• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

અરજી નોંધાવવામાં તમારો શું રસ છે? ખર્ચ વસૂલ નથી કર્યો તેનો આભાર માનો  

રાષ્ટ્રપતિના હસ્તે સંસદની ઇમારતનું ઉદ્ઘાટન કરાવવા વિનંતી

સર્વોચ્ચ અદાલતે અરજદારનો ઊધડો લીધો

નવી દિલ્હી, તા. 26 (પીટીઆઈ) : સંસદની નવનિર્મિત ઇમારતનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે કરાવવાનો આદેશ આપવાની વિનંતી કરનારા અરજદાર અને ધારાશાત્રી જયા સુકીનને સર્વોચ્ચ અદાલતે આજે ખખડાવ્યા હતા અને તેમની અરજી કાઢી નાખી હતી.

સર્વોચ્ચ અદાલતની વૅકેશન બેન્ચના ન્યાયાધીશો જે.કે. મહેશ્વરી અને પી.એસ. નરસિમ્હાએ અરજદારને ખખડાવતા જણાવ્યું હતું કે, શા માટે અને કેમ આ અરજી નોંધાવવામાં આવી છે તે અદાલત સમજે છે. બંધારણની કલમ 32 અનુસાર અદાલત આ અરજી દાખલ કરવાનું વલણ ધરાવતી નથી. જ્યારે કોઈ વ્યક્તિને લાગે કે તેને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવ્યો છે ત્યારે તે બંધારણની કલમ 32 અનુસાર સર્વોચ્ચ અદાલતનો આશરો લેવાનો અધિકાર ધરાવે છે.  આ અરજી નોંધાવવમાં તમારું હિત કે રસ શું છે? તમે શા માટે આ અરજી લઈ આવ્યા છો તે અમે સમજીએ છીએ. બંધારણની કલમ 32 અનુસાર આ અરજી દાખલ કરવામાં રસ નથી. અમે તમારા ઉપર આ અરજી બદલ ખર્ચ વસૂલ કર્યો નથી યે બદલ અમારો આભાર માનો. આ અરજી વિશે વિચારવાનું કામ અદાલતનું નથી.

સુકીને જણાવ્યું હતું કે બંધારણની કલમ 79 અનુસાર રાષ્ટ્રપતિ દેશની કારોબારીના વડા છે. તેઓ દેશના પ્રથમ નાગરિક છે તેથી તેઓને સંસદની ઇમારતના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવું જોઈએ. તે અંગે વૅકેશન બેન્ચે જણાવ્યું હતું કે અદાલત કલમ 79 સમજે છે, પરંતુ તે ઇમારતના ઉદ્ઘાટન સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ એસ.જી. મહેતાએ જણાવ્યું હતું કે, અરજી પાછી ખેંચ્યા બાદ વકીલ સુકીન હાઇકોર્ટમાં પણ જઇ શકે છે. આવા વાંધા બાદ કોર્ટે અરજદાર સુકીનને કહ્યું હતું કે, જો આપ હાઇકોર્ટ જવાના હો, તો અમે અરજી રદ્દ કરીએ છીએ.

જવાબમાં અરજદાર જયાસુકીને જણાવ્યું કે, હું રાજકોટમાં પણ નહીં જઉ. એવું ઇચ્છતો નથી કે, અરજી રદ્દ થાય. નહિતર સરકારને આવાં ઉદ્ઘાટનનું સર્ટિફિકેટ મળી જશે.અગાઉ, જયાએ અરજીમાં એવો તર્ક આપ્યા હતો કે, સંસદના તમામ વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ કાયદા બને છે. એટલે સંસદ ભવન રાષ્ટ્રપતિના હસ્તે જ ખુલ્લું મુકાવું જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ