ટ્રેડ યુનિયનના દાવા અનુસાર આઠ લાખ લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા ઉપર ઊતર્યા છે
કોઈ ઘટનાનો વિરોધ, કોઈ મુદ્દા સામે ધરણા એક કે બે દિવસ ચાલે તો તેને આંદોલન કહી શકાય, પરંતુ તેની અવધિ લંબાય તો તે ક્રાંતિમાં પરિવર્તિત થઈ શકે. ફ્રાન્સમાં આંદોલનની આગ હવે ક્રાંતિના દાવાનળ તરફ આગળ વધી રહી છે. કોણ સાચું, કોણ ખોટું તે મુદ્દો પછીનો છે, પરંતુ લાંબા સમયથી યુવાનો અને પ્રશાસન- શાસન વચ્ચે ઘર્ષણ છે. કોઈ એક સમૂહ, કોઈ એક પક્ષ, એક સંગઠન જ્યારે લડાઈ માંડે ત્યારે તે વૈચારિક વિરોધ કે રાજકીય લડત હોઈ શકે, પરંતુ લાખો લોકો રસ્તા ઉપર આવે તે તો સત્તા સામેની સીધી નારાજગી જ કહી શકાય અને +એવું ફ્રાન્સમાં થઈ રહ્યું છે.
યુરોપના ઘણા દેશમાં આ સ્થિતિ છે, ફ્રાન્સ સૌથી વધારે જલદ ઘટનાનો સામનો કરી રહ્યો છે. ટ્રેડ યુનિયનના દાવા અનુસાર આઠ લાખ લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તા ઉપર ઊતર્યા છે. આગચંપીની ઘટનાઓ સતત બની રહી છે અને કારણ છે મોંઘવારી સામે પ્રજાનો પ્રચંડ વિરોધ. શાળાઓની ખરાબ સ્થિતિ, મોંઘવારી સામે રોષ છે. 1000 જેટલા લોકોની ધરપકડ પછી પણ સ્થિતિ દરરોજ વણસી રહી છે. પોલીસ સામે પણ ફટાકડાના ઘા થઈ રહ્યા છે. સરકાર દ્વારા આંદોલનકારીઓ અને આંદોલનનાં કારણોની સતત થયેલી ઉપેક્ષાનું આ પરિણામ છે. કોઈ સમસ્યાનો ઉકેલ લાંબા સમય સુધી ન આવે તો આ સ્થિતિ કોઈ પણ સ્થળે થઈ શકે. લોભામણી વાતો જનતા લાંબો સમય ચલાવી ન લે.
ભારતમાં યુવાનો આંદોલન કરી રહ્યા છે તેમાં આટલી આક્રમકતા નથી, દેશને, પ્રજાની મિલકતને અને સમાજની શાંતિને નુકસાન થાય તેવું આંદોલન હોવું પણ ન જોઈએ. આંદોલન-દેખાવો ઉપર નિયંત્રણની ચર્ચા થઈ રહી છે અને આ સુધારા તો 1950ના દાયકામાં થયા હતા તેવી પણ વાત છે. કાયદો સર્વોપરી છે અને તેનું માન જાળવવું જ જોઈએ. ભારતમાં થયેલા આંદોલનમાં સંયમ ગુમાવાયાની ઘટના તાજેતરમાં નથી બની તે સારી વાત છે. ફ્રાન્સમાં થયું તે અન્યત્ર પણ થાય તેવું ન હોય. યુવાનો આક્રમક અને વધારે ઉગ્ર બને તે પૂર્વે ફ્રાન્સની સરકારે તેમને સાંભળી લીધા હોત તો એફિલ ટાવરની આસપાસ આજે ધુમાડા ન દેખાયા હોત.
પેરિસ ઉપરાંત ફ્રાન્સના લિયોન, લીલ, મોન્ટપેલિયર પંથકમાં પણ દેખાવો થયા છે. પોલીસે ત્યાં પણ અશ્રુવાયુ છોડયા છે. આટલી હદે વ્યાપેલો રોષ સાવ રાજકીય કે ઉદ્દંડ લોકોનો હોવાની સંભાવના નથી. આ પ્રજાનો જ રોષ છે. ફ્રાન્સની સરકાર લોકોનો રોષ પારખવામાં થાપ ખાઈ ગઈ હોય તેવું કહી શકાય. આગ ઘણા દિવસોથી લાગી છે, ઓલવાતી નથી.