સરકારી તંત્ર આ આદેશની અમલ બજાવણીમાં મંદ હતું અને પોલીસ ખાતું પણ ઉલ્લંઘનો પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે
સરકાર કે અદાલત દ્વારા લાગુ કરાતા પ્રતિબંધ કોના માટે હોય છે? અને આ બંધીનું પાલન બરાબર થાય છે કે નહીં એ જોવાની જવાબદારી કોની? અને સૌથી મહત્ત્વનો સવાલ-આવા પ્રતિબંધોનું મહત્ત્વ કેટલું? હાલમાં જ જાહેર સ્થળોએ ફટાકડા ન ફોડવા પર આખું વર્ષ મૂકેલા પ્રતિબંધનું દશેરા-દુર્ગા વિસર્જન નિમિત્તે થયેલા છડેચોક ઉલ્લંઘનને લઈને મુંબઈ ઉચ્ચ અદાલતે દુ:ખ અને ચિંતા વ્યક્ત કરવા સાથે નોંધ્યું છે કે-સરકારી તંત્ર આ આદેશની અમલ બજાવણીમાં મંદ હતું અને પોલીસ ખાતું પણ ઉલ્લંઘનો પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. અહીં સવાલ એ પણ થાય કે, શું પ્રતિબંધનો આદેશ આપી દેવાથી કામ પતી જાય છે? એક રીતે આખું વર્ષ એક યા બીજી બાબત પર પ્રતિબંધનું ચલકચલાણું ચાલ્યા કરે છે. હાલમાં જ ગણેશોત્સવ પહેલાં જ પ્લાસ્ટર અૉફ પેરિસની મૂર્તિઓ પર પ્રતિબંધ મુદ્દે દર વર્ષની જેમ આ વખતે બહુ મોડું થઈ ગયું છે, મૂર્તિઓ બની ગઈ છે, આથી પ્રતિબંધ લાગુ નહીં થઈ શકે, એવો સીન ભજવાઈ ગયો. વળી, પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધના કેવા લીરા ઊડે છે અને પાછલે બારણે ઠાઠથી આ થેલીઓ ફરી બજારમાં ફરતી થઈ જાય છે, એ સર્વવિદિત છે.
પ્રતિબંધનો અર્થ જબરદસ્તી એવું ચિત્ર ઉપસ્યું છે અને કાં તો આ મોરચે હોતા હૈ, ચલતા હૈનો અભિગમ તંત્ર અને નાગરિકો બન્નેનો હોય છે. ફટાકડાનો સવાલ છે ત્યાં સુધી સમસ્યા એ પણ છે કે, અમારા જ તહેવારો વખતે અદાલતોને નિયમો-નિયંત્રણો-પ્રતિબંધો યાદ આવે છે, એવી એક બૂમ પડે છે અને જાણે કે બંધી તોડવી એ ધર્મનું કામ હોય એમ બધા જ મચી પડે છે. સરકારનો પણ આમાં મોટો હાથ છે, ફટાકડાના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોના પુનર્વસનનો મુદ્દો મોટો છે અને તેના વિના પ્રતિબંધ અસરકારક નહીં થાય. અહીં, સિંગાપોર, કોરિયા કે નેધરલૅન્ડ્સ જેવા દેશોની પદ્ધતિને યાદ કરવા જેવી છે, અહીં ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ બૅન છે અને ચોક્કસ દિવસો-તારીખોએ સરકાર જાહેરમાં આતશબાજીના કાર્યક્રમો યોજે છે અને લોકો ભેગા મળી તેનો આનંદ માણે છે. આ દિશામાં વિચાર થઈ શકે છે. લોક સહભાગ વિના બંધી અસરકારક પુરવાર ન થઈ શકે અને તેના માટે તબક્કાવાર પદ્ધતિસર અને તાર્કિક રીતે લોકોને તેનું મહત્ત્વ સમજાવવું જરૂરી છે. અદાલતનો આદેશ છે એટલે તેના પર અમલ બજાવણી કરવાનો દેખાડો કરીને તંત્ર છૂટી જાય છે. અદાલતો આદેશો આપશે, પણ સરકાર અને લોકો જ્યાં સુધી તેના વિશે ગંભીર નહીં થાય તો પ્રતિબંધો માત્ર કાગળ પર જ રહેવાના છે.