• શનિવાર, 11 જુલાઈ, 2026

ઈરાન, ટ્રમ્પને જંપ નથી

17મી જૂને યુદ્ધવિરામની ઘોષણા થઈ ત્યારે જ સૌના મનમાં પ્રશ્ન હતો કે આ કેટલું ચાલશે? અમેરિકા-ઈરાનની વચ્ચે ચાલતા ઘર્ષણ-યુદ્ધમાં એવું અનેકવાર બન્યું કે સવારની વાત સાંજે બદલાઈ જાય એટલે જ્યારે જ્યારે બન્ને તરફથી શાંતિની વાત આવી ત્યારે વિશ્વને વિશ્વાસ બેસતો નહોતો. આખરે એ જ થયું જેની શક્યતા હતી. ફરી યુદ્ધ ભડકી ઊઠયું છે. હજી તો ખામેનેઈના અંતિમ સંસ્કાર થયા નથી, દુનિયા માટે તો નહીં, પરંતુ ઈરાન માટે યુદ્ધનું અત્યંત માઠું કહેવાય તેવું પરિણામ તેણે પોતે જોઈ લીધું છતાં તેને સત્ય સમજાયું નથી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આંતરબાહ્ય વિરોધ છતાં લીધી વાત મૂકતા નથી.

અલબત્ત, આ યુદ્ધ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે, બહાર બેઠાં બેઠાં તેની આમ ચર્ચા કર્યે રાખવાનો કોઈ બીજો અર્થ નથી, પરંતુ એટલું તો ચોક્કસ કે આ સ્થિતિનો હવે કાયમી નીવેડો આવવો જોઈએ. 28મી ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન ઉપર સંયુક્ત હુમલા કર્યા, યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. ભારત સહિત વિશ્વના અન્ય દેશોના અર્થતંત્ર ઉપર માઠી અસર પડી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા, જે હજી ઓછા થયા નથી. આજે ફરી અચાનક યુદ્ધ શરૂ થયું છે. આ વખતે જોકે વાંકમાં ઈરાન છે. યુદ્ધવિરામનો 60 દિવસનો ગાળો ચાલુ છે ત્યાં જ હોર્મુઝમાંથી પસાર થતાં ત્રણ જહાજ ઉપર ઈરાને હુમલો કર્યો છે. 

ઈરાનનાં 80 સ્થળોએ વળતો પ્રહાર કરતાં અમેરિકાએ કહ્યું કે હવે કોઈ કરાર નહીં થાય. સ્થિતિ વણસી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આતંકવાદને પોષનારું રાષ્ટ્ર કહ્યું છે. ઈરાન કંઈ સાધુચરિત દેશ નથી, હુતિ, હમાસ અને હિઝબુલ્લા ઈરાન પ્રેરિત ઘાતક સંગઠનો જ છે. રેડ સીમાંથી પસાર થતાં જહાજો ઉપર હુમલા કરીને હુતિ અમેરિકા માટે મુશ્કેલી ઊભી કરે છે. લેબેનોન સ્થિત હિઝબુલ્લા તો ઇઝરાયલ અને અમેરિકાના સૈન્ય સાથે સીધું ટક્કરમાં આવે છે. હમાસને પણ ઈરાનની હૂંફ અને હામ છે. અમેરિકાની લડાઈ ફક્ત આટલા કારણે જ છે કે તેની લડાઈ સત્તાની છે, આતંકને ખતમ કરવા જ અમેરિકા લડી રહ્યું હોય તો તેણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આખરે આટલો બધો રક્તપાત ન થાય. અત્યાર સુધીમાં 11.3 અબજ ડૉલરનો ખર્ચ અમેરિકાને આ યુદ્ધ માટે થઈ ગયો છે. ઈરાનને તોડવા માટે અમેરિકા કંઈ પણ કરે, કરી રહ્યું છે, પરંતુ તેની અસર દુનિયાના અન્ય દેશો ઉપર થઈ રહી છે. બુધવારે જ ભારતીય શૅરબજારે ટ્રમ્પના નિવેદન અને કાર્યવાહી માટે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ