બદલાતા સમયની અનિવાર્યતા બની રહેલા ઈલેક્ટ્રોનિક વેહિકલ (ઈવી)ના ઉપયોગ માટેની પ્રોત્સાહક નીતિનો દિલ્હીની રાજ્ય સરકારે જુલાઈની પહેલી તારીખથી અમલ કરી દીધો છે. જે જોગવાઈ સરકારે કરી છે તે મૂળ સ્વરૂપે, પૂર્ણ રીતે ફળીભૂત થાય તો આ નવા પરિમાણ અને તેના ઉદ્યોગ બન્નેને લાભ થવાની સંભાવના છે. દિલ્હી સરકાર પહેલાં પણ વિવિધ રાજ્ય સરકારોએ આવી પહેલ કરી છે, પણ આમાંથી કેટલીક આગળ વધી નથી. જોકે, ભારત નહીં, આખી દુનિયામાં ઈંધણની જરૂર વધી રહી છે, વાહન વધી રહ્યાં છે. ઊર્જાના બિનપરંપરાગત સ્રોતોનો વિકલ્પ નથી.
બૅટરી સંચાલિત
વાહનો તરફ ભારતવાસીઓનો ઝુકાવ કે પસંદગી હજી પૂરતાં નથી. દેશમાં જે રીતે ઈંધણની માગ
અને વાહનની સંખ્યા વધી રહી છે તે જોતાં યુદ્ધ ન હોય તો પણ પેટ્રોલ-ડીઝલ કે સીએનજી જેવા
સ્રોતો મોંઘા રહી શકે. ઈવી અૉટોમોબાઈલ ક્ષેત્રનું આધુનિક બળૂકું માધ્યમ છે. દેશની માતબર
અૉટો કંપનીઓ હવે ઈવીનું નિર્માણ કરે છે. પેટ્રોલ, ડીઝલ, ગૅસની સાથે મોટરકારમાં પણ આ
પ્રકાર ઉમેરાયો છે. દ્વિચક્રી વાહનોમાં તો જૂની કંપનીઓએ પુન: પ્રવેશ કર્યો છે. પરંપરાગત
વાહનોની સરખામણીમાં હજી આ પ્રમાણ ઓછું છે. જાગૃતિ ઓછી છે તેવું આકલન સંપૂર્ણ સાચું
નથી, હજી લોકોને આ નવી ટેક્નૉલૉજી ઉપર વિશ્વાસ નથી, વાહનો ચાર્જ કરવા માટેની માળખાકીય
સુવિધા નથી, તેવાં અનેક કારણ આ સ્થિતિ પાછળ છે.
દિલ્હી સરકારે
નક્કી કર્યું છે કે, ચાર વર્ષમાં રૂા. 7000 કરોડ રૂપિયાનો ખર્ચ ઈવીને પ્રોત્સાહન આપવા
પાછળ કરશે. આ પ્રકારનાં વાહનો ખરીદનારને સબસિડી આપવા માટે રૂા. 1500 કરોડ અને જૂનાં
વાહનો ક્રેપિંગ ઉપર રૂા. 1500 કરોડની ફાળવણી થશે. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા
માટે રૂા. 1000 કરોડનો ખર્ચ થશે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ આ યોજનાને દિલ્હીને પ્રદૂષણ
રહિત કરવાના મક્કમ પગલાં તરીકે ગણાવી છે. પ્રદૂષણ દિલ્હીની જૂની સમસ્યા છે. અગાઉની
સરકારે ઓડ-ઈવન કાર નંબરનો નિયમ અમલી બનાવ્યો હતો એટલે કે એકી નંબરનાં વાહનો જે દિવસે
રસ્તા ઉપર આવે તે દિવસે બેકી નંબરનાં વાહનો નહીં. છતાં સમસ્યાનો કોઈ હલ આવ્યો નહોતો.
વાહનોની સંખ્યા
નહીં, પ્રકાર બદલાવવો જ જરૂરી છે, જે હવે થઈ રહ્યું છે. દિલ્હી રાજ્ય સરકારે આ પગલું
લીધું છે. સમસ્યા તો દેશવ્યાપી છે. અન્ય સરકારો પણ આ પગલે ચાલે તો પ્રદૂષણ નિયંત્રણમાં
સગવડ રહે અને ઈંધણનો ઉપયોગ પણ ઘટી શકે. દિલ્હીમાં ઈવીની ગતિ વધી છે. અન્ય રાજ્યોમાં
પણ વધે તે આવશ્યક છે, સાથે જ માળખું વિકસે તે તો અનિવાર્ય છે.