ત્રણ દેશના વિદેશ પ્રવાસના બીજા ચરણમાં અૉસ્ટ્રેલિયા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય સંબંધોને એક નવી ઊંચાઈ આપી છે. વડા પ્રધાન એન્થની આલ્બનીઝે મોદી અને ભારતીય પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. શિખર મંત્રણા બાદ બન્ને વડા પ્રધાને સંરક્ષણ, વેપાર, ઊર્જા, અંતરિક્ષ વિજ્ઞાન, દુલર્ભ ખનિજ સહિતનાં ક્ષેત્રે સમજૂતીની ઘોષણા કરી. અૉસ્ટ્રેલિયાએ ભારત સાથે કરેલો યુરેનિયમ કરાર ચીન તથા વિશ્વને સ્પષ્ટ સંદેશ છે કે, ભારતનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ સાથે હોવાની બાબતમાં અૉસ્ટ્રેલિયાને પૂરો ભરોસો છે. દેખીતી રીતે મોદીની આ ડિપ્લોમસીથી ચીન ધૂંધવાયું હશે.
અહીં
એ નોંધનીય છે કે, અૉસ્ટ્રેલિયા-ભારત બન્ને ક્વાડના સભ્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિચિત્ર વલણ પછી ભારત ક્વાડના બીજા સભ્ય દેશો અૉસ્ટ્રેલિયા તથા જાપાન સાથે સીધા સંબંધ પ્રસ્થાપિત કરી રહ્યું છે.
મુખ્ય લક્ષ્ય હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ આધારિત વ્યવસ્થા મજબૂત કરવાનું છે. હજુ હાલમાં જ જાપાનનાં વડા પ્રધાન સાને તાકાઇચીએ ભારતની મુલાકાત લીધી હતી, જે દરમિયાન મહત્ત્વપૂર્ણ કરાર પણ થયા હતા. આ રીતે ભારત, તેના વિશ્વાસપાત્ર ભાગીદાર દેશો સાથે લાંબા ગાળાની રણનૈતિક, રાજકીય અને આર્થિક સહયોગને પ્રાથમિકતા આપી રહ્યું છે.
અૉસ્ટ્રલિયા
સાથે યુરેનિયમ સંધિ મહત્ત્વની છે. હકીકતમાં ભારતે યુરેનિયમનો શાંતિપૂર્ણ હેતુઓ માટે વ્યાવસાયિક પુરવઠો સુગમ બનાવવાના આશયથી અૉસ્ટ્રેલિયા સાથે નાગરિક પરમાણુ ઊર્જા કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારતના પરમાણુ ઊર્જા પરિયોજનાઓ માટે ઈંધણ ઉપલબ્ધ કરાવી શકાશે.
વાસ્તવિક
સ્થિતિ એ છે કે, ભારત અને અૉસ્ટ્રેલિયા બન્ને માટે દરિયાઈ સુરક્ષા સામે પડકાર બની રહેલી ચીનની ગતિવિધિઓ ચિંતાનો મુખ્ય વિષય છે. ચીન દક્ષિણ ચીન સાગરની સાથે સાથે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં એકાધિકાર જમાવવાની જે વ્યૂહરચના અપનાવી રહ્યું છે, તે આજે નહીં તો આવતીકાલે વૈશ્વિક સ્તરે એક મોટો માથાનો દુખાવો બનવાની છે. ભલે આજે કોઈ દેશ ચીન સાથે સીધા ટકરાવની સ્થિતિમાં ન હોય, પરંતુ એ સત્ય છે કે, એક દિવસ એવો ચોક્કસ આવશે જ્યારે `ક્વાડ'ના સભ્ય દેશો ચીનને એ સવાલ પૂછવા મજબૂર બનશે કે, તેની વિસ્તારવાદી નીતિને વિરામ આપનારી `લક્ષ્મણ રેખા' ક્યાં છે? ચીન ભલે ભારતનો કાયમી શત્રુ રહ્યું હોય, તેમ છતાં જો બન્ને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધો સંતુલિત રીતે આગળ વધે તો બન્ને દેશો તેની તરફેણમાં છે, ભારત ચીનની કુટિલતાને નજરઅંદાજ કરી દે તેવો તેનો અર્થ નથી.
ભારત
અને અૉસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો કોઈ આકસ્મિક કે કારણ વગરના નથી, પરંતુ તેમાં નવી દિલ્હીના ચીન અને અમેરિકા બન્ને સાથેના સંબંધોની સાપેક્ષતા ડોકાય છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારે પરમાણુ પરીક્ષણ કર્યું હતું, ત્યારે જે દેશોએ તેનો સૌથી વધુ વિરોધ કર્યો હતો તેમાં અૉસ્ટ્રેલિયા પણ સામેલ હતું, પરંતુ જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ભારત પ્રવાસ પૂર્વે જ ભારત વિરુદ્ધના પ્રતિબંધો હટાવી દીધા, તેના ગણતરીના સમયમાં જ અૉસ્ટ્રેલિયાએ પણ ભારત સામે લાદેલા તમામ પ્રતિબંધોનો અંત આણી દીધો હતો.