  

પેઈડ દર્શન કરતાં વીઆઇપીના આગમનને કારણે દર્શનાર્થીઓને વધુ અગવડ પડતી હોય છે, આ બાબતની નોંધ લેતાં મદ્રાસ હાઈ કોર્ટના જસ્ટિસ જી. આર. સ્વામીનાથને ટિપ્પણી કરી હતી કે, પ્રધાનો તથા વિધાનસભ્યોએ એવું માની ન લેવું જોઈએ કે તેઓ ગમે તે સમયે મંદિરમાં પ્રવેશ કરી શકે છે અને ભગવાન તેમની રાહ જોઈ રહ્યા છે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, નવાં પરણેલાં દંપતીઓ અને નાનાં બાળકો હોય એવા લોકો માટે દર્શનની લાઈનમાં અપવાદ કરી શકાય પણ માત્ર સરકારી  હોદ્દા કે પામતા પહોંચતા લોકોને મળતી સુવિધા અને વીઆઇપી ટ્રીટમેન્ટ બંધ થાય એવી માગ લાંબા સમયથી થઈ રહી છે, પણ ટેક્નૉલૉજીના આધુનિકીકરણ સાથે મંદિરોમાં આ પેઈડ ઝડપી દર્શનોના પણ જાણે કે રેટ લિસ્ટ બની ગયા છે. મંદિરોની આસપાસ હાલ વાતાવરણ એવું થતું જાય છે કે, ખરા આસ્થાળુઓનું મન કચવાયા વિના રહે નહીં. મંદિરોમાં વીઆઇપી કલ્ચર પર નિયંત્રણની હાલ તાતી જરૂર છે.