રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળીને `વોટચોરી'ની ફરિયાદ સાથે આવેદનપત્ર આપી રહ્યું હતું ત્યારે બંગાળ અને તામિલનાડુ વિધાનસભાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામ આવી રહ્યાં હતાં. બન્ને રાજ્યોમાં શાસક પક્ષે બેઠકો જીતી છે. તામિલનાડુનાં પરિણામમાં આશ્ચર્ય નથી, જ્યારે બંગાળમાં - મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીને જે બહુમતી મળી છે તે જોતાં વોટચોરીની ફરિયાદનો છેદ ઊડી જાય છે! મમતા બેનરજી માટે આ પરિણામ દાઝ્યા ઉપર ડામ જેવાં છે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય દૃષ્ટિએ મહત્ત્વના નંદીગ્રામ વિધાનસભાની પેટા ચૂંટણી મમતા બેનરજી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતી, પણ અહીં ભાજપની ઉમેદવાર હસીરાણી રથે કૉંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને 1,22,753 મતોથી સજ્જડ પરાજય આપ્યો. મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીના પર્સનલ સહાયક ચંદ્રનાથ રથનાં માતા હસીરાણીનો વિજય એ દૃષ્ટિએ પણ મહત્ત્વનો કે કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 41,674 મતો જ મળ્યા અને ડાબેરીઓ, આઈએએસએફ તથા ડેમોક્રેટિક તૃણમૂલ કૉંગ્રેસ તથા અન્ય તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તાર રેજીનગરમાં પણ ભાજપના શંકરરાવ સરકારની જીત થઈ હતી. આમ જનતા ઉન્નયન પાર્ટીના પ્રમુખ હુમાયુ કબીર હજી પાંચ મહિના પહેલાં જ આ બેઠક પરથી 59 હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતા, પણ પેટા ચૂંટણીમાં તેમના પુત્ર ગુલામ નબી આઝાદ 75,816 મતોથી હારનો સામનો કર્યો. હુમાયુ રેજીનગર ઉપરાંત નૌદાથી જીત્યા હતા આથી તેમણે રેજીનગરની બેઠક ખાલી કરી હતી. અહીં પણ ભાજપના ઉમેદવારને એક લાખથી વધુ મતો મળ્યા હતા. આ સાથે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપની બેઠકોનો આંકડો 209 થયો છે. કૉંગ્રેસ તથા અન્ય વિરોધી પક્ષોએ હાર પછી ચૂંટણી પ્રચારમાં અડચણ અને મતદાનમાં ગેરરીતિના આક્ષેપો કર્યા છે.
આસામના નાગાવ લોકસભા મતદાર સંઘમાં ભાજપનો સાત વર્ષ બાદ વિજય થયો એઆઈયુડીએફના પ્રમુખ અને આસામમાં મોટું માથું ગણાતા બદરુદ્દીન અજમલનો 1.42 લાખ મતોથી પરાજય હેમંતા બિસ્વા સર્મા માટે વ્યક્તિગત સ્તરે મોટી જીત ગણાય. મુસ્લિમો ભાજપની તરફેણમાં મતદાન નથી કરતા એ વાતનો છેદ બંગાળ અને આસામની આ જીતોથી ઊડયો છે. નાગાવમાં તો કૉંગ્રેસની ઉમેદવાર શિબોમની બોરાને 1.29 લાખ મતો મળ્યા હતા અને વિજેતા અને ભૂતપૂર્વ સરકારી અમલદાર દેબાશિષ શર્માની તરફેણમાં 7.14 લાખ વોટ પડયા હતા. લોકસભામાં આસામની 14 બેઠકમાંથી હવે 10 ભાજપ પાસે છે, બાકીની ચારમાંથી એક તો ભાજપના સાથી પક્ષ આસોમ ગણ પરિષદ પાસે છે, તો એક યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ અને બે પર કૉંગ્રેસ છે. આસામ કૉંગ્રેસના વડા ગૌરવ ગોગોઈએ આ પરાજય માટે ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉપાડયા છે. વાસ્તવિકતા એ છે કે, વિરોધી પક્ષોના મતો વહેંચાઈ જવાને કારણે તથા લઘુમતી બાહુલ્ય વિસ્તારોમાં મતદાનની બદલાયેલી પેટર્નને કારણે ભાજપને લાભ થયો છે. વધુ એકવાર વિપક્ષી એકતાનો દાવો પોકળ સાબિત થયો છે અને ભાજપ સામે એકજૂટ થઈ લડવાની તેમની નબળાઈ અને આપસના મતાંતરોને કારણે ચૂંટણી પરિણામ તેમની ધારણા મુજબનાં આવ્યાં નથી. ભાજપે ક્યાંક ગઢ સાચવવા ઉપરાંત વિરોધીઓના કિલ્લા ફતેહ કર્યા છે.