• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

મુંબઈ માટે મોદીની મુલાકાત ફળદાયી  

ભાજપ હોય કે એનડીએ, અમે રાજકીય સ્વાર્થ માટે વિકાસ અને રાજકારણની ભેળસેળ કરતા નથી, પોતાના રાજકીય વિરોધીઓને ટોણો મારતાં આ વિધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ મુલાકાત દરમિયાન કર્યું હતું. વિકાસનો તાલમેલ બેસાડવો હોય તો દિલ્હીથી, રાજ્ય અને મુંબઈ મહાપાલિકા સહિત બધી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા સુધી `ડબલ ઍન્જિન' સરકાર હોવી જોઈએ, એમ કહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપ-શિંદેસેના જૂથના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. 

મુંબઈ માટેના 38 હજાર કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન મોદીના હસ્તે સંપન્ન થયું. આ પ્રસંગે બીકેસી મેદાનમાં યોજાયેલી ભવ્ય સભામાં બોલતાં વડા પ્રધાને  કેન્દ્ર, રાજ્યમાં એક જ પક્ષની સરકાર જેટલી આવશ્યક છે એટલી જ તે મહાપાલિકામાં પણ આવશ્યક છે, એ વાત પર ભાર મૂક્યો હતો.

ગતિમાન વિકાસ માટે દિલ્હીથી મુંબઈ સુધી `ડબલ ઍન્જિન'ની સરકાર જોઈએ એવા મોદીના વક્તવ્ય પહેલાં જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દિલ્હી, મહારાષ્ટ્ર પછી હવે મુંબઈ મહાપાલિકા એમ `ટ્રિપલ ઍન્જિન' સરકાર લાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. મોદીના આશીર્વાદથી શરૂ થયેલા વિકાસના પ્રવાહમાં હવે મુંબઈ મહાપાલિકા પણ જોડાશે એમ કહી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તેમને સાથ આપ્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત મુંબઈગરા માટે નિશ્ચિત ફળદાયી ઠરશે. વિરોધીઓ ભલે તેમની આ મુલાકાતને રાજકીય હેતુથી પ્રેરિત ગણાવે, પણ આ મુલાકાતને પગલે મુંબઈગરાના ભાગે સારી એવી સકારાત્મક બાબતો આવશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી મુંબઈગરાઓને જે અગવડભર્યો પ્રવાસ કરવો પડી રહ્યો છે તે કેટલાક પ્રમાણમાં સુગમ બનશે તથા માળખાકીય સુવિધાઓમાં થનારો સુધારો તેમનાં જીવનને સારું બનાવશે.

બીજી તરફ પંચવર્ષીય યોજના પૂરી થશે ત્યાં સુધી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના હાથમાં સરકાર હશે એમ સ્પષ્ટ કરી મોદીએ `સરકાર પડશે' કે `ભાજપ દ્વારા સરકાર પાડવામાં આવશે' એવી ચર્ચા કરનારાઓને લગામ તાણી રાજકીય દૃષ્ટિએ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. મોદીની મુલાકાત પહેલાં શિંદે જૂથ અને ભાજપમાં વચ્ચે અંદરખાને અસંતોષના સમાચાર હતા, પણ હવે મોદીની મુલાકાત બાદ આ અફવાઓ પર પણ પૂર્ણવિરામ મુકાઈ જશે.

મુંબઈમાં આજે સૌથી ગંભીર સમસ્યા ટ્રાફિકની છે. ભીડ અને ટ્રાફિકજામ તથા તેના કારણે વેડફાતો સમય મુંબઈગરાની સૌથી મોટી સમસ્યા છે. બીજી તરફ લોકલ ટ્રેનની ક્ષમતા કરતાં ઉતારુઓની સંખ્યા અધિક હોવાને કારણે આ પ્રવાસ સુખદાયક નથી હોતો. આ સમસ્યાના ઉકેલ માટે મેટ્રો રેલવે ફેઝ 2-એ અને 7નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુંબઈગરા માટે આ આવકારદાયક બાબત છે. મોદીની મુલાકાતમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પુનર્વિકાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ યોજનાને લઈ હવે ઉતારુઓને રાહત મળશે.

ટ્રાફિકની સાથે રોજ મુંબઈગરાને જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે છે રસ્તા પરના ખાડા. મહાપાલિકા કામચલાઉ ધોરણે ખાડા પૂરી મલમપટ્ટી કરે છે, પણ દર વર્ષે ચોમાસામાં રસ્તા પરના ખાડા પાલિકાની નીંભરતાની ચાડી ખાવા સાથે કેટલાય નિર્દોષોના જીવ પણ લે છે. આ બાબત લક્ષમાં લઈ મુંબઈમાં લગભગ 397 કિલોમીટર લંબાઈના રસ્તાનું કૉંક્રિટીકરણના કામનું મોદીના હસ્તે ભૂમિપૂજન થયું છે.

કૉંક્રિટીકરણના રસ્તા 30-40 વર્ષ સારી સ્થિતિમાં રહેતા હોવાનો અનુભવ છે. વળી જાળવણી અને દુરસ્તી માટે થનારો ખર્ચ પણ બચશે. એટલું જ નહીં, રસ્તા પર ડામર લગાડવાના કામમાં થતો ભ્રષ્ટાચાર પણ અટકશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં કટાક્ષમાં કહ્યું કે રસ્તા કૉંક્રિટના થવાને લીધે ડામરના નામે કાળાધોળા કરનારની દુકાનો બંધ થઈ જશે.

આ ઉપરાંત, વરલી, બાંદરા, ધારાવી, મલાડ, ઘાટકોપર, ભાંડુપ વિસ્તારમાં ખરાબ પાણી પર પ્રક્રિયા કરનારી 17 હજાર કરોડની સાત યોજનાનું પણ મોદીના હસ્તે ભૂમિપૂજન થયું. લાંબા સમયથી રખડેલી આ યોજનાનું મુહૂર્ત મોડે મોડે પણ થયું એ સારી વાત છે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળનારા બાયો ગૅસનો ઉપયોગ વીજળીના નિર્માણ માટે થશે એ બાબત નોંધનીય છે.

આર્થિક દૃષ્ટિએ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર માટે ખાનગી હૉસ્પિટલોમાં થતો ખર્ચ પરવડે એમ નથી. સરકારી દવાખાનાઓની સંખ્યા ઓછી છે. આ બાબત લક્ષમાં લઈ 20 નવા `િહન્દુસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં તબીબી સેવા પૂર્ણપણે નિ:શુલ્ક હોવાથી ગરીબ તથા મધ્યમ વર્ગને રાહત થશે.

એકંદરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત ભાજપ અને શિંદે જૂથનો ઉત્સાહ વધારવા ઉપરાંત સામાન્ય મુંબઈગરા માટે વિકાસ કાર્યોનો બૂસ્ટર ડૉઝ આપનારી સાબિત થઈ છે. મહાપાલિકા ચૂંટણી લક્ષમાં લઈ ભાજપે શક્તિ પ્રદર્શન કરવામાં કોઈ કચાશ નથી રાખી. દક્ષિણ રાજ્યોમાં અભિનેતાઓનાં કટઆઉટ્સ મૂકવામાં આવે છે. એવા જ મોદીનાં ભવ્ય કટઆઉટ્સ મુંબઈમાં ઠેર ઠેર જોવા મળ્યાં. ટૂંકમાં, મુંબઈ મોદીમય કરવામાં ભાજપને સફળતા મળી છે. હવે જોવાનું એ રહ્યું કે આ મુલાકાતનો પાલિકા ચૂંટણીમાં કેવો ફાયદો થાય છે.