• મંગળવાર, 25 જૂન, 2024

સમતોલ પ્રધાનમંડળ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીના સૌથી મોટા 71 સભ્યોના પ્રધાનમંડળની સાથે સતત ત્રીજી વખત સત્તાનું સુકાન સંભાળ્યું છે. ચૂંટણીમાં એનડીએને મળેલા બહુમતની અસર પ્રધાનમંડળના ગઠનમાં સ્પષ્ટ જણાઇ આવે છે. પ્રધાનમંડળમાં વડા પ્રધાન સહિત 31 કેન્દ્રીય પ્રધાનો, સ્વતંત્ર અખત્યારવાળા પાંચ રાજ્ય કક્ષાના પ્રધાનો અને 36 રાજ્ય પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદીએ પોતાના પ્રધાનમંડળમાં યુવાનોના જોશ અને અનુભવની સમતુલા રાખવાનો પ્રયાસ કર્યો છે. 

રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારામન, એસ. જયશંકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન જેવાં મોટા નેતાઓ સામેલ છે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને પણ સરકારમાં સામેલ કરવામાં આવ્યા છે. નવી સરકારમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલની સાથે સહયોગી પક્ષોના એચ.ડી. કુમાર સ્વામી, રાજીવ રંજન ઉર્ફે લલનસિંહ, જીતનરામ માંઝી, રામમોહન નાયડુ અને ચિરાગ પાસવાન સામેલ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાછલી સરકારના 36 પ્રધાનો નવી સરકારમાં સમાવિષ્ટ નથી, તેમના સ્થાને 36 નવા પ્રધાનો લેવાયા છે. વડા પ્રધાને સામાજિક સમીકરણોનું  પણ બરાબર ધ્યાન રાખ્યું છે. નવા પ્રધાનોમાં ઓબીસી સમુદાયના સૌથી વધુ 27 પ્રધાનો છે, જ્યારે સવર્ણ સમુદાયથી 25, એસસી અને એસટીથી 14 અને લઘુમતીના પાંચ પ્રધાનો છે. દ્વારા `સબકા સાથ સબકા વિકાસ'નો સંદેશ આપવાનો પ્રયાસ થયો છે. કોઈ મુસ્લિમ ચહેરો નથી. વેળા 19 વરિષ્ઠ પ્રધાનો ખુરશી બચાવવામાં સફળ રહ્યા છે, જ્યારે ચૂંટણી જીતીને આવેલા ચાર પ્રધાનો બહાર થઈ ગયા છે. રાષ્ટ્રીય  જનતાંત્રિક ગઠબંધનની ત્રીજી સરકારમાં નિર્મલા સીતારામન અને અનુપ્રિયા પટેલ સહિત મહિલાઓને તક આપીને અરધી વસ્તીની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. મોદી સરકારમાં સૌથી સરપ્રાઈઝ એન્ટ્રી રવનીત સિંહ બિટ્ટુની છે. ચૂંટણી પહેલાં કૉંગ્રેસથી ભાજપમાં જોડાનારા બિઅંત સિંઘના પૌત્ર છે. હારવા છતાં તેમને પ્રધાન બનાવીને પક્ષે પંજાબમાં વગ પ્રસારવાનો પ્રયાસ કર્યો છે. આવી રીતે કેરળના ભાજપ પ્રદેશ પ્રમુખ જ્યોર્જ ચૂંટણી લડયા નહીં હોવા છતાં કેન્દ્રીય પ્રધાન મંડળમાં લેવાયા છે.

લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં ભાજપની કામગીરી અપેક્ષા અનુરૂપ નથી છતાં ભાજપે રાજ્યનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. મધ્યપ્રદેશના વીરેન્દ્ર કુમાર, રાજસ્થાનના ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુન રામ મેઘવાલ સહિત 43 એવા ચહેરા પ્રધાન બન્યા છે જે ત્રણ કે અધિક વેળા સાંસદ રહી ચૂક્યા છે.

રાજ્યવાર પ્રધાનોની સંખ્યા જોવા જઈએ તો સૌથી વધુ 11 પ્રધાનો ઉત્તર પ્રદેશના છે. બિહારના આઠ પ્રધાનો છે. અન્ય રાજ્યોમાં ગુજરાતના પાંચ, રાજસ્થાનના ચાર, હરિયાણાથી ત્રણ, ઓડિશાથી ત્રણ, આન્ધ્ર પ્રદેશથી ત્રણ, ઝારખંડથી બે, તેલંગણાથી બે, પશ્ચિમ બંગાળથી બે, કેરળથી  બે પ્રધાન છે. હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, અરુણાચલ પ્રદેશ, ગોવા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ અને છત્તીસગઢ અને દિલ્હીથી એક પ્રધાન બનાવવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં પણ વર્ષે ચૂંટણી થઈ શકે છે એવો સંકેત સરકાર દ્વારા અગાઉ આપવામાં આવ્યો હતો. હવે જમ્મુ કાશ્મીરના ભાજપના બે સાંસદોને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા છે. 2025ની  શરૂઆતમાં  દિલ્હી અને બિહારમાં ચૂંટણી થનાર છે, આને લઈ કેબિનેટમાં બિહારના આઠ તો દિલ્હીના બે નેતા છે. જદયૂ, ટીડીપી, જદ (એસ) એલજીપી (રામવિલાસ), શિંદે શિવસેના, અપના દળ, આરપીઆઈ, આજસૂ વગેરે બધા નાના મોટા ઘટક પક્ષોને એનડીએ પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. મોદીએ 3.0માં દક્ષિણી રાજ્યોને પણ સાધ્યાં છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ અને તામિલનાડુના પ્રતિનિધિત્ત્વનો સમાવેશ કર્યો છે.

લોકસભા ચૂંટણીમાં નિષ્ફળતાને લઈ કેન્દ્રીય પ્રધાન મંડળમાં રાષ્ટ્રવાદીના અજિત પવાર જૂથને કેબિનેટ દરજજાનું પ્રધાનપદ આપવાની માગણી ભાજપ દ્વારા નકારવામાં આવી છે અને સ્વતંત્ર અખત્યાર ધરાવતા રાજ્ય પ્રધાનપદ આપવાની તૈયારી દાખવી છે. પણ અજિત પવાર જૂથે કેબિનેટ પ્રધાનપદ માટે આગ્રહ રાખતાં છેવટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકારમાં પક્ષને સ્થાન નથી મળ્યું.

વેળા ભાજપ સરકાર ભાજપ સહિત એનડીએની છે, આમ છતાં, આશા રાખવામાં આવે છે કે વડા પ્રધાન તરીકે મોદી સૌને સાથે લઈને ચાલશે, અને વિકાસને આગળ લઈ જશે, આર્થિક સુધારના નવા અધ્યાય શરૂ કરશે અને અર્થતંત્રને નવું રૂપ આપશે. વડા પ્રધાન ગરીબી ઉન્મૂલન લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં કાર્ય કરતા રહેશે. સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સુધારાને ગતિ આપશે. ચૂંટણી ઘોષણાપત્રોની પરીક્ષા પણ આગલાં પાંચ વર્ષમાં થવાની છે ખાસ કરીને એનડીએમાં સામેલ પક્ષોના ઘોષણા પત્રોની. સહયોગી પક્ષો ઈચ્છે છે કે તેમણે જનતાને જે આશ્વાસન આપ્યાં હતાં મોદી સરકાર તેને લાગુ કરે. પોતાનાં આશ્વાસનો પૂર્ણ કરવા-કરાવવા સહયોગી પક્ષો દબાણ પણ લાવી શકે છે. મોદી માટે પડકાર હશે.

વડા પ્રધાન શપથગ્રહણ સમારોહમાં ભારતે પડોશી દેશોને આમંત્રિત કર્યા હતા, જેમાં નેપાળ, ભૂતાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સેશલ્સ, માલદીવના રાષ્ટ્ર પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મોદી 3.0 સરકારમાં પોતાના બધા પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મૂઈઝુની નીતિ ચીનપરસ્ત  રહી છે. તેઓ ભારતવિરોધી સૂત્રો સાથે સત્તામાં આવ્યા છે, આમ છતાં નરેન્દ્ર મોદીએ પોતાના શપથગ્રહણ રૂપમાં માલદીવને આમંત્રિત કર્યું, માલદીવે આનો સ્વીકાર પણ કર્યો અને રાષ્ટ્રપતિ મૂઈઝુ આવ્યા. માલદીવના ભારત પ્રતિ જેવા પણ વિચાર હોય. ભારતે ચીનને પણ સંદેશ આપ્યો છે કે મોદી સરકાર પોતાના પડોશી દેશોની સાથે ગાઢ દોસ્તી કાયમ રાખશે. પાકિસ્તાને જરૂર નિરાશ કર્યા, પાકિસ્તાનના વડા પ્રધાને વડા પ્રધાન મોદીને વધાઈ સુધ્ધાં નથી આપી. આશા છે મોદી 3.0 સરકાર સમાવેશી વિકાસ, આર્થિક સુધાર, રાષ્ટ્રીય સુધાર સહિત જન આકાંક્ષાઓ પર ખરી ઉતરશે.

ઇ-પેપરના નવા શુલ્ક