પાકિસ્તાન, તુર્કી અને સાઉદી અરેબિયાએ મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર પર કરેલી સહીથી એક પર હુમલો ત્રણેય પર હુમલા બરાબર ગણાશે. આ કરારને ઈસ્લામિક નાટોની દિશામાં પહેલું પગલું ગણાવવાનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે. નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી અૉર્ગેનાઈઝેશન (નાટો) કરાર જેવી ભાષાને જોગવાઈ ધરાવતા આ કરારને કારણે ભારત પર કોઈ અસર થશે કે કેમ એ ચર્ચા થઈ રહી છે એ યોગ્ય પણ છે. જોકે, અત્યારની પરિસ્થિતિમાં આ કરારને કારણે અનેક સવાલ પુછાઈ રહ્યા છે. ભારત પ્રત્યે નકારાત્મક વલણ ધરાવતા તુર્કીના રાષ્ટ્રપતિ એરડોગને આ કરારને વિશુદ્ધપણે સંરક્ષાત્મક ગણાવતાં કહ્યું છે કે આ કરાર કોઈ ચોક્કસ દેશ સામે નથી. ઈરાનનું પીઠબળ ધરાવતાં પ્રૉક્સી જૂથ હૂથીઓએ ગત માર્ચ મહિનાથી સાઉદીના મહત્ત્વના લક્ષ્યાંકો પર મિસાઈલ-ડ્રૉન હુમલા કર્યા છે અને હૉર્મુઝ ખાડીમાંથી પસાર થતાં આ આરબ રાષ્ટ્રનાં તેલ ટેન્કરો પર ઍટેક કર્યા છે. ઈરાનના વધતા હુમલાઓને જોતાં અન્ય રાષ્ટ્રો પણ આ ઈસ્લામિક નાટોમાં જોડાઈ શકે એવી શક્યતા છે. જોકે, ઈરાન જેવા ઈસ્લામિક રાષ્ટ્ર સામે તો આ રાષ્ટ્રોનું સંગઠન શસ્ત્ર ઉગામે નહીં. સાઉદી અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ છે, આથી અમેરિકાની સંરક્ષણ બાંયધરી પર અરબ રાષ્ટ્રોને બહુ વિશ્વાસ નથી. ખાડીના દેશો નજીકના ઈઝરાયલ પાસે પરમાણુ શસ્ત્ર છે અને ન્યુક્લીયર પાવર પાકિસ્તાનને પોતાની પડખે કરી સાઉદી ઈસ્લામી બિરાદરીની એકતાનું પત્તું ઉતર્યું હોય એ નકારી શકાય નહીં.
ગયા વર્ષે અૉપરેશન સિંદૂર પછી સાઉદીએ પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર કર્યા ત્યારે એક રાષ્ટ્ર પર હુમલો બન્ને પર હુમલો ગણાશે અને તેનો એવો જ જવાબ અપાશે, એવો તેનો સૂર હતો. હવે તેમાં તુર્કી ઉમેરાયું છે. તુર્કી હાલ દસ અબજ ડૉલરથી વધુના સંરક્ષણ ઉત્પાદનોનો નિકાસ કરનારો દેશ છે અને ત્યાં ડિફેન્સ સાધનોનું ઉત્પાદન કરતી ચારેક હજાર કંપનીઓ છે. અૉપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાને કરેલા હુમલામાં વપરાયેલા ડ્રૉન્સ ટર્કિશ બનાવટના હતા. આમ, તુર્કી શસ્ત્રાસ્ત્રો વેચવા માટે કરારમાં જોડાયું છે એવું અનુમાન લગાડી શકાય. બીજી તરફ, ભારત અને સાઉદી સંબંધો ઉષ્માભર્યા છે, એ એકમાત્ર રાહતની બાબત છે. જોકે, અત્યાર સુધી અમેરિકાની કદમબોસી કરનારાં આ ત્રણ રાષ્ટ્રો સાથે આવ્યાં છે એ ચિંતાનો વિષય ખરો. અમેરિકા ઈઝરાયલની છૂંછીઓને નજરઅંદાજ કરી રહ્યું છે, આથી આરબ રાષ્ટ્રોના રક્ષક તરીકેની તેની ભૂમિકા નબળી પડી છે. તો બીજી તરફ, પાકિસ્તાન આમ પણ કંઈકને કંઈક કારસ્તાન કરી ભારતને હેરાન કરતું રહે છે. વળી, પાકિસ્તાન ચીનનું બગલબચ્ચું છે અને પાકિસ્તાનના નબળા શાસકોને સાધી બાજિંગ, સાઉદી તથા અન્ય આરબ દેશોમાં અમેરિકાની સંરક્ષક તરીકેની ખાલી જગ્યા ભરી કાઢી શકે છે. આ બધી શક્યતાઓ જોતાં આ સમગ્ર પરિસ્થિતિ અને ચિત્ર ભારતની ચિંતા વધારનારું અને ચિંતન માટે ફરજ પાડનારું છે.