• શનિવાર, 25 માર્ચ, 2023

અમદાવાદના ઠગનો કાશ્મીરમાં ઝેડપ્લસ ઠાઠ  

વડા પ્રધાન કાર્યાલયના અધિકારીના સ્વાંગમાં પ્રશાસનને છેતર્યું; પાંચ મહિના તાગડધિન્ના બાદ  પકડાયો

નવી દિલ્હી, તા.17 : ગુજરાતનાં એક મહાઠગે વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)નાં ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા સહિતની સુવિધાઓ મેળવીને છાકો પાડી દીધો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. 

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં અમદાવાદનાં આ ભેજાબાજ ઠગ કિરણ પટેલે પ્રશાસન સમક્ષ પીએમઓનાં સ્વાંગમાં રોફ જમાવીને બુલેટપ્રુફ વાહનોમાં યાત્રા અને ફાઈવ સ્ટાર હોટેલોની સવલતો પણ ભોગવી હતી. તેની આ ઠગાઈનો ભાંડો 3 માર્ચે ફૂટયો હતો પણ આજ સુધી તેની ધરપકડ જાહેર કરવામાં આવી નહોતી. જમ્મુ-કાશ્મીરમાં આજે તેનાં રિમાન્ડ પૂરા થયા છે અને ગુજરાત એટીએસની ટીમ હવે તેને પરત લાવવા હવાઈ માર્ગે રવાના થઈ ગઈ છે. 

અમદાવાદનો આ બ્લફમાસ્ટર 3 માર્ચે ધરપકડ પછીથી રિમાન્ડમાં હતો અને ગઈકાલે તેનાં રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનાં આ છેતરપિંડી કાંડને જાહેર કરવામાં આવ્યું છે. આ ચોંકાવનારા કિસ્સાની આશ્ચર્યજનક વાત તો એ છે કે તેણે ગત વર્ષે ઓક્ટોબરમાં શરૂ કરેલી આ જાલસાજી આ વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલી હતી. આ દરમિયાન તેણે જમ્મુ-કાશ્મીરમાં વીવીઆઈપી સવલતોની મોજ કરવાં સાથે ઉચ્ચ અધિકારીઓની બેઠકો પણ કરી લીધી હતી. 

તે પકડાયો તેની પહેલાનાં બે અઠવાડિયામાં જ કાશ્મીરની બે વખત મુલાકાત લેવા દરમિયાન તે શંકાનાં ઘેરામાં આવી ગયો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એક આઈએએસ અધિકારીએ ગત માસે તેની આ ભેદી કાશ્મીર યાત્રાઓ વિશે પોલીસને જાણ કરી હતી. ગુપ્તચર એજન્સીઓ તરફથી પણ પોલીસને આવા એક લેભાગુ ઠગ વિશે સતર્ક કરવામાં આવી હતી. જેમાં કિરણ પટેલની કરમકુંડળી ફંફોસ્યા બાદ પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી અને તેને શ્રીનગરની જ એક હોટેલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. 

કાશ્મીરમાં સરકારી ખર્ચે તાગડધિન્ના

કિરણ પટેલ ઉર્ફે બંસીના મોબાઈલની કોલ ડિટેલ કઢાવવામાં આવે તો અનેક આઈપીએસ અધિકારીઓ, રાજકારણીઓ અને કેટલાક પત્રકારોના રેગ્યુલર સંપર્કમાં હોવાની વિગતો બહાર આવે તેમ છે. કિરણ પટેલ મોંઘીદાટ વૈભવી કાર લઈને ફરતો હતો અને તેણે પત્રકારો સાથે મળીને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેનું નામ મોદી ફાઈલ રાખવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઠગ કિરણને ગુજરાતમાં લાવ્યા બાદ તેની સામે દેશદ્રોહ જેવી કલમો લગાવીને કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કિરણ પટેલ ઓક્ટોબર 2022થી જ કાશ્મીરમાં તંબુ તાણીને બેઠો હતો અને કાશ્મીરમાં ચાર મહિનાથી સરકારી ખર્ચે તાગડધિન્ના કરતો હતો.  

પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો 

કિરણ પટેલ અમદાવાદનાં ઘોડાસર વિસ્તારમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં ભાડાના મકાનમાં રહે છે. તેની પત્ની વ્યવસાયે ડોક્ટર છે. આ ઠગે રાજ્યના 10થી15 આઈપીએસ અધિકારીઓ સાથે ઘરોબો કેળવ્યો હતો. જેનાં આધારે તેણે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે.