જંતર-મંતર પાસે બનેલી ઘટનાઓના થોડા સમય પછી તરત જ કોર્ટે કહ્યું હતું કે અરાજકતા ન ફેલાય તે રીતે આંદોલન કરવાનો કોઈપણ નાગરિકને અધિકાર છે. કોર્ટ ફરીથી વિદ્યાર્થીઓની વ્હારે આવી છે. બંધારણની કલમ 142ની અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને પ્રદર્શનકારી યુવા વિદ્યાર્થીઓ સામેની એફઆઇઆર કરવાની તૈયારી બનાવીને એક સંદેશ આપ્યો છે કે ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. આ આંદોલનમાં એક તરફ કારકિર્દી સામે પ્રશ્નાર્થ મુકાતાં ધૂંધવાયેલા વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ હતા, તેમનો રોષ અસ્થાને નહોતો.
લોકતંત્રનું સૌંદર્ય અને પોત કાયદાના શાસનથી સુરક્ષિત રહે, કાયદાનું શાસન ત્યારે જ જીવંત રહે જ્યારે નાગરિકોને પોતાની અપેક્ષા માટે માગણી કરવાની અને જો તે પૂર્ણ ન થાય તો આક્રોશ વ્યક્ત કરવાની મોકળાશ હોય. વિદ્યાર્થી આંદોલન પછી ભારતની રાજનીતિમાં વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આશ્ચર્ય થાય તેવા કેટલાંક તાત્કાલિક પરિવર્તન જોવા મળ્યાં, તેનું સાતત્ય અને આયુષ્ય કેટલું તે તો સમય કહેશે, પરંતુ યુવા વિદ્યાર્થીઓની નોંધ લેવાતી થઈ ગઈ. એનડીએની સરકારના શિક્ષાપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સહિતની ઘટનાઓ તો બની પરંતુ સોલિસિટર જનરલે પણ સ્વીકાર્યું કે જેમનો ગુનાઈત ઇતિહાસ છે તેવાં તત્ત્વો પૂરતી જ સીમિત તપાસ રહેશે. વાત સ્પષ્ટ છે, ગુનેગારને સજા થવી જ જોઈએ, પરંતુ આંદોલન કરે તે દરેક ગુનેગાર એવું માનીને ચલાય નહીં. આંદોલન અધિકાર છે, અરાજકતા નાગરિકનો હક નથી. અદાલતનો દૃષ્ટિકોણ આવકાર્ય છે, આંદોલનના નામે કંઈ પણ કરવાની ગુનેગારને છૂટ ન હોય અને એફઆઇઆરના ડર નીચે વિદ્યાર્થીના ભાવિને કચડી નખાય નહીં. આંદોલન દરમિયાન લાઠીચાર્જ, પેલેટગન સહિતના મુદ્દા ચર્ચામાં રહ્યા હતા. સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓ પગલાં ભરી શકે કે નહીં તેવો પણ પ્રશ્ન હતો. આંદોલનકર્તાઓ તરફથી ભાષા વિવેક ન ચુકાવવો જોઈએ તો સામે પ્રશાસને પણ પગલાં લેવામાં સમતા રાખવી જરૂરી છે. હવે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય થયો છે તે સ્પષ્ટ સંકેત છે કે ભીડ નિયંત્રણ માટે દેશમાં કોઈ સંહિતા નથી.