• શનિવાર, 11 જુલાઈ, 2026

ડિજિટલ મીડિયા કંપની જવાબદારી ખંખેરે છે

પ્રત્યાયનના આધુનિક ક્ષેત્ર એવા સોશિયલ મીડિયા તરીકે ઓળખાતા મંચનું સંચાલન કરતી કંપનીઓ પોતાની જવાબદારી ખંખેરી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે અને તે પહેલીવાર નથી. વિવાદિત સામગ્રી ઉપર નજર રાખવાનું અમારા માટે શક્ય નથી તેમ કહીને તેઓ હાથ ખંખેરી રહી છે. બનાવટી, ભ્રમિત કરનારી અને વૈમનસ્ય ફેલાવનારી, ઉત્તેજક સામગ્રી-સમાચારો પ્રત્યે સભાન હોવાથી પોતાની જવાબદારી ખંખેરતી હોવાનું કંપનીઓનું વલણ યોગ્ય નથી. આવી કોશિશ તેમના તરફથી સતત થતી રહી છે. ડિજિટલ કંપનીના ઉત્તરદાયિત્વનો મુદ્દો ફક્ત દેશ-દેશની જનતાને કેટલીક બાબતોની ટેવ પાડવા પૂરતો મર્યાદિત નથી. બાળકો-કિશોરો એટલે કે દેશનું ભવિષ્ય કહી શકાય તે પેઢીનું માનસિક સ્વાસ્થ્યને પણ નકારાત્મક અસર પહોંચી રહી છે તે પણ અગત્યનું છે

કંપનીઓને જવાબદાર બનાવવા માટે દુનિયાભરના દેશોએ અલગઅલગ પગલાં ભરવાં પડી રહ્યાં છે. ક્યાંક બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ છે તો ક્યાંક કેટલીક સાઈટ્સ વાલીઓનાં નિયંત્રણમાં રહે છે. ડિજિટલ કંપનીઓ પોતાનો વ્યાપ વધારવા, લોકો સુધી પોતાની પહોંચ વધારીને પૈસા કમાવા અનેક તરકીબ અજમાવે છે. કિશોર વયે માધ્યમનો ઉપયોગ ઘટે તે માટે વિવિધ દેશની સરકાર પ્રયત્નશીલ છે. અશ્લીલ અને આપત્તિજનક સામગ્રી આપવામાં ડિજિટલ કંપનીઓને છોછ નથી.  

થોડા દિવસો પૂર્વે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મેટા કંપનીને યૌન શોષણને ઉત્તેજન આપતી તમામ જાહેરખબરો દૂર કરવા આદેશ કર્યો હતો તે પૂર્વે ટેલિગ્રામને પણ પાયરેટેડ ફિલ્મો અને ઓટીટી કન્ટેન્ટનો પ્રસાર રોકવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. નવી રિલીઝ થતી ફિલ્મ કે સ્ટ્રીમ થતી વેબસિરીઝ ગણતરીના કલાકો-દિવસોમાં ટેલિગ્રામ ઉપર જોવા મળે છે. લાખો લોકો સુધી તે તરત પહોંચી જાય છે. નીટની પરીક્ષાનું પેપર ક્યાંક ફરીથી લીક થઈ જાય તેવી દહેશતથી ટેલિગ્રામ ઉપર થોડા દિવસો પહેલાં પ્રતિબંધ મુકાયો હતો. બધું જાણે ઓછું હોય તેમ ચિંતાજનક વાસ્તવિકતા તો છે કે આતંકી સંગઠન, અપરાધી ટોળકીઓ પણ ડિજિટલ પ્લૅટફૉર્મનો ભરપૂર દુરુપયોગ કરે છે.  

કંપનીઓને જવાબદારીપૂર્વક વર્તવા, કામ કરવા માટે પ્રતિબદ્ધ કરવી પડશે. કાનૂનના દાયરામાં તેમને લાવવા પડશે. સામાજિક અને રાષ્ટ્રીય બાબત છે, નુકસાન એક દિવસ કે અમુક મહિનાનું નથી, દીર્ઘકાલીન છે તેનાથી બચવું રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ